મલાડમાં જિલ્લા શિક્ષણ વિભાગે યોજ્યું છે એક રસપ્રદ વિજ્ઞાન પ્રદર્શન- આ રહી વિગતો
આજના વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન અને ટેકનોલોજી તરફ રસ પેદા થાય એવું વાતાવરણ નિર્માણ કરવું ખૂબ જરૂરી છે. વિધાર્થીઓમાં સંશોધન તરફના અભિગમને વેગ આપવા અને તેમની કલ્પનાશકિત વિકસાવવા, વિધાર્થીઓને વિજ્ઞાનની નવી શોધોથી પરિચિત કરવા તેમજ તેમના સર્વાંગી વિકાસના ઉદ્દેશ્ય સાથે આ વિજ્ઞાન પ્રદર્શન જાન્યુઆરી ૯થી ૧૧ તારીખોમાં મલાડમાં યોજાયું છે. આ પ્રદર્શનનો મુખ્ય થીમ ' ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેક્નોલોજી' છે. જેના પેટા થીમ છે.... (1) ખોરાક,આરોગ્ય અને સ્વચ્છતા (2) પરિવહન અને સંચાર. (3) કુદરતી ખેતી. (4) ડિઝાસ્ટર મેનેજમેન્ટ. (5) મેથેમેટિકલ મોડલિંગ કોમ્પ્યુટેશનલ થિંકિંગ. (6) વેસ્ટ મેનેજમેન્ટ. (7) રિસોર્સ મેનેજમેન્ટ પ્રદર્શનમાં આવા વિવિધ થીમ હેઠળ વિધાર્થીઓ દ્વારા કરવામાં આવેલ પ્રોજેક્ટસ જોવા મળશે. શિક્ષણ વિભાગ તરફથી શિક્ષક નિરીક્ષક અંતર્ગત જિલ્લા સ્તરના વિજ્ઞાન પ્રદર્શનનું આ આયોજન જે. ડી. ટી હાઇસ્કૂલ સંસ્કાર એજયુકેશન સોસાયટી,કુરાર વિલેજ. મલાડ (ઇસ્ટ) માં તારીખ 9 થી 11 જાન્યુઆરી 2025 ના દિવસોમાં રાખવામાં આવ્યું છે. એનો સમય સવારે 9:00 થી સાંજના 4:00 સુધીનો રહેશે એવું એચ વોર્ડનાં પ્રચાર કન્વીનર તથા પ્યુપીલ્સ ઑન સ્કૂલનાં આચાર્યા કેયુરી પટેલે જણાવ્યું હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ તથા અન્ય રસ ધરાવતાં વાલીઓ પણ હાજરી આપી શકે છે.
read more
'ઝરૂખો'માં જ્યોતીન્દ્ર દવે, વિનોદ ભટ્ટ અને બકુલ ત્રિપાઠીના સર્જન વિશે ત્રણ વક્તાઓનાં વક્તવ્યો
શનિવારે બોરીવલીમાં 'હાસ્યનાં હળવાં હલેસાં' ગુજરાતી ભાષામાં હાસ્ય સાહિત્ય સારા એવા પ્રમાણમાં ખેડાયું છે. દાયકાઓ અગાઉ સર્જન કરી ગયેલા હાસ્યલેખકો હજી ગુજરાતી વાચકના હૃદયમાં બિરાજમાન છે.ગુજરાતીના ટોચના પાંચ હાસ્યલેખકોમાં જેમને ગણવા જ પડે એવા ત્રણ લેખકનાં સર્જન વિશે ,જે સારા ભાવક છે એવાં ,ત્રણ વક્તાઓ વાત કરે એવું આયોજન ૪ જાન્યુઆરી શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે 'ઝરૂખો 'માં થયું છે. 'ઝરૂખો 'ની આ સાહિત્યિક સાંજમાં જ્યોતીન્દ્ર દવેના સાહિત્ય વિશે દેવાંગ શાહ, વિનોદ ભટ્ટના સર્જન વિશે મિતા દીક્ષિત અને બકુલ ત્રિપાઠીના સર્જન વિશે દેવલ જ્ઞાની વાત કરશે. કેટલાક હાસ્ય નિબંધોમાંથી વાચિકમ પણ થશે. આ કાર્યક્રમ માટે વાર્તાકાર મીનાક્ષી દીક્ષિતના પરિવારનો સહયોગ છે. સંજય પંડ્યાના સંચાલનમાં ' હાસ્યનાં હળવાં હલેસાં ' કાર્યક્રમ સાઈબાબા મંદિર ,બીજે માળે, સાઈબાબા નગર ,બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે જેમાં સમયસર પહોંચી જશો.બેઠક વ્યવસ્થા વહેલો તે પહેલોના ધોરણે રહેશે.
read more
કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ગુર્જર-કાવ્યપાઠના કાર્યક્રમ થકી 'ઝરૂખો' ઝગમગશે!
મુંબઈના ગુજરાતી સાહિત્ય ચાહકો માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઉપરા ઉપરી કાર્યક્રમ યોજી રહી છે. વ્યક્તિને સંવેદનશીલ બનાવવામાં કવિતા મોટો ભાગ ભજવે છે. ' સાહિત્ય મંચ ' નામે યોજાયેલા સાહિત્ય અકાદમીના આ કાર્યક્રમમાં જાણીતા કવિઓ સંદીપ ભાટિયા, મુકેશ જોશી અને જ્યોતિ હિરાણી સાથે નવી પણ તેજસ્વી કલમો દિગંત મેવાડા અને પારુલ વોરા કાવ્યપાઠ કરશે. મુકેશ જોશી, સંદીપ ભાટિયા અને દિગંત મેવાડા જ્યોતિ હિરાણી અને પારૂલ વોરા સાહિત્ય અકાદમીના મુંબઈ કાર્યાલયના પ્રભારી ઓમ પ્રકાશ નાગર સ્વાગત વક્તવ્ય આપશે. સંયોજક સંજય પંડ્યા પરિચય આપશે અને આભારવિધિ કરશે. આ કાર્યક્રમ ૬ ડિસેમ્બર શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્યે સાઈબાબા મંદિર બીજે માળે,સાઈબાબા નગર,બોરીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે . ૭ વાગ્યે આવનાર ભાવકો ચા કૉફી માણી શકશે.ઝરુખો ( શ્રી સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ) આ કાર્યક્રમની સહયોગી સંસ્થા છે અને સર્વેને હાજરી આપવા નિમંત્રણ છે.
read more
'આજનાં શ્રેષ્ઠ બાળ કાવ્યો' પુસ્તક લોકાર્પિત- જાણીતાં સર્જકોએ સંપાદન વખાણ્યું
અમદાવાદમાં ઘાટલોડીયા વિસ્તારમાં આવેલ સાર્થક ઈંગ્લિશ સ્કૂલમાં 'આજનાં શ્રેષ્ઠ બાળ કાવ્યો ' કાવ્ય સંગ્રહની વિમોચન વિધિ સંપન્ન થઈ. જાણીતા બાળ સાહિત્યકાર, નિબંધકાર ડૉ.શ્રદ્ધાબેન ત્રિવેદીએ પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેઓએ અલગ- અલગ વિષયોને કેન્દ્રમાં રાખીને પ્રકાશિત કરેલા કાવ્ય સંગ્રહ માટે શ્રી સાં.જે.પટેલ, શ્રી મણિલાલ શ્રીમાળી 'મિલન' અને કિરીટ દવેને અભિનંદન આપ્યા હતા. સ્વાગત પ્રવચન ડૉ. શ્રદ્ધાબેને કાવ્ય સંગ્રહનો પરિચય કરાવતા કહ્યું કે બાળ સાહિત્ય લખવામાં સર્જકની ભૂમિકા અઘરી પણ બને છે. કારણ ગમે તેટલી ઉંમરે બાળમાનસમાં પ્રવેશી સર્જક રચનાઓ લખે છે ત્યારે બાળકો સાથે તાદામ્યતા અને સર્જકની અવલોકન શક્તિ બાળકોમાં પોતાપણું અનુભવે તે જરૂરી છે. તેઓએ કેટલાક કાવ્યોનો આસ્વાદ કરાવીને પુનરાવર્તન નિવારવા અને કાવ્યત્વ વિકસાવવા ખાસ સૂચન કર્યું હતું. જ્યોતિષ વાસ્તુ ટીચિંગ અને કન્સલ્ટન્સીના તજજ્ઞ ડૉ. સ્મિતા સુથારે ત્રણ સર્જકોએ ભેગા મળીને રચેલા આ કાવ્યસંગ્રહ વિશે અને વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષ વિશેના પોતાના ૨૩ વર્ષના અનુભવનો નીચોડ રજૂ કર્યો હતો. તેઓએ જ્યોતિષશાસ્ત્રને અગાધ જ્ઞાનના દરિયા સમાન ગણાવી નામ અને તેની સાથે જોડાયેલા સ્વભાવ વિશે વિસ્તૃત વાત કરી હતી. તેઓએ આપણી સંસ્કૃતિમાં શિવ તત્ત્વનું મહત્વ અને કૈલાસ માન સરોવર યાત્રા વિશે અનુભવસભર માર્ગદર્શન આપ્યું હતું અને અદભુત કૈલાશ પુસ્તક વિશેનું વર્ણન કરીને કૈલાશ માન સરોવર યાત્રાનું મહિમા ગાન કર્યું હતું. સમર્થ સંસ્થાના સંચાલકશ્રી અને મહિલા પીટીસી કોલેજ, ગાંધીનગરના પૂર્વ પ્રિન્સિપાલ શ્રી રામુ ડરણકરે અહી યોજાયેલા કાર્યક્રમ માટે આનંદ વ્યક્ત કર્યો હતો અને બાળ સાહિત્યકારો તેમજ અહીં યોજાતી શનિસભા વિષયક અને પ્રવૃત્તિઓ એક રસપ્રદ કાવ્યમાં કંડારીને રજૂ કરી હતી. જાણીતા સાહિત્યકાર સાં.જે.પટેલે પ્રતિભાવમાં કહ્યું કે આ સંગ્રહમાં ૫૧ કવિઓના ૭૫ કાવ્યો છે જેનું પ્રકાશન કરવામાં રન્નાદે પ્રકાશનના શ્રી હંમેશભાઈ મોદીના ઉત્સાહને બિરદાવ્યો હતો. તેઓએ બાળ સાહિત્ય સર્જનના પોતાના અનુભવો વ્યક્ત કરી અનેક ઉદાહરણ સાથે બાળ કાવ્યો- બાળવાર્તાઓ વિશે વિગતવાર વાત કરી હતી. જાણીતા ઉદધોષક - કર્મશીલશ્રી ભાનુભાઇ દવેએ ત્રણેય સર્જકોની સાહિત્ય પ્રતિબધ્ધતાની સરાહના કરી આવા પ્રકારના પ્રકાશનો બાળકો-ભાવકોને ગમશે તેવી શુભેચ્છાઓ આપી હતી અને સમગ્ર કાર્યક્રમનું રસપ્રદ - સફળ સંચાલન કર્યું હતું. શ્રી ભાનુભાઈ દવેએ બાળ કાવ્યોના ત્રણેય સર્જકોનો વિસ્તૃત પરિચય આપીને તેઓમાં બાળકના રસ અને રુચિને પારખી તેને સાકાર કરવાના પ્રયત્નો અને નૂતન દૃષ્ટિકોણથી જ આ સંગ્રહ અનવીનતા બક્ષે છે તેમ જણાવ્યું હતું. તેમણે શ્રી ગિજુભાઈ બધેકા, શ્રી નાનાભાઈ, શ્રી દર્શક અને પ્રવર્તમાન સર્જક શ્રી યશવંતદાદાના અને આજના અન્ય બાળ સાહિત્યકારોના સર્જન કર્મ વિશે પણ કેટલીક વાતો પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે ડી.આર.પટેલ હાઈસ્કુલ, કુડાસણના આચાર્ય અને સંદેશ- સાધનાના પૂર્વ કટાર લેખક શ્રી હિમાંશુભાઈ ઓઝા એ શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમના પ્રારંભમાં શાળાના અધ્યાપક બહેનોએ પ્રાર્થના રજૂ કરી હતી. સાં. જે. પટેલ સાહેબ તથા રામુ પટેલ ડરણકર સાહેબે મહેમાનો તથા સર્જક મિત્રોને શાબ્દિક શબ્દો થી આવકાર્યા હતાં ને અને જ્યારે આભારદર્શન બાળ સાહિત્યકારશ્રી મણિલાલ શ્રીમળીએ કર્યું હતું અને આ કાવ્યો સંકલિત કરીને તૈયાર કરાયેલા પુસ્તકમાં નવોદિતોનો પણ સમાવેશ કરાયો છે તેનો આનંદ વ્યક્ત કર્યો હતો. તેઓએ આ સંગ્રહ બાળ સાહિત્યના અભ્યાસુ માટે ખૂબ જ ઉપયોગી નીવડશે તેમ જણાવ્યું હતું. આ પ્રસંગે શ્રી પી. ડી. સુથાર રચિત બે પુસ્તિકાઓ 'કુટેવ બગાડે, સુટેવ સુધારે' અને 'જગત જેનું, જતન તેનું' નું વિમોચન પણ મંચસ્થ મહાનુભાવો એ કર્યું હતું. આ પ્રસંગે કવિ શ્રી ગોવિંદ દરજી, શ્રીમતી લતા હિરાણી, શ્રી પી.ડી. સુથાર, શ્રી હસમુખ બોરાણીયા, શ્રી તથાગત પટેલ,અંજના શ્રીમાળી, ભારતી સોની, શ્રી નટવરભાઈ પટેલ, નાટ્યકાર શ્રી ભરતભાઈ પંચોલી, તસવીરકારશ્રી ઘડીયાળી અને આ સંગ્રહમાં જેઓની કૃતિઓ સ્થાન પામી છે તેવા સર્જકો ઉપસ્થિત રહ્યા હતા.
read more
.... તો આવી ગઈ ગુર્જરી નમોસ્તુતે ઉજવવાની ક્ષણ! તૈયાર છો ને? આ રહી વિગતો
દરવર્ષની જેમ આ વર્ષે પણ કાંદિવલી એજ્યુકેશન સોસાયટી સંચાલિત બી. કે. શ્રોફ વિનયન મહાવિધાલય તથા એમ. એચ. શ્રોફ વાણિજ્ય મહાવિદ્યાલયના 'ગુજરાતી સાહિત્ય મંડળ' દ્વારા ગુર્જરી નમોસ્તુતેનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે આંતરરાષ્ટ્રીય મહાવિધાલય મહોત્સવ ગુર્જરી નમોસ્તુતે બુધવાર, તા.૧૧/૧૨/૨૦૨૪ના રોજ ઉજવાશે. આ વર્ષે ગતિશીલ ગુજરાતનો રંગ, માણીએ ગુર્જરી સંગ આ વિષય નક્કી કરાયો છે. કઈ સ્પર્ધાઓ ઓનલાઈન? ૧. P.P.T. બનાવટ૨. હું આર. જે...૩. નિબંધ લેખન૪. ચિત્ર પરથી સર્જન૫. જ્ઞાન પરિક્ષણ (Quiz) કઈ સ્પર્ધા પરિસરમાં? ૧. ગીતગુંજન૨. નૃત્ય સ્પર્ધા3. એકપાત્રીય અભિનય૪. બેગ પેઈન્ટીંગ૫. વક્તૃત્વ સ્પર્ધા૬. મહેંદી૭. રંગોળી બનાવટ૮. વાનગી બનાવટ૯. ગરબી સજાવટ સામાન્ય નિયમો જાણી લો (૧) સ્પર્ધકોએ સ્પર્ધા સમયે મહાવિદ્યાલયનું ઓળખપત્ર (આઈ.ડી.કાર્ડ) અથવા પુસ્તકાલયનું ઓળખપત્ર (લાયબ્રેરી કાર્ડ) સાથે લાવવું ફરજિયાત છે.(૨) નોંધણી વિભાગ કાર્યાલય સ્પર્ધાના બે કલાક પહેલા ખુલશે.(૩) સ્પર્ધકોએ સ્પર્ધાના અડધો કલાક પહેલા નિશ્ચિત વર્ગમાં આવી જવું જરૂરી રહેશે.(૪) ગુર્જરી મહોત્સવની દરેક Online સ્પર્ધામાં સહભાગી થવા માટે પ્રત્યેક સ્પર્ધકે તા. ૮/૧૨/૨૦૨૪ સુધીમાં તે સ્પર્ધા સંબંધી લિંક પર જઈ રજિસ્ટ્રેશન કરી પોતાની ફાઈલ સમયસર અપલોડ કરવી ફરજીયાત છે.(૫) જે સ્પર્ધાઓ Zoom Application ના માધ્યમથી લાઈવ થશે તે સ્પર્ધાઓમાં સહભાગી થનાર સ્પર્ધકે ના.૧/૧૨/૨૦૨૪ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.(૬) પ્રત્યેક સ્પર્ધાના રજિસ્ટ્રેશન બાદ રજિસ્ટ્રેશન ફોર્મમાં આપેલી લિંક દ્વારા તે સ્પર્ધા સંબંધી Whatsapp ગ્રુપમાં જોડાવું ફરજીયાત છે.(૭) લાઈવ સ્પર્ધાઓની Zoom link રજિસ્ટ્રેશન બાદ તે સ્પર્ધા સંબંધી Whatsapp સુપમાં મોકલવામાં આવશે.(૮) આ સ્પર્ધાઓ દરમ્યાન સ્પર્ધાના નિયમો અને શિરતનું પાલન કરવાનું રહેશે. નિયમભંગ કરનાર વિધાર્થી સ્પર્ધામાં ભાગ લઈ શકશે નહીં.(૯) પરિસ્થિતિ અને સંજોગો અનુસાર નિયમોમાં ફેરબદલ થઈ શકે છે.(૧૦) તા.૨/૧૨/૨૦૨૪ ના રોજ સવારે ૧૦.૦૦ કલાકે પ્રત્યેક મહાવિદ્યાલયના પ્રતિનિધિ અને ઉપપ્રતિનિધિઓની એક મિટિંગ રહેશે. તે સમયે સ્પર્ધકોની યાદી અને પ્રવેશપત્ર નોંધણી કરાવવાની રહેશે.(૧૧) આ ઉત્સવ દરમ્યાન મહાવિધાલયની ઈમારત કે અકસ્યામતોને આવેલા સ્પર્ધકો દ્વારા જો નુકશાન થશે તો ભરપાઈ કરવાની જવાબદારી તે સ્પર્ધકની થશે.(૧૨) જ્ઞાન પરીક્ષણ સ્પર્ધા સિવાયની તમામ સ્પર્ધાઓમાં પ્રથમ, દ્રિતીય અને તૃતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિજેતાઓને રોકડ ઈનામ તથા ઈ-પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે.(૧૩) પ્રત્યેક સ્પર્ધાના પરિણામ તથા વિજેતાઓની યાદીની જાહેરાત તા. ૧૧/૧૨/૨૦૨૪ ના રોજ થનારા ઈનામ વિતરણ સમારંભમાં કરવામાં આવશે.(૧૪) ઈનામ વિતરણ સમારંભ તા. ૧૧/૧૨/૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે કે.ઈ.એસ. શ્રોફવિનયન તથા વાણિજ્ય મહાવિધાલયના પંચોલિયા હોલમાં થશે,(૧૫) Online Zoom Application સ્પર્ધામાં ભાગ લેનાર પ્રત્યેક સ્પર્ધકે પોતાના મોબાઈલ ફોન અથવા કોમ્પ્યુટરમાં Zoom Application Download કરવી ફરજિયાત છે.(૧૬) નિર્ણાયકોનો નિર્ણય આખરી રહેશે. વધુ વિગતો માટે કોનો સંપર્ક કરશો? વત્સલ પૂજારા - ૯૯૨૫૬૪૬૪૬૨, પાર્થ મકવાણા - ૭૨૦૮૩૮૧૩૯૭, ભવ્ય પટેલ - ૯૭૫૭૦૫૮૫૮૩
read more
એક સંગીતમય સાંજ ઊજવો કૃષ્ણ અને હાર્દિક દવેને નામ, પ્રફુલ્લ દવેના પુત્રનું મુંબઈમાં પદાર્પણ
એક સંગીતમય સાંજ ઊજવો કૃષ્ણ અને હાર્દિક દવેને નામ, પ્રફુલ્લ દવેના પુત્રનું મુંબઈમાં પદાર્પણ ગુજરાતી લોક ગાયક હાર્દિક દવે અને તેમનું બૅન્ડ 'ઇકતરા સિંફની' આજે 9 નવેમ્બર 2024, શનિવારના રોજ સાંજે 7.30 કલાકે NMACCમાં આવેલ ગ્રાન્ડ થિએટર ખાતે શો ‘શ્યામ બાય હાર્દિક દવે’ નામના ક્રિએટિવ શો માટે આવી રહ્યા છે. આ શો જેમાં આપણે જેને કૃષ્ણ, કાન્હા, માધવ, મૂરલીધર, ગોવિંદ, દ્વારકાધીશ અથવા શ્યામ વગેરે નામ સાથે ઓળખીએ છીએ તે બાંસુરીવાળાનું રહસ્ય અને ભાવના રજૂ કરવામાં આવનાર છે. લોકગાયક હાર્દિક દવેની લોક-શૈલીની રજૂઆત તમને તેની અદભુત યાત્રાનો સંગીતનાત્મક અનુભવ કરાવશે એમાં કોઈ બેમત નથી. હાર્દિક અને તેમનનું પ્રતિભાશાળી મ્યુઝીક બેન્ડ ‘ઇકતરા’ સાથે આ અદભુત સાંજનો અનુભવ કરવા જેવો છે. ગોકુળમાં જન્મથી લઈને વૃંદાવનમાં તેમની મસ્તી સુધીનો આનંદ આ શોમાં બતાવાશે. કૃષ્ણના બાળપણથી લઈને ભગવદ ગીતામાં તેમના ઊંડા જ્ઞાનથી લઈ વૈકુંઠમાં તેમના પુનઃ અવતાર સુધીની કથા આ શોમાં બતાવાશે. એમ કહી શકાય કે આ શો પ્રાચીન ભારતીય સંગીત પરંપરાને જીવંત કરશે. એક સંગીતકાર પરિવારમાં જન્મેલા હાર્દિક દવેનું આ શો દ્વારા સંગીત વિશ્વમાં ડેબ્યુ છે. પિતા પ્રફુલભાઈ દવે અને માતા ભારતીબેન કુંચાલાની આંગળી પકડી તેમણે સંગીતમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, તે પછી પોતાની ઓળખ બનાવીને એક પ્રિય ગાયક બન્યા છે. હિટ સોન્ગ 'ખમ્મા વીરાને' લોકપ્રિય બન્યું છે. જ્યાં તેમની બહેન અને ગાયક ઈશાની દવેએ પણ તેમની સાથે સુર પુરાવ્યો છે. (તસવીર -https://nmacc.com)
read more
નવી પ્રતિભાઓથી ઝળકશે 'તરંગ ઉત્સવ'! શાસ્ત્રીય નૃત્યનો અદભૂત કાર્યક્રમ, જાણો ક્યાં અને ક્યારે?
કલાનાં ક્ષેત્રે નવી પ્રતિભાઓ સમયાંતરે આવતી જ રહે છે. શાસ્ત્રીય નૃત્ય ક્ષેત્રે પણ તેજસ્વી પ્રતિભાઓ કલાજગતને મળતી રહે છે. આવી પ્રતિભાઓનાં નૃત્યનો તથા એમને તથા એમના ગુરુને સન્માનવાનો એક જાહેર કાર્યક્રમ તક્ષશિલા નૃત્ય કલામંદિરે ૧૦ નવેમ્બર રવિવારે સવારે ૯.૩૦ વાગ્યે લતા મંગેશકર નાટ્યગૃહ, મીરા રોડમાં યોજ્યો છે. તક્ષશિલા નૃત્ય કલામંદિરની સ્થાપના શ્રીમતી કાશ્મીરા ત્રિવેદીએ 1988 માં કરી હતી. આ સંસ્થાના ઉપક્રમે એમણે વર્ષોથી કેટલીય નવી તથા જાણીતી પ્રતિભાઓને લોકો સમક્ષ રજૂ કરી છે. ડૉ. રાધા કુમાર, સંજય પંડ્યા અને કાશ્મીરા ત્રિવેદી તેઓ પોતે ભરતનાટ્યમનાં વરિષ્ઠ નૃત્યાંગના અને કોરિયોગ્રાફર છે. એમણે અનેક બેલેનૃત્ય કોરિયોગ્રાફ કર્યા છે અને ભરતનાટ્યમ, કથ્થક તથા ઓડીસી નૃત્યને 'ત્રિભંગિમા' એવા નામે એક સાથે મંચ પર રજૂ કર્યા છે. જાણીતા સિતારવાદક પ્રોફેસર ડોક્ટર રાધાકુમાર , કવિ સંજય પંડ્યા , કુચીપુડી નૃત્યમર્મજ્ઞ વિક્રમકુમાર બથીના તથા સંસ્કારભારતી (ગુજરાત)ના જગદીશ જોશી વિશેષ અતિથિ તરીકે હાજરી આપશે. શાસ્ત્રીય નૃત્યની નવી પ્રતિભાઓનું તરંગ પદ્મ એવોર્ડથી તથા ગુરુનું તરંગ વિદ્વાન એવોર્ડથી વિશેષ અતિથિઓના હસ્તે સન્માન કરવામાં આવશે. વિક્રમકુમાર બથીના તેમ જ જગદીશ જોશી ભારતીય શાસ્ત્રીય નૃત્ય કલાના વિવિધ રંગોને માણવા તથા નવી પ્રતિભાઓને પોંખવા સહુની હાજરી અનિવાર્ય છે અને તક્ષશિલા નૃત્ય અકાદમી રસિકજનને જાહેર આમંત્રણ પાઠવે છે.
read more
લેખિનીના શતાંકના લોકાર્પણ પ્રસંગે અનોખો સાહિત્યિક કાર્યક્રમ
ભવન્સ કલ્ચરલ સેન્ટરના સહયોગથી પ્રસ્તુત લેખિનીના શતાંકના લોકાર્પણ પ્રસંગે અનોખા સાહિત્યિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લોકાર્પણ કનુભાઈ સૂચક તેમજ ડૉ. સુશીલા સૂચકના હસ્તે તથા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે સ્નેહલ મુઝુમદાર જેઓ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ પણ છે. આ કાર્યક્રમમાં જમનાબાઈ નરસી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા લોકગીતોની રમઝટ બોલાવવામાં આવશે, સાથે જ હેમા આશિત દેસાઈની વિશેષ ઉપસ્થિતિમાં સાહિત્યિક અંતાક્ષરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાય લેખિનીની બહેનો દ્વારા નૃત્યની પ્રસ્તુતિનો પણ કાર્યક્રમ છે. આ સમગ્ર કાર્યક્રમ 26 ઑક્ટોબર 2024ના રોજ સાંજે 6.30 કલાકે રાખવામાં આવેલ છે. સ્થળ: એસ.પી.જૈન ઑડિટોરિયમ, ભવન્સ કલ્ચરલ સેન્ટર, ભવન્સ કેમ્પસ, અંધેરી (વેસ્ટ), મુંબઈ.
read more
મુંબઈનાં મીનાક્ષી વખારિયાના બાળ-વાર્તાસંગ્રહ 'ચાલો, મસ્ત મજાની વાર્તા કહું...'નો લોકાર્પણ સમારોહ રંગેચંગે પાર પડ્યો
તા.૧૩મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ એસ.એન.ડી.ટી. અનુસ્નાતક મહિલા વિદ્યાપીઠ મું. તેમજ મુંબઈની જાણીતી સાહિત્યિક સંસ્થા લેખિનીના સંયુક્ત ઉપક્રમે મીનાક્ષી વખારિયાના બાળ-વાર્તાસંગ્રહ 'ચાલો, મસ્ત મજાની વાર્તા કહું...'નો લોકાર્પણ સમારોહ જી. એચ. સેન્ટર મિનિ ઓડિટોરિયમ (સાન્તાક્રુઝ) ખાતે સંપન્ન થયો. આ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે સુપ્રસિદ્ધ બાળવાર્તાકાર શ્રી હેમંત કારિયા હાજર રહ્યા હતા. તેઓએ મીનાક્ષી વખારિયાના બાળ-વાર્તાસંગ્રહને લોકાર્પિત કર્યો હતો. આ અવસરે વિદ્યાપીઠના મહિલા અનુસ્નાતક વિભાગના અધ્યક્ષ ડૉ.દર્શનાબહેન ઓઝા, શ્રી કવિત પંડયા, લેખિની સંસ્થાના અધ્યક્ષ ડૉ. પ્રીતિબહેન જરીવાલા તથા સાહિત્ય સંસદના પ્રમુખ શ્રી કનુભાઈ સૂચક, ડૉ. સુશીલાબહેન સૂચકની હાજરી કાર્યક્રમમાં ચાર ચાંદ લગાવી ગઈ. લોકપર્ણ સમારોહ દરમિયાન ડૉ. દર્શનાબહેન ઓઝાએ બાળ સાહિત્ય સર્જન અંગે પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે બાળ સાહિત્ય બાળકોના માનસિક વિકાસનાં ઘડતરને સહાયરૂપ થાય એ રીતે રચાવું જોઈએ. મીનાક્ષીબહેનની બાળવાર્તાઓ સહજપણે ઉતરી આવી છે. વ્યાકરણ અને જોડણી પ્રત્યેની તેમની સજાગતા તેમને સારાં લેખિકા બનાવે છે. લેખિની સંસ્થા વતી પ્રીતિબહેને પુસ્તકનાં મુખપૃષ્ઠ અંગે સુંદર વાત કરતાં કહ્યું હતું કે આ સંગ્રહનું મુખપૃષ્ઠ એટલું સુંદર બન્યું છે કે બાળક જાતે જ સમજી જાય કે આ પુસ્તક એનાં પોતાના માટે જ છે. બાળવાર્તાઓનું વૈવિધ્ય બાળકોને જરૂર ગમશે. એમણે પુસ્તકની જ એક વાર્તા રમતી-ભમતીનું ભાવવાહી પઠન કરી વાર્તાને ભાવકો સુધી રમતી કરી દીધી હતી. વિશેષ આતિથિ હેમંત કારિયાએ બાળસાહિત્ય સર્જન અને એનાં અનેકવિધ પાસાઓ વિશે રસપ્રદશૈલીમાં વાત કરી હતી. તેઓએ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે બાળવાર્તા લખવા માટે બાળક બનીને વિચારવું, લખવું પડે. મીનાક્ષીબહેનના વાર્તાસંગ્રહના શીર્ષકો જ એટલાં રસપ્રદ છે કે એ દરેકને શબ્દ વૈવિધ્યથી સાંકળી લઈએ તો એક નવી વાર્તા બની જાય. 'ચાલો, મસ્ત મજાની વાર્તા કહું...' આજે આ વાર્તાસંગ્રહ થકી બાળસાહિત્યમાં એક નવું પીંછુ ઊમેરાયું છે. આશા છે કે ભવિષ્યમાં મીનાક્ષીબહેન વધુને વધુ ઉત્તમ રચનાઓ આપી બાળસાહિત્ય જગતના પ્રતિનિધી કલમકાર બને. 'ચાલો, મસ્ત મજાની વાર્તા કહું...' પુસ્તકને આવકારતાં આદરણીય કનુભાઈ સૂચકે કહ્યું હતું કે આજના સમયમાં જ્યારે બાળસાહિત્યમાં ખૂબ જ ઓછું લખાઈ રહ્યું છે ત્યારે મીનાક્ષીબહેન બાળવાર્તાઓનું પુસ્તક લઈને આવ્યાં છે તે આપણાં સહુ માટે આનંદ અને આવકારદાયક વાત છે. કાર્યક્રમમાં સંગ્રહની બાળવાર્તાઓનું પઠન પણ કરવામાં આવ્યું હતું. ફાલ્ગુનીબહેને 'ભગુ-જગુ' વાર્તાનું રસપ્રદ પઠન કરી વાર્તાને ભાવકોને અંત સુધી જકડી રાખ્યાં હતાં. તે ઉપરાંત વ્રિંદા વખારિયાએ 'માયાળુ મીની' નામની વાર્તાના મીનીનાં પાત્રને અદ્દલોઅદલ જીવંત કરી ભાવકોનાં મન મોહી લીધાં હતા. કીર્તિદા દોશીએ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુપેરે પાર પાડ્યું હતું. સંચાલન દરમિયાન એમણે મીનાક્ષીબહેનનાં જ એક સુંદર બાળકાવ્યનું પણ રસપાન કરાવ્યું હતું. ડૉ. કલ્પનાબહેન દવે સહ લેખિનીની સુજ્ઞ બહેનો અને મીનાક્ષીબહેનનાં પરિવારજનોની હાજરીમાં પુસ્તકનાં લોકાર્પણનો અવસર રંગેચંગે પાર પડ્યો. કાર્યક્રમને અંતે સૌ અલ્પાહાર લઈને સંતોષ અને આનંદના ઓડકાર સાથે છૂટાં પડ્યાં હતાં.
read more
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા 'ઝરૂખો'ના સહયોગથી આયોજિત 'શાસ્ત્રોનું સાહિત્ય' વેદ-ઉપનિષદ આધારિત વક્તવ્ય રસપ્રદ રહ્યાં
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના ' શાસ્ત્રોનું સાહિત્ય ' કાર્યક્રમમાં શ્રોતાઓથી હૉલ છલકાતો હતો. આ કાર્યક્રમમાં ડૉ.નિરંજનાબેન જોશીએ 'ઉપનિષદ ઓજસ ' એ વિષય પર વિદ્વતાપૂર્ણ વક્તવ્ય આપ્યું હતું. મહાભારત વિશે અનેક વક્તવ્ય આપનાર જિતેન્દ્રભાઈ દવેએ ' મહાભારત આજનાં સંદર્ભે' એ વિષય પર વાત કરી હતી. આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિત સંસ્કૃતના જ્ઞાતા છે અને ભારતીય વિદ્યા ભવનના સામાયિક 'સંવિદ્'નું સંપાદન પણ એમણે સંભાળ્યું છે. ' ઉપનિષદ અમૃતમ' એ વિષય પર એમણે વક્તવ્ય આપ્યું હતું. ડૉ. કલ્પનાબેન દવેએ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરી ,શ્લોક ગાઈ સભામાં ઉપનિષદનું વાતાવરણ ઊભું કર્યું. કલ્પનાબેને કહ્યું કે પૃથ્વી પર જ્યાં સુધી નદીઓ ઝરણાં વહે છે ત્યાં સુધી ઉપનિષદ રહેશે. કલ્પનાબેને પ્રથમ વક્તા નિરંજનાબેનનો ટૂંકમાં પરિચય આપતાં કહ્યું.નિરંજનાબેન વિદુષી તો છે જ,પ્રોફેસર પણ રહી ચૂક્યાં છે.અંગ્રેજી પુસ્તકોના ગુજરાતી અનુવાદ કર્યા છે. એક ગુજરાતી પુસ્તક 'આવર્તન'નો સંસ્કૃત ભાષામાં અનુવાદ કર્યો છે.ઈ.સ.2016 થી 2023 ના અરસા દરમ્યાન ઘણાં પુરસ્કારોથી સન્માનિત થયાં છે. નિરંજનાબેને પોતાના વક્તવ્યમાં કહ્યું કે ઉપનિષદ સંસારમાં અનર્થકારી તત્વ છે એને ગૌણ કરે છે ,શિથીલ કરે છે. ઉપનિષદ ઓજસ પાથરનાર તેમજ તેજસ્વી બનાવનારું શાસ્ત્ર છે. આહાર શુદ્ધ હશે તો અંતઃકરણ શુદ્ધ થશે. સ્મૃતિ જાગૃત થશે. ઘડપણનું દુઃખ ઘણું મોટું છે. ઉપનિષદમાં ગુરુ શિષ્યનો સંવાદ છે. ઉપનિષદ જીવ્યેશ છે.ઉપનિષદમાં ચરિત્રોનાં, જીવજંતુનાં ઉદાહરણ આવે છે. 'ઉપનિષદ ઓજસ' સંદર્ભે નિરંજનાબેનનું વક્તવ્ય રસપ્રદ રહ્યું. બીજા વક્તા જિતેન્દ્રભાઈ દવે મહાભારતના પ્રવચનકાર છે.ઘણાં પુસ્તકો મહાભારત વિશે લખ્યાં છે. એમણે જણાવ્યું કે મહાભારતમાં 99000 હજાર શ્લોક છે. તેમણે કહ્યું કે મહાભારત આપણને વેલ્યુ શીખવે છે. ભગવદગીતામાં શ્રી કૃષ્ણએ થિયરી કહી છે.ગીતા એ યુનિવર્સ છે,બ્રહ્માંડ છે. એ પુરવાર કરવા મહાભારત રચાયું છે.ડિપ્રેશન,નિષ્ફ્ળતા, નિરાશામાંથી બહાર આવવાનો રસ્તો ગીતા આપે છે. ત્રીજા વક્તા આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિતે 'ઉપનિષદ અમૃતમ' વિષયનું ટૂંકું પણ અસરકારક વક્તવ્ય આપ્યું.છેલ્લા બે દાયકાથી તેઓ સંસ્કૃતનો પ્રચાર કરી રહ્યા છે. એમના પણ અનેક પુસ્તકો આવ્યા છે. ઉપનિષદ, ભગવદ્દગીતા અને બ્રહ્મસુત્ર તેને પ્રસ્થાનત્રયી કહેવામાં આવે છે. એકાદ પરમ સત્ય તરફ પ્રયાણ, તપ એ આપણી સંસ્કૃતિ અને સનાતનનો મુખ્ય પ્રવાહ છે.બ્રહ્મ જયારે એકોહમ્ બહુ સ્યાત્ નો સંકલ્પ માત્ર કરે છે ત્યારે પ્રકૃતિ આ સંકલ્પ જાણી જાય છે અને સૃષ્ટિ નિર્માણ કરી નાંખે છે, જેમ આપણે પણ વિચાર માત્રથી અનેક ક્રિયાઓ ,અર્થો ,પદાર્થો વિજ્ઞાન પ્રત્યક્ષ કરીએ છીએ. જાગૃત મનમાં જગત છે, અર્ધ જાગૃત મન સ્વપ્ન,અને અધિમનસ મન શુદ્ધ સાત્વિક જ્ઞાન સ્વીકારે છે. આત્મા એટલે જીવ, પરમાત્મા એટલે બ્રહ્મ એમ ઔપનિષદિક વિચારધારા છે એવું આચાર્ય ઈશ્વરભાઈ પુરોહિતે જણાવ્યું હતું. ડૉ. કલ્પનાબેન દવેએ ઉત્કૃષ્ટ સંચાલન કર્યું. આ કાર્યક્રમનું સંકલન હિતેન આનંદપરા અને સંજય પંડ્યાએ કર્યું હતું. 'ઝરૂખો 'ના સક્રિય સભ્ય દેવાંગ શાહે સંકલનમાં સહાય કરી હતી અને ડૉ.કલ્પના દવેનો પરિચય આપ્યો હતો. પ્રો.અશ્વિન મહેતા, સમસ્ત બ્રાહ્મણ મહાસંઘના ટ્રસ્ટી કરુણાશંકર ઓઝા, તરુબહેન કજારિયા, સાઈલીલા વૅલફેર ટ્રસ્ટના ટ્રસ્ટી તથા અન્ય અનેક ભાવકોની હાજરી હતી. (અહેવાલ: સ્મિતા શુકલ)
read more
પ્રદીપ સંઘવીના સ્વમુખે તુંગારેશ્વરની સૌંદર્યગાથા સાંભળવાનો અમૂલ્ય અવસર, જાણી લો વિગતો
મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યક્રમમાં વિવિધતા જોવા મળતી હોય છે. મહારાષ્ટ્રના સહ્યાદ્રિમાં પ્રકૃતિ સૌંદર્ય ઠાંસી ઠાંસીને ભર્યું છે જેને જોવા અને માણવા દ્રષ્ટિ કેળવવી પડે, જંગલો ખૂંદવાની તૈયારી રાખવી પડે. ડૉ.પ્રદીપ સંઘવી કવિ અને નિબંધકાર તો છે જ, સાથે સાથે ઉત્તમ પ્રકૃતિપ્રેમી છે. અકાદમી દ્વારા કાંદીવલી એજ્યુકેશન સોસાયટીના સહયોગથી દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમ ' કલમ અને કેમેરા 'નું આયોજન થયું છે જેમાં પ્રદીપ સંઘવી તુંગારેશ્વરની સૃષ્ટિ તથા સૌંદર્યની વાત તો કરશે જ અને એની સાથે એ સ્થળની જૂની વાતોનો તથા એક સત્ય ઘટનાનો પણ પરિચય કરાવશે. સંજય પંડ્યા ભૂમિકા બાંધી વક્તાનો પરિચય આપશે. હિતેન આનંદપરાની પરિકલ્પનાવાળો આ કાર્યક્રમ ૨૯ સપ્ટેમ્બર રવિવાર સાંજે ૫.૩૦ વાગ્યે કેઈએસ ઈન્ટરનેશનલ સ્કૂલના હૉલમાં ,એશિયન બેકરીની સામેની ગલીમાં ,ઈરાની વાડી, કાંદીવલી પશ્ચિમના સરનામે યોજાયો છે. આ જાહેર કાર્યક્રમમાં સહુ કોઈ હાજરી આપી શકે છે.
