દરિયાનું પ્રદૂષણ ઓછું કરવાના અને દરિયાની ઇકોસિસ્ટમને બચાવવાના સંદેશ સાથે અલીબાગથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી મધરાતથી સવાર સુધી સ્વિમિંગ કર્યું: પડકારોથી ભરપૂર આ રૂટ પર અકસ્માતથી માંડ બચી હેઝલ
નગરડાયરી
દરિયામાં સ્વિમિંગ માટે જતાં પહેલાં મમ્મી પૂનમબહેન અને પપ્પા મિતેશ રાયકુંડલિયા સાથે હેઝલ.
કે. જે. સોમૈયા મેડિકલ કૉલેજમાં MBBSના બીજા વર્ષમાં ભણી રહેલી નૅશનલ લેવલની સ્વિમર હેઝલ રાયકુંડલિયાએ બીજી વાર દરિયામાં પ્રદૂષણ ન ફેલાવવાના સંદેશ સાથે ૩૬ કિલોમીટર સ્વિમિંગ કરીને નવો ઇતિહાસ સરજ્યો છે. પહેલાં તેણે બાંદરા-વરલી સી-લિન્કથી ગેટવે ઑફ ઇન્ડિયાના રૂટમાં સ્વિમ કર્યું હતું. આ વખતે ૧૬ ડિસેમ્બરે અલીબાગની ધરમતર જેટીથી ગેટવે ઑફ ઇન્ડિયા સુધી સ્વિમ કર્યું હતું. ૩૬ કિલોમીટરનું અંતર કાપવામાં હેઝલને નવ કલાક બાવન મિનિટનો સમય લાગ્યો હતો. હેઝલે ધરમતરથી મધરાતે ૧૨.૪૩ વાગ્યે સ્વિમિંગ શરૂ કર્યું હતું અને તે સવારે ૧૦.૩૫ વાગ્યે ગેટવે ઑફ ઇન્ડિયા પહોંચી હતી.