ગાયના છાણનું ડેકોરેશન બન્યું આકર્ષણનું કેન્દ્ર, લગ્નવિધિમાં વચ્ચેથી કોઈ ઊભું ન થયું, બુફેના જમાનામાં પંગતમાં બેસીને સૌ જમ્યા
કચ્છમાં નાની નાગલપર ગામે ગઈ કાલે થયેલા ગૌઆધારિત લગ્નપ્રસંગમાં સાજનમાજન અભિભૂત થયા હતા. મેઘજી હીરાણીની દીકરી દીપિકાનાં લગ્ન રાજેશ સાથે વિધિવિધાન સાથે રંગેચંગે સંપન્ન થયાં હતાં. ગાયને કેન્દ્રસ્થાને રાખીને યોજાયેલાં લગ્નમાં વિધિ, રાધાકૃષ્ણ મંદિર અને ગૌમંદિર, સાત્ત્વિક રસોઈ ઉપરાંત ગાયના છાણમાંથી કરાયેલું ડેકોરેશન આકર્ષણનું કેન્દ્ર બન્યાં હતાં. હીરાણી પરિવારના સ્નેહીજન રામજી વેલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગાયને લઈને આ પ્રકારે લગ્નપ્રસંગ યોજવો એ સહેલી બાબત નથી. વિચાર કરવો અલગ બાબત છે અને એ વિચારને ચરિતાર્થ કરવો એ અલગ વાત છે, પરંતુ મેઘજીભાઈ અને તેમના પરિવારે સરાહનીય અને ઉદાહરણીય કાર્ય કરી બતાવીને ગાયની મહત્તાને ઉજાગર કરી છે. અમારા માટે પણ ગૌરવની વાત થઈ કે અમે ગૌઆધારિત લગ્નપ્રસંગમાં હાજર રહ્યા. આ પ્રકારે હવે લગ્નો થતાં ક્યાં જોવા મળે છે? અહીં તો જ્યાં પણ નજર કરો ત્યાં ગાયનો મહિમા જોવા મળ્યો. ગાયના છાણથી મંડપની સજાવટ જોઈને અને લગ્નપ્રસંગમાં ઉપસ્થિત રહીને સૌને અદ્ભુત નઝારો જોવા મળ્યો અને એનાથી સૌ ખુશ થયા.’
લગ્નની હાઇલાઇટ્સગાય માતાનું મહત્ત્વ સમજાવતાં આ લગ્નમાં વિધિ દરમ્યાન કોઈ ઊભું થયું નહોતું. કન્યા દીપિકા ગાયપૂજન કરીને ચોરીમાં આવી હતી. કન્યા ચોરીમાં આવી ત્યારે શંખનાદ થયો હતો, જાનનું સ્વાગત પણ શંખનાદથી થયું હતું. બુફેના જમાનામાં અહીં પંગત પાડીને સૌને ગાય આધારિત ખેતીથી પકવેલાં અનાજ-શાકભાજીનું સાત્ત્વિક ભોજન પીરસાયું હતું. વરરાજા લગ્નસ્થળ સુધી બળદગાડામાં બેસીને આવ્યા હતા. દીકરી અને જમાઈને ફૂલોના હારની સાથે છાણમાંથી બનેલી માળા પહેરાવી હતી. ગાય અને વાછરડી સાથે ૧૦૮ વૃક્ષોના છોડ તેમ જ પુસ્તકો પણ કન્યાદાનમાં અપાયાં હતાં. લગ્નમાં આવેલા મહેમાનોનાં બૂટ-ચંપલ મૂકવા માટે મંડપ બહાર અલગ સ્ટૅન્ડ બનાવ્યું હતું.
25 January, 2025 06:02 IST | Kutch | Gujarati Mid-day Correspondent