અમદાવાદ હાટમાં આવેલ ગ્રામીણ ભોજનાલયનું ખાણું અત્યંત સ્વાદિષ્ટ હોય છે - તસવીર સૌજન્ય પૂજા સાંગાણી
ટેક્નોલોજીથી ભરપૂર, ઝડપી અને તણાવભર્યા શહેરી જીવનની તુલનામાં ગામડાનું સહજ અને સમરસ જીવન મને હંમેશા પ્રભાવિત કરતું રહ્યું છે. એક જૂનો કિસ્સો યાદ કરુંને હું જયારે આશ્રમ રોડ ખાતે આવેલી એચ.કે. આર્ટ્સમાં માસ્ટર્સ ભણતી ત્યારે અમારી કોલેજ સાંજની હતી. અને રોજ ઘરે જતી વખતે બસ સ્ટેન્ડ પાસે ફૂટપાથ પરની એક ઘટના હજી પણ મારા હૃદયમાં તાજી છે. ત્યાં રોજ સાંજે આઠ વાગ્યે એક બહેન ચુલા પર મકાઈનો રોટલો અને બાજરીનો રોટલો ગરમ-ગરમ તૈયાર કરતા. સાથે તાજી લસણની ચટણી, ડુંગળી અને મરચા સાથેનો મસ્ત થાળી શણગારતા અને પરિવાર સાથે વાતો કરી જમતા.
મારા રોજિંદા માર્ગ પર આ દ્રશ્ય મને ત્યાં અટકાવતું. એક દિવસ હિંમત કરીને પૂછ્યું કે "શું તમે મારે માટે પણ રોટલો બનાવી આપશો?" તેમના મીઠા સ્મિતે મને ખૂશ કરી દીધી. તેમણે તરત ગરમ મકાઈ રોટી અને બાજરીનો રોટલો તૈયાર કર્યો. સાથે લસણની ચટણી અને કાંદો આપીને કહ્યું, "તમે બસમાં જમજો." પૈસા લેવા પણ રાજી ન થયા. તે દિવસથી તેમના જેવા મજૂર વર્ગ માટે મારું માન અનેકગણું વધ્યું. ગરીબ હોવા છતાં, તેઓની બીજાને જમાડવાની ભાવનાએ મારાં મનમાં ખૂબ સરસ અસર છોડી. સાદગીથી પરિપૂર્ણ જીવનશૈલી, તાજાં ખોરાકનો સ્વાદ અને ચુલ્હા પર બનતા ગરમ રોટલાની સુગંધનો અનોખો લહાવો માણવો હોય તો, અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલા `અમદાવાદ હાટ`દ્વારા સ્થાપિત `ગ્રામીણ ભોજનાલય` ખાસ રીતે જવા જેવી જગ્યા છે. આ સ્થળે ન માત્ર ભારતીય હસ્તકલા અને સંસ્કૃતિના વૈવિધ્યને ઉજાગર કરે છે, પરંતુ ત્યાંનું તાજું અને સ્વાદિષ્ટ ગ્રામ્ય ભોજનથી લોકોને પ્રેરિત કરતા શહેરી જિંદગીમાંથી દૂર એક આહલાદાયક અનુભવ પણ કરાવે છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો : પૂજા સાંગાણી)
24 January, 2025 03:21 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent