યુવાનના આ પ્રયોગથી રણપ્રદેશ વધતો તો અટકશે, સાથે સ્થાનિક સ્તરે રોજગાર, આવક અને વિકાસની તકો પણ ઊભી થઈ છે.
રણના કિનારે એક નવો ચમત્કાર જોવા મળ્યો છે.
જ્યાં અતિશય શુષ્ક વાતાવરણને કારણે ઘાસનું એક તણખલું પણ નથી ઊગતું એવા ઉત્તર-પશ્ચિમ ચીનના શિનજિઆંગ પ્રાંતમાં આવેલા ટકાલામાકન રણના કિનારે એક નવો ચમત્કાર જોવા મળ્યો છે. એલિજિયાન નામના એક ઉત્સાહી જેન-ઝી ખેડૂતે પોતાની કોઠાસૂઝથી અંદાજે ૫૦ વીઘા જમીન પર ગુલાબની સફળ ખેતી કરીને ઉજ્જડ રણને મનમોહક બગીચામાં ફેરવી દીધું છે.
આ વિસ્તારની કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓને જોતાં આ કામ અત્યંત મુશ્કેલ હતું; પરંતુ સરકાર તરફથી મળેલી સબસિડી, પાણી અને વીજળીની અવિરત સુવિધાને કારણે એલિજિયાન આ સાહસમાં સફળ રહ્યો છે. પ્રથમ વર્ષમાં જ ગુલાબના ૯૬ ટકા છોડ સર્વાઇવ થયા છે, જે રણપ્રદેશની દૃષ્ટિએ એક રેકૉર્ડ સમાન છે.
પવન સાથે ઊડતી રેતીને રોકીને એને ફૂલોની ક્યારીઓમાં બદલનારા એલિજિયાનનું કહેવું છે કે આ રણ અગાઉ માત્ર રેતી જ પેદા કરતું હતું, પરંતુ હવે એ સુગંધિત ફૂલોનું ઉત્પાદન કરી રહ્યું છે.
યુવાનના આ પ્રયોગથી રણપ્રદેશ વધતો તો અટકશે, સાથે સ્થાનિક સ્તરે રોજગાર, આવક અને વિકાસની તકો પણ ઊભી થઈ છે.
