Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > ભગવદ્ગીતાના શ્ળોકોને ગ્રૅમી અવૉર્ડ સુધી પહોંચાડ્યા કચ્છના ૩ ડૉક્ટરોએ

ભગવદ્ગીતાના શ્ળોકોને ગ્રૅમી અવૉર્ડ સુધી પહોંચાડ્યા કચ્છના ૩ ડૉક્ટરોએ

Published : 28 October, 2026 03:22 PM | IST | Kutch
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

કચ્છના ડૉ. કૃપેશ ઠક્કર, તેમનાં પત્ની ડૉ. પૂજા અને પપ્પા ડૉ. શશિકાંતની ફિલ્મ નાનકડાં પગલાં ભરે હરણફાણના સંગીતને અલગ-અલગ કૅટેગરીમાં ૧૩ એન્ટ્રી મળી છે

ડૉ. શશિકાંત ઠક્કર , ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા ઠક્કર

ડૉ. શશિકાંત ઠક્કર , ડૉ. કૃપેશ અને ડૉ. પૂજા ઠક્કર


મેડિકલ સાયન્સ અને મ્યુઝિક-થેરપીના અનોખા સમન્વયથી સનાતન ધર્મને વૈશ્વિક મંચ સુધી પહોંચાડનારા કચ્છના ડૉ. કૃપેશ ઠક્કર, તેમનાં પત્ની ડૉ. પૂજા અને પપ્પા ડૉ. શશિકાંતની ફિલ્મ નાનકડાં પગલાં ભરે હરણફાણના સંગીતને અલગ-અલગ કૅટેગરીમાં ૧૩ એન્ટ્રી મળી છે

મેડિકલ સાયન્સ અને આધ્યાત્મિક મ્યુઝિક-થેરપીના સમન્વયથી કચ્છના ૩ ડૉક્ટરોએ એવો કરિશ્મા કરી બતાવ્યો છે કે ભારતીય સંસ્કૃતિનો પ્રાણ ગણાતા ભગવદ્ગીતાના શ્ળોકો આજે પશ્ચિમી દેશોમાં ગુંજી રહ્યા છે. ડૉ. કૃપેશ ઠક્કર, તેમનાં પત્ની ડૉ. પૂજા અને પપ્પા ડૉ. શશિકાંત ઠક્કરના પ્રોજેક્ટ ‘ગુંજે ગીતા’ને વૈશ્વિક સંગીતજગતના સૌથી પ્રતિષ્ઠિત અવૉર્ડ ગણાતા ગ્રૅમી અવૉર્ડ્‍‍સના For Your Consideration (FYC) લિસ્ટમાં સ્થાન મળ્યું છે. આ અવૉર્ડની સત્તાવાર રેસમાં તેમની ફિલ્મ ‘નાનકડાં પગલાં ભરે હરણફાળ’ના આલબમ સહિત ભગવદ્ગીતા આધારિત પ્રસ્તુતિઓને અલગ-અલગ કૅટેગરીમાં ૧૩ એન્ટ્રી મળી છે. ફેબ્રુઆરી ૨૦૨૭માં લૉસ ઍન્જલસમાં આયોજિત ૬૯મા ગ્રૅમી અવૉર્ડ્‍‍સ માટેની વોટિંગની પ્રક્રિયા હાલમાં જ પૂરી થઈ છે. એક જ પરિવારના ૩ ડૉક્ટરો આ અવૉર્ડ્‍‍સના ઑફિશ્યલ વોટિંગ જજ બન્યા હોય એવી પણ આ પહેલી ઘટના છે. સનાતન સંસ્કૃતિને ‘સંસ્કૃત-પૉપ’ (S-Pop) તરીકે ગ્લોબલ સ્ટેજ પર ગુંજતી કરનાર ઠક્કર પરિવારને મળીએ. 
એન્ટ્રીઝ અને વોટિંગ પાવર
ભારતની આધ્યાત્મિક વિરાસતને સંગીતના માધ્યમથી ગ્લોબલ સ્ટેજ પર લઈ જનારા ડૉ. કૃપેશ ઠક્કર કહે છે, ‘૨૦૨૭ની ૭ ફેબ્રુઆરીએ લૉસ ઍન્જલસમાં ગ્રૅમી અવૉર્ડ્‍‍સનું આયોજન થવાનું છે. હાલમાં બારથી બાવીસ ઑક્ટોબર સુધી પ્રથમ રાઉન્ડની વોટિંગ-પ્રક્રિયા હતી. ક્લબફુટની ક્ષતિ સાથે જન્મેલા દીકરા પર્વના જીવન પર આધારિત ફિલ્મ ‘નાનકડાં પગલાં ભરે હરણફાળ’ના સંગીતને અલગ-અલગ કૅટેગરીમાં કુલ ૧૩ એન્ટ્રી મળી છે. ગીતાના બારમા અધ્યાય ભક્તિયોગનું S-Pop વર્ઝન સીધું ‘રેકૉર્ડ ઑફ ધ યર’ની રેસમાં એન્ટ્રી પામ્યું છે, જેનાથી ભગવદ્ગીતા પ્રથમ વાર ગ્રૅમી સુધી પહોંચી છે. ‘બેસ્ટ પૉપ ગ્રુપ પર્ફોર્મન્સ’, ‘સૉન્ગ ઑફ ધ યર’, ‘બેસ્ટ મ્યુઝિક વિડિયો’ અને ‘બેસ્ટ ન્યુ આર્ટિસ્ટ’ની એન્ટ્રી પણ ગ્રૅમીની વોટિંગ-પ્રક્રિયામાં સામેલ હતી. આખી દુનિયામાંથી અંદાજે ૧૦,૦૦૦ લોકોએ વોટ આપ્યા અને એમાંથી સિલેક્ટ થયેલા આલબમને ગ્રૅમી અવૉર્ડ માટે નૉમિનેશન મળશે. સૌથી ગર્વની વાત એ છે કે આ વખતે અમારા પરિવારમાંથી ૩ મેમ્બર પાસે વોટિંગ-પાવર છે.’
ગ્રૅમી અવૉર્ડની વોટિંગ-પ્રક્રિયા વિશે એક સ્પષ્ટતા કરતાં ડૉ. કૃપેશ કહે છે, ‘વોટિંગ-પાવરને એન્ટ્રીઝ સાથે કંઈ લાગતુંવળગતું નથી. વાસ્તવમાં ગયા વર્ષે મને વોટિંગની પ્રક્રિયામાં સામેલ કરાયો હતો. ભગવદ્ગીતાના શ્ળોકોને મ્યુઝિક-થેરપી સાથે જોડીને હું જે કામ કરું છું એ જોઈને ગ્રૅમીની મૅનેજમેન્ટ ટીમે મારો સંપર્ક કર્યો હતો. સંગીતની દુનિયા સાથે જોડાયેલા હોય એવા વિશ્વભરના સિલેક્ટેડ લોકોને વોટ આપવા માટે ઇન્વાઇટ કરવામાં આવે છે. આ વર્ષે મેં જ ડૉ. પૂજા અને ડૉ. શશિકાંત ઠક્