શિયાળામાં મુંબઈમાં પણ માઇગ્રેટરી પંખીઓ જોવા મળે છે, પરંતુ અત્યારે ટાઢાબોળ ગુજરાતમાં જ્યાં કુદરતને કનડે એવો વિકાસ નથી થયો એવાં સ્થળોએ મબલક સંખ્યામાં વિદેશી પંખીઓ આવે છે. કચ્છનું છારી ઢંઢ કન્ઝર્વેશન રિઝર્વ હોય કે બનાસકાંઠાનું નડાબેટ, મધ્ય ગુજરાતનું વઢવાણ અને પંખીઓ માટે મામાનું ઘર ગણાતા નળસરોવર કે થોળ; ગુજરાતમાં લગભગ ૩૦૦ જાતનાં યાયાવર પંખીઓ મજ્જાથી વિન્ટર વેકેશન માણે છે
છારી ઢંઢ, ભાગડિયા ઢંઢ કે પછી છછલો ઢંઢ. કચ્છના આ વિસ્તારોના નામ બોલવામાં અને સાંભળવામાં જુદા લાગે છે, પણ યુરોપ, રશિયા કે પછી સાઇબીરિયા જેવા દેશોનાં જાતભાતનાં પંખીઓ માટે આ નામ અજાણ્યું નથી! કેમ કે વિન્ટરની આ સીઝનમાં માઇગ્રેટરી બર્ડ્સ માટે કચ્છમાં આવેલું છારી ઢંઢ, ભાગડિયા ઢંઢ કે છછલો ઢંઢ જાણીતી જગ્યા છે અને ત્યાં તેઓ વિન્ટર વેકેશન એન્જૉય કરી રહ્યાં છે. કચ્છમાં આવેલુ છારી ઢંઢ એ ગુજરાતનું એકમાત્ર કન્ઝર્વેશન રિઝર્વ છે. શિયાળામાં વિદેશી પંખીઓ માટે પિયર એવા ગુજરાતમાં આવી ઓછી જાણીતી જગ્યા છે જે માઇગ્રેટરી બર્ડ્સ માટે હૉટ ડેસ્ટિનેશન બનતાં આવ્યાં છે. જ્યાં હ્યુમન ડિસ્ટર્બન્સ છે જ નહીં કે પછી નહીંવત્ છે એવા બનાસકાંઠાનું નડાબેટ હોય કે પછી મધ્ય ગુજરાતનું વઢવાણ હોય કે સારસોના વિસ્તારમાં વિદેશી પંખીઓએ જ્યાં પગપેસારો કર્યો છે એ માતર પાસેનું પરીએજ હોય. અહીં હજ્જારોની સંખ્યામાં વિદેશી પંખીઓ આવે છે. બીજી તરફ આ વિદેશી પંખીઓ માટે મામાના ઘર સમાન નળ સરોવર કે પછી થોળને કેમ ભુલાય? જ્યાં ૩૦૦ જાતનાં વિદેશી પક્ષીઓ એયને મજ્જાથી વિન્ટર વેકેશન વિતાવી રહ્યાં છે. આમ પબ્લિકમાં ઓછાં જાણીતાં વિદેશી પંખીઓના હૉટ ડેસ્ટિનેશન સમા ગુજરાતના વેટલૅન્ડની ખાસિયતો પણ જાણવા જેવી છે જ્યાં શિયાળો આવતાં જ વિદેશી પંખીઓ આવી જાય છે. કેમ અહીં આવે છે માઇગ્રેટરી બર્ડ્સ એ પણ જાણવા જેવું છે.
22 January, 2023 11:40 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent