અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાલનપુર, વ્યારા, નવસારી, ભુજ સહિત ગુજરાતમાં કોરોનાને લઈને યોજાઈ મૉક-ડ્રિલ ઃ કોવિડની કરાઈ સમીક્ષા
ગુજરાતના આરોગ્ય પ્રધાન હૃષીકેશ પટેલે ગાંધીનગરમાં સિવિલ હૉસ્પિટલમાં યોજાયેલી મૉક-ડ્રિલમાં ઉપસ્થિત રહીને નિરીક્ષણ કર્યું હતું.
વિશ્વમાં કોરોનાએ ફરી માથું ઊંચક્યું છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતમાં આવેલી સરકારી હૉસ્પિટલો સહિતનાં આરોગ્ય કેન્દ્રોમાં કોરોનાને લઈને મૉક-ડ્રિલ યોજાઈ હતી અને કોવિડની સમીક્ષા કરાઈ હતી, એટલું જ નહીં, અગમચેતીના ભાગરૂપે ગુજરાત સરકારે કેન્દ્ર સરકાર પાસે વૅક્સિનના ૧૨ લાખ ડોઝની માગણી કરી છે.
કોરોના સામે વહીવટી તંત્રની સજ્જતા વિશે અમદાવાદ, ગાંધીનગર, ભુજ, નવસારી, વડોદરા, પાલનપુર, વ્યારા સહિત ગુજરાતની સરકારી હૉસ્પિટલોમાં ગઈ કાલે મૉક-ડ્રિલ યોજી હતી. ગાંધીનગર જિલ્લા સિવિલ હૉસ્પિટલમાં યોજાયેલી મૉક-ડ્રિલમાં ગુજરાતના આરોગ્ય પ્રધાન હૃષીકેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને હૉસ્પિટલનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ‘સંભવતઃ આવનારી કોરોનાની લહેરના સામના માટે માનવબળ અને મશીનરી સહિત ગુજરાતનું આરોગ્યતંત્ર સજ્જ છે. નાગરિકોને કોરોનાની રસીથી સુરક્ષિત કરવા માટે રાજ્ય સરકાર પાસે રસીનો પૂરતો જથ્થો છે અને કેન્દ્ર સરકાર પાસેથી ૧૨ લાખથી વધુ ડોઝની માગણી કરી છે. એ જથ્થો ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે. પ્રિકૉશન ડોઝ આપવા માટે ખાસ ડ્રાઇવનું રાજ્યવ્યાપી આયોજન કરવામાં આવશે. રાજ્યમાં એક લાખથી વધુ બેડ અને ૧૫થી ૧૬ હજાર જેટલાં વેન્ટિલેટરની સુવિધા છે.’
ADVERTISEMENT
ભુજની જનરલ હૉસ્પિટલમાં યોજાયેલી મૉક-ડ્રિલ
ગાંધીનગર ઉપરાંત અમદાવાદ સિવિલ હૉસ્પિટલ સહિતની હૉસ્પિટલોમાં તથા વડોદરાની સરકારી હૉસ્પિટલોમાં મૉક-ડ્રિલ યોજાઈ હતી. કચ્છના ભુજમાં આવેલી જી. કે. જનરલ હૉસ્પિટલમાં મૉક-ડ્રિલ યોજાઈ હતી, જેમાં ઑક્સિજન પ્લાન્ટ, બેડની ઉપલબ્ધતા, દરદીને અટેન્ડ કરવાની તૈયારીઓની સમીક્ષા કરાઈ હતી.
નવસારીમાં સરકારી હૉસ્પિટલમાં ડમી દરદી સાથે મૉક ડ્રિલ યોજાઈ હતી
તાપી જિલ્લાના વ્યારામાં આવેલી જનરલ હૉસ્પિટલમાં ગઈ કાલે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવે, સિવિલ સર્જ્યન ડૉ. નૈતિક ચૌધરી સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં મૉક-ડ્રિલનું આયોજન કરાયું હતું. કોવિડનો શંકાસ્પદ દરદી જ્યારે હૉસ્પિટલ પરિસરમાં પહોંચે ત્યારે કેવી રીતે તબક્કાવાર તેને સ્ટાફ દ્વારા અટેન્ડ કરીને સારવાર અપાય એનું ડેમોન્સ્ટ્રેશન ડમી દરદી દ્વારા કરાયું હતું. કોરોનાની ઇમર્જન્સી સેવા સંબંધી તૈયારીઓનો અંદાજ મેળવવા માટે બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર જનરલ હૉસ્પિટલ સહિતની સરકારી આરોગ્ય સંસ્થાઓમાં મૉક-ડ્રિલ યોજાઈ હતી. પાલનપુરમાં આવેલી જનરલ હૉસ્પિટલમાં પ્રાંત અધિકારી સુશીલ પરમારની અધ્યક્ષતામાં કોરોના વિશે સમીક્ષા-બેઠક યોજાઈ હતી. નવસારી જિલ્લામાં નવસારી સિવિલ હૉસ્પિટલ સહિત નવસારી જિલ્લામાં આવેલી ૪૮ હૉસ્પિટલ, પાંચ અર્બન હેલ્થ સેન્ટર, ૪૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગઈ કાલે મૉક-ડ્રિલ યોજાઈ હતી.