બાંદરા-ઈસ્ટમાં રેલવેની જમીન પર ગેરકાયદે ઊભી કરાયેલી મસ્જિદ તોડતી વખતે સ્થાનિક લોકોના વિરોધ વખતે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો
ગરીબનગરની ગેરકાયદે હરી મસ્જિદને પણ ગઈ કાલે તોડી પાડવામાં આવી હતી. તસવીરો : સૈયદ સમીર અબેદી
બ્રિજ પરથી અને રોડની બીજી બાજુ આવેલા બહેરામપાડાનાં મકાનોની છત પરથી પણ તોફાનીઓએ પોલીસ પર જબરદસ્ત પથ્થરમારો કર્યો, પોલીસે સ્વબચાવમાં લાઠીચાર્જ કર્યો : મસ્જિદ ન તોડવા માટેના આંદોલનમાં મહિલાઓ પણ જોડાઈ : કાચની બાટલીઓ અને અન્ય વસ્તુઓ ફેંકીને પોલીસની કાર્યવાહી રોકવાની કોશિશ કરવામાં આવી
બૉમ્બે હાઈ કોર્ટે પશ્ચિમ રેલવેને બાંદરા-ઈસ્ટના ગરીબનગરનાં ગેરકાયદે બાંધકામો દૂર કરવાની મંજૂરી આપ્યાના આદેશને અનુસરી મંગળવારે પહેલા દિવસે ૫૦૦ ગેરકાયદે ઝૂંપડાંઓમાંથી ૧૮ ટકા ઝૂંપડાં સાફ કરવામાં આવ્યાં હતાં. ગઈ કાલે ફરી અતિક્રમણવિરોધી ઝુંબેશ શરૂ થઈ હતી. આ કાર્યવાહી દરમ્યાન બે મસ્જિદનું બાંધકામ તોડી પાડવા JCB આગળ આવ્યાં ત્યારે તનાવ ફેલાયો હતો. સ્થાનિક લોકોએ એ મસ્જિદ તોડવામાં ન આવે એ માટે જોરદાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. એક મસ્જિદ કાચા સ્ટ્રક્ચરમાં બનેલી હતી જે મિડલ બ્રિજ અને ચર્ચગેટ સાઇડના લાસ્ટ બ્રિજ વચ્ચે ઊભી કરી દેવામાં આવી હતી. વળી એના પર મોબાઇલ કંપનીના ટાવર પણ લગાવવામાં આવ્યા હતા. જોકે બીજી મસ્જિદ પાકા પાયે ચણવામાં આવી હતી અને એના બે માળ સાથે મિનારા પણ બનાવવામાં આવ્યા હતા. એ મસ્જિદ મિડલ બ્રિજ અને ખાર સાઇડના પહેલા બ્રિજની વચ્ચે હતી. એ હરી મસ્જિદ તરીકે ઓળખાતી હતી. એમાં દિવસના પાંચ વખત રેગ્યુલર નમાજ પઢવામાં આવતી હતી. આ મસ્જિદનું બાંધકામ તોડી પાડવા દરમ્યાન રહેવાસીઓએ ભારે આક્રોશ અને વિરોધ વ્યક્ત કર્યો હતો. આંદોલન દરમ્યાન મુંબઈ પોલીસના કર્મચારીઓ પર પાણી અને ડોલ ફેંકાયાં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો એટલું જ નહીં, કાચની બૉટલો અને પથ્થર પણ ફેંકવામાં આવ્યાં હોવાનું કહેવાય છે. અંધાધૂંધી બાદ મુંબઈ પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો.
ADVERTISEMENT
ડિમોલિશનના પહેલા દિવસે થયેલો વિરોધ જોઈને ગઈ કાલે પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો હતો. રાયટ કન્ટ્રોલ પોલીસની ટુકડી પણ બોલાવવામાં આવી હતી. કુલ ૧૨૦૦ જણનો સ્ટાફ બંદોબસ્તમાં લગાડવામાં આવ્યો હતો.
ફૉરેનરે વિડિયો સર્ક્યુલેટ કર્યો અને કાર્યવાહી થઈ?
એક વિદેશી બ્લૉગરે થોડા દિવસ પહેલાં બાંદરા રેલવેલાઇનની આસપાસના વિસ્તાર પર કઈ રીતે ઝૂંપડાવાસીઓએ અતિક્રમણ કર્યું છે એનો વિડિયો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો જેને લઈને સોશ્યલ મીડિયામાં જોરદાર હોબાળો મચી ગયો હતો. કેટલીક ન્યુઝ-ચૅનલોએ પણ એ સમાચાર વારંવાર બ્રૉડકાસ્ટ કર્યા હતા. આખરે કોર્ટનો આદેશ તો હતો જ એટલે રેલવેએ એના પર ઝડપી ઍક્શન લઈને અતિક્રમણવિરોધી કાર્યવાહી હાથ ધરી હોવાનું કહેવાઈ રહ્યું છે.
પથ્થર ફેંકનારા સગીરોને પણ પકડ્યા
કેટલાક યુવાનો બ્રિજ પરથી પથ્થરમારો કરી રહ્યા હતા. કેટલાક લોકો જેમાં સગીર વયના છોકરાઓનો પણ સમાવેશ થતો હતો તેમણે પણ પોલીસ પર પથ્થર વરસાવ્યા હતા. એથી પોલીસે તેમને તાબામાં લીધા હતા. મુંબઈ પોલીસે તેમને વિખેરવા માટે યોગ્ય બળનો ઉપયોગ કર્યો હતો અને તોડફોડ કરનારાઓ સામે FIR દાખલ કરવામાં આવી રહ્યો છે.
પથ્થરમારામાં ૧૧ પોલીસ ઘાયલ, ૧૫ તોફાનીઓ ઝડપાયા
બાંદરા-ઈસ્ટમાં રેલવેની જમીન પર ગેરકાયદે ઊભી કરાયેલી મસ્જિદ તોડતી વખતે સ્થાનિક લોકોના વિરોધ વખતે પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં ૧૦ પોલીસ-કર્મચારીઓ ઘાયલ થયા હતા. જોકે ત્યાર બાદ પોલીસે પાછળથી એ માટે લગભગ ૧૫ લોકોને તાબામાં લીધા હતા. પોલીસે બેકાબૂ ટોળાને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો, જેમાં કેટલાક સ્થાનિક રહેવાસીઓ પણ ઘાયલ થયા હતા.
બીજા દિવસના અંતે ૬૦ ટકા ડિમોલિશન થઈ ગયું : રોડ તરફ આવેલાં ૩૦૦ ઘર તોડી પડાયાં
ડિમોલિશનનો વિરોધ કરી રહેલા લોકોની પોલીસ સાથે ઝપાઝપી પણ થઈ હતી અને પોલીસે લાઠીચાર્જ પણ કર્યો હોવા છતાં ૬૦ ટકા જેટલું ડિમોલિશન ગઈ કાલે પતાવી દેવામાં આવ્યું હતું. રોડ તરફ આવેલાં ૩૦૦ ઘર તોડી પાડવામાં આવ્યાં હતાં.
મહિલાઓની ઓથ લઈને તોફાનીઓ ત્રાટક્યા
આ આંદોલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી. જોકે મહિલા પોલીસ કર્મચારીઓએ તેમને એક બાજુ કૉર્ડન કરીને રાખી હતી. એમ છતાં તે મહિલાઓની પાછળથી તેમની ઓથ લઈને પોલીસ પર પથ્થરમારો થઈ રહ્યો હતો. પોલીસે ત્યાર બાદ ઍક્શન મોડમાં આવીને તેમના પર હળવો લાઠીચાર્જ કર્યો હતો.
ટેરેસ પરથી પથ્થર ફેંકનારાઓને પકડ્યા
રેલવે-સ્ટેશનની સામે રોડની બીજી બાજુ આવેલા બહેરામપાડાનાં મકાનોની છત પરથી તોફાનીઓ પોલીસ પર પથ્થર અને કાચની બાટલીઓ ફેંકી રહ્યા હોવાનું ટીવી-ચૅનલોના કૅમેરામાં પણ ઝિલાઈ ગયું હતું. આ પથ્થરમારામાં કેટલાક પોલીસ-કર્મચારીઓ જખમી પણ થયા હતા. પોલીસે ત્યાર બાદ નાની ગલીઓમાં ઘૂસી એ મકાનોમાં જઈને તોફાનીઓને ઝડપ્યા હતા.
મોહમ્મદ અલી રોડનાં ગેરકાયદે બાંધકામો પર ફર્યું બુલડોઝર- ડિમોલિશનની કાર્યવાહીને કારણે ટ્રાફિક ખોરવાયો
બાંદરામાં રેલવેની જમીન પર થયેલા અતિક્રમણ પર કાર્યવાહીના બીજા દિવસે પથ્થરમારા અને લાઠીચાર્જની ઘટના બની હતી ત્યારે બીજી તરફ BMCએ શહેરના અન્ય વિસ્તારોમાં પણ અતિક્રમણો અને ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી આરંભી હતી. મોહમ્મદ અલી રોડ પર આવેલાં અતિક્રમણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. અતિક્રમણ હટાવતી વખતે કોઈ અનિચ્છનીય ઘટના ન બને એ માટે પૂરતો પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. BMCની કાર્યવાહીને પગલે આ વિસ્તારમાં ટ્રાફિક જૅમ થયો હતો. જોકે મોહમ્મદ અલી રોડ પર આવેલાં કયાં-કયાં ગેરકાયદે બાંધકામો હટાવવામાં આવ્યાં એની વિગતવાર માહિતી BMCએ પૂરી પાડી નહોતી.