read more
કલાગુર્જરી દ્વારા આ વર્ષે પણ 'ગિરા ગુર્જરી પારિતોષિક સ્પર્ધા ૨૦૨૪'નું આયોજન, જાણી લો નિયમો
કલાગુર્જરી (સ્થાપક સંસ્થા)ના ઉપક્રમે શ્રી દ્વિરેકભાઈ રાજ દ્વારા પુરસ્કૃત સ્વ. વિરેનભાઈ કલ્યાણજીભાઈ રાજ પોપટની સ્મૃતિમાં “ગિરા ગુર્જરી પારિતોષિક સ્પર્ધા ૨૦૨૪” નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ માં પ્રકાશિત પુસ્તકો મોકલવાનાં રહેશે. ગુજરાતી સાહિત્યમાં પદાર્પણ કરતા સર્જકોને પ્રોત્સાહન મળે તે હેતુથી તેમણે નવલકથા, નવલિકા, નિબંધ, કાવ્ય, નાટક અને આત્મકથા / જીવન ચરિત્ર વિભાગ માટે મૌલિક પુસ્તકો મોકલવાનાં રહેશે. આ છ વિભાગમાં પ્રથમ પુરસ્કૃત કૃતિના સર્જકને રૂા. ૫,૦૦૦/- (પાંચ હજાર), દ્વિતીય પુરસ્કૃત કૃતિના સર્જકને રૂા. ૩,૦૦૦/- (ત્રણ હજાર) અને તૃતીય પુરસ્કૃત કૃતિના સર્જકને રૂ. ૨,૦૦૦/- (બે હજાર) ના રોકડ ઈનામો આપવામાં આવશે. ગુરુવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધીમાં કૃતિ કાર્યાલયને મોકલવા વિનંતી છે. આ સ્પર્ધા માટેના પ્રવેશ પત્રો રૂબરૂ અથવા ટપાલ અથવા વૉટસએપ નંબર - 95942 61960 દ્વારા અગાઉથી સંસ્થાના કાર્યાલય કલાગુર્જરી (સ્થાપક સંસ્થા), શ્રી દશરથલાલ જોષી પુસ્તકાલય બિલ્ડિંગ, ડી. જે. રોડ, (સ્ટેશન રોડ), વિલે પાર્લે (પશ્ચિમ), મુંબઈ - ૪૦૦ ૦૫૬ પરથી મેળવી શકાશે. પ્રવેશ પત્ર ભરવાની છેલ્લી તા. ગુરૂવાર, તા. ૩૧-૧૦-૨૦૨૪ રહેશે. નિયમો - વર્ષ ૨૦૨૨ અને ૨૦૨૩ માં જે લેખકનું પ્રથમ મૌલિક પુસ્તક પ્રગટ થયું હોય તેની બે પ્રત મોકલવાની રહેશે. આ પ્રત કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહિ. સ્પર્ધા માટે પુસ્તકની PDF સ્વીકાર્ય નથી. આ સ્પર્ધામાં ભાગ લેનાર લેખકનું આનુષાંગિક વિભાગનું પુસ્તક વર્ષ ૨૦૨૨/૨૦૨૩ પૂર્વે પ્રકાશિત ના થવું હોવું જોઈએ. આ સ્પર્ધા માટે નવલકથા, નવલિકા, નિબંધ, કાવ્ય, નાટક અને આત્મકથા / જીવનચરિત્ર મૌલિક સાહિત્ય કૃતિઓ સ્વીકારવામાં આવશે. લેખક પ્રત્યેક વિભાગ માટે સ્વલિખિત કૃતિ મોકલાવી શકે છે. ઉપરોક્ત છ વિભાગમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય પારિતોષિક આપવામાં આવશે. પ્રથમ પારિતોષિક વિજેતાને રૂ।. ૫,૦૦૦/- (પાંચ હજાર) નું, દ્વિતીય પારિતોષિક વિજેતાને રૂા. ૩,૦૦૦/- (ત્રણ હજાર) અને તૃતીય પારિતોષિક વિજેતાને રૂા. ૨,૦૦૦/- (બે હજાર) રોકડ ઈનામો આપવામાં આવશે. નિર્ણાયકોની દ્રષ્ટિએ પ્રથમ, દ્વિતીય અથવા તૃતીય પારિતોષિકને લાયક કોઈપણ પુસ્તક નહીં હોય તો તે પુરસ્કાર આપવામાં આવશે નહિ. પ્રત્યેક વિભાગ માટે નિર્ણાયકની નિયુક્તિ કરવામાં આવશે અને નિર્ણાયકોનો નિર્ણય અંતિમ ગણાશે. સ્પર્ધા માટે મોકલાવેલી કૃતિની બે પ્રત સંસ્થા કાર્યાલય : કલા ગુર્જરી (સ્થાપક સંસ્થા), શ્રી દશરથલાલ જોષી પુસ્તકાલય, ડી. જે. રોડ, (સ્ટેશન રોડ), વિલે પાર્લે (પશ્ચિમ), મુંબઈ ૪૦૦ ૦૫૬ ઉપર રજીસ્ટર્ડ પોસ્ટ અથવા કૂરીયર દ્વારા તા. ૩૧-૧૦-૨૦૨૪ સુધીમાં મોકલવાની રહેશે.
read more
ADVERTISEMENT