Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > વિચાર, વ્યવહાર અને ઉચ્ચાર : સત્યના આ છે ૩ સાચા સાગરીત

વિચાર, વ્યવહાર અને ઉચ્ચાર : સત્યના આ છે ૩ સાચા સાગરીત

Published : 21 May, 2026 01:03 PM | IST | Mumbai
Morari Bapu

વ્યવહાર સત્ય થાય ત્યાર બાદ એનું ઉચ્ચારણ સત્ય માની શકાય. વ્યવહાર સત્ય કર્યા પછી તે જે બોલશે એને જ સત્ય માનવામાં આવશે

મોરારીબાપુ

સત્સંગ

મોરારીબાપુ


સત્ય માટે જેનું ધ્યાન રાખવાનું છે એમાં વિચાર સૌથી પહેલાં આવે છે. હા, વિચારોને પણ સત્ય સાથે સીધો સંબંધ છે.

ક્યારેક આપણે બોલતા હોઈએ સાચું, પણ આપણે સાચું વિચારતા નથી હોતા. જે રીતે ધર્મરાજ યુધિષ્ઠિર. કુરુક્ષેત્રના યુદ્ધનો એ પ્રસંગ યાદ કરો. તેમનું બોલવું તો સત્ય હતું, પરંતુ તેમના વિચાર અયોગ્ય હતા. તેમના મનમાં હતું કે આ બનાવ બને તો આપણે સૌ બચી જઈએ. તેમણે વિચાર્યું કે ‘મરાયો તે અશ્વત્થામા હતો’ એવું કહેવાથી દ્રોણાચાર્ય પોતાનાં અસ્ત્ર-શસ્ત્ર છોડી દેશે અને પરિણામ પાંડવોના પક્ષે, પાંડવોની તરફેણમાં આવી જશે. એટલા માટે ધર્મરાજના સત્યને પણ પૂર્ણ સત્ય માનવામાં નથી આવ્યું. સાચો વિચાર. આપણા મનમાં શું ચાલે છે, આપણા વિચારો શું છે એ બીજું કોઈ નથી જાણતું એટલે જ એ આપણી અંદરની વાત છે અને આપણી અંદરનો વિચાર સાચો હોય એ જરૂરી છે. જો જિહવા પર સત્ય હશે પણ અંદરની વાત, વિચાર અયોગ્ય હશે તો સત્ય જોખમાશે.



વિચારોની જેમ જ સત્ય માટે હજી કંઈ મહત્ત્વનું હોય તો એ છે વ્યવહાર. સત્ય માટે વ્યવહારનું પણ ધ્યાન રાખવું આવશ્યક છે. સત્ય વ્યવહાર. બીજાની સાથેનો, અન્ય સાથેનો આપણો વ્યવહાર સાચો હોવો જોઈએ. એ વ્યવહારમાં છળ, કપટ, ભેદભાવ ન હોવાં જોઈએ. આપણો વ્યવહાર સત્ય હોવો જોઈએ. આહાર, આચાર, વિચાર સાચા હોય તો વ્યવહાર પણ આપોઆપ સત્ય થઈ જાય છે. વ્યવહાર સાથે જ જોડાયેલો હોય અને સત્ય સાથે સીધો આધાર ધરાવતો હોય એવો મુદ્દો છે ઉચ્ચાર.


વ્યવહાર સત્ય થાય ત્યાર બાદ એનું ઉચ્ચારણ સત્ય માની શકાય. વ્યવહાર સત્ય કર્યા પછી તે જે બોલશે એને જ સત્ય માનવામાં આવશે. આપણી વાણી દ્વારા સત્યનું જ ઉચ્ચારણ થવું જોઈએ, સાચું જ બોલવું જોઈએ. એટલા માટે તો કહેવામાં આવ્યું છે...

‘સત્યમ્ વદ.’
સાચું બોલો. સત્યનો મર્મ બહુ સરળ છે પણ એને સમજવાનો પ્રયાસ કરવો પડે. સત્ય સત્ય છે. સૂરજને નમસ્કાર કરો તો પણ ઠીક છે અને ન કરો તો પણ ઠીક છે. સૂર્ય સૂર્ય જ છે અને સૂર્ય જ રહેવાનો છે. નમસ્કારથી એના પ્રકાશમાં ફરક નથી પડી જતો અને નમસ્કાર ન કરવામાં આવે તો એની રોશની મંદ નથી પડી જતી. સત્યના મર્મને સમજવા માટે કેટલીક નાની-નાની બાબતો સમજવી જોઈએ; પણ એ સમજવા માટે વિચાર, વ્યવહાર અને એ પછી ઉચ્ચાર સૌથી અગત્યના બને છે. જો આ ત્રણનો તાલમેલ અકબંધ રહ્યો તો માની લો કે સત્ય તમારી સાથે છે અને તમે સત્ય સાથે છો.


- મોરારીબાપુ

પ્રખર રામાયણકાર મોરારીબાપુએ વિશ્વભરમાં ૯૦૦થી વધુ રામકથાનું ગાન કર્યું છે

Whatsapp-channel Whatsapp-channel

21 May, 2026 01:03 PM IST | Mumbai | Morari Bapu

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK