પોલીસ પાસે વૅનમાં નાખવા ડીઝલ નથી એવા જયંત પાટીલે કરેલા આક્ષેપોને મુખ્ય પ્રધાને ફગાવી દીધા
દેવેન્દ્ર ફડણવીસ
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે બુધવારે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલની અછત અંગેની ચિંતાઓને ફગાવી દીધી હતી અને લોકોને પૅનિક થઈને પેટ્રોલ અને ડીઝલની ખરીદી ન કરવાની અપીલ કરી હતી. નાગપુરમાં પોલીસનાં વાહનો માટે બળતણની અછત હોવાના નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP)ના નેતા જયંત પાટીલના દાવા અંગે પૂછવામાં આવતાં દેવેન્દ્ર ફડણવીસે ભારપૂર્વક જણાવ્યું હતું કે રાજ્યમાં પેટ્રોલ કે ડીઝલની કોઈ અછત નથી. જોકે તેમણે કહ્યું હતું કે ગ્રાહકો ફ્યુઅલનો બિનજરૂરી સ્ટૉક કરતા હોવાથી પૂરતી સપ્લાય હોવા છતાં ટેમ્પરરી અછત સર્જાય છે.
દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘જો બધા લોકો એક જ સમયે બૅન્કમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કરે તો બૅન્ક પાસે તાત્કાલિક એટલી લિક્વિડિટી નહીં હોય કારણ કે સિસ્ટમો સામાન્ય દૈનિક જરૂરિયાતો અનુસાર ડિઝાઇન કરવામાં આવી છે. ફ્યુઅલ સપ્લાયની ચેઇન પર પણ આ જ વાત લાગુ પડે છે. જ્યારે પણ ગભરાટ સર્જાય છે અને લોકો જરૂરિયાત કરતાં વધુ પેટ્રોલ અને ડીઝલ ખરીદવાનું શરૂ કરે છે અને એનો સંગ્રહ કરવાનું શરૂ કરે છે ત્યારે સપ્લાય-ચેઇન ખોરવાઈ જાય છે અને કામચલાઉ અછત પેદા થાય છે.’
ADVERTISEMENT
સવાલનો જવાબ
NCP (SP)ના સિનિયર નેતા જયંત પાટીલે સોશ્યલ મીડિયા પર એક પોસ્ટમાં પેટ્રોલ અને ડીઝલની કથિત અછત સાથે જોડાયેલી શ્રેણીબદ્ધ ઘટનાઓનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે રાજ્યના કેટલાક ભાગોમાં ઈંધણની અછતના અહેવાલો પર સરકાર પર નિશાન સાધ્યું હતું અને પૂછ્યું હતું કે શું ડબલ એન્જિન સરકારના એન્જિનમાં તેલ પણ ખતમ થઈ ગયું છે? મુખ્ય પ્રધાને જયંત પાટીલના ફ્યુઅલની અછતના દાવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે ‘જયંત પાટીલે નાગપુર અંગે ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પોલીસ ડીઝલ ન હોવાથી ગુનાની તપાસ કરી શકતી નથી અને ડબલ એન્જિન સરકાર પાસે ઈંધણ ખતમ થઈ ગયું છે. પોલીસ માટે પેટ્રોલ કે ડીઝલ અંગે ક્યાંય આવો કોઈ મુદ્દો નથી. આવી માહિતી આપનાર વ્યક્તિ સામે પહેલેથી જ કાર્યવાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં જરૂરી માત્રામાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ઉપલબ્ધ છે.’
