ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે `વન્ડર વુમન`ની ખાસ રજૂઆત. આમ તો સમાજની દરેક મહિલા પોતાના `સ્ત્રીત્વ`ના બળે જીવનમાં ઊંચાઈને પામે છે. વળી, આપણી આસપાસ પણ એવી અનેક મહિલાઓ છે, જેમના સમર્પણ, જુસ્સા અને અડગ નિશ્ચયે તેમને નવા મુકામ આપ્યા છે! એક સ્ત્રી ધારે તો શું ન કરી શકે? નિર્દોષ, નિષ્કામ ને નિરાભિમાની નજર વડે જોશો તો પુરુષ સમોવડી થયેલી અનેક સ્ત્રીઓના પ્રેરણાદાયી ઉદાહરણો તમને સાંપડશે. મોટી ઉંમરના ઉંબરાને પણ સહજતાથી ઠેંકીને સ્ત્રી પોતાના શોખને જીવંત કરતી હોય છે. અહીં અમે એવી જ પ્રેરક મહિલાઓની વાત માંડીશું જેઓએ ધીરજ અને આત્મવિશ્વાસની આંગળી પકડીને જીવનમાં નવેસરથી ડગ ભર્યાં છે. ન માત્ર પોતાના કે પોતાના પરિવાર માટે કિન્તુ સમાજના બળબળતાં પ્રશ્નો સામે ઝઝૂમવા માટે મીટ માંડી છે. બેચલરની ડિગ્રી હોય, બિઝનેસ હોય કે પછી હોય બોક્સિંગ! આ પ્રેરણાદાયી મહિલા તો સમાજની સૌ સ્ત્રી માટે અજવાળું બની છે. ભારત તેના સાંસ્કૃતિક વારસા અને ઇતિહાસ માટે જાણીતો છે. નૃત્યની કલા હોય કે પછી શાસ્ત્રીય ગાયન દરેકની પરંપરાઓ અનેક સદીઓથી ચાલતી આવી રહી છે, જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરાઓ અને કલામાં વ્યવસાયીકરણ આવ્યું છે, ક્યારેક લાગે કે કલા ભૂંસાઈ રહી છે અથવા તો તેમાં માત્ર પ્રયોગાત્મક કામ થાય છે. જો કે સદનસીબે સાવ એવું નથી. ભારતમાં સાત શાસ્ત્રીય નૃત્ય છે અને તેમાં ‘ભરતનાટ્યમ’સૌથી જુનું ગણાય. દેવદાસીની પ્રથામાંથી મંચ સુધી પહોંચેલા આ નૃત્યની સફર કમાલની છે. આમ તો દેશમાં ભરતનાટ્યમના ઘણાં એક્સપોનન્ટ્સ છે, દરેકની આગવી જર્ની પણ છે પણ આજે આપણે વાત કરીશું ડૉ. પારુલ શાહની, જેમણે ભરતનાટ્યમમાં પીએચડી કર્યું, તેનું શિક્ષણ આપ્યું અને આજે રિટાયરમેન્ટને એક દાયકા કરતાં વધુ સમય થયો હોવા છતાં કલા સેવાને અટકાવી નથી. તેમના જીવનમાં કેન્સર જેવો મોટો અવરોધ આવ્યો અને જિંદગીનો તાલ બેતાલો થયો છતાં પણ તેમની હિંમત અને નિશ્ચય શક્તિ લેખે લાગી. તે એક એવાં વન્ડર વુમન છે જેઓ સતત ‘ભરતનાટ્યમ’સાથે વધુમાં વધુ લોકો સાથે જોડવાનો કાર્યશીલ છે. ગુજરાતના એક અપર મિડલક્લાસ ફૅમિલીમાં જન્મેલા ડૉ. પ્રો. પારુલ શાહ જેઓ 75 ની વયે પણ ફિટ રહેવાની સાથે ભરતનાટ્યમના પ્રશિક્ષણ કલાને આગળ વધારી રહ્યાં છે.
13 March, 2025 06:59 IST | Mumbai | Viren Chhaya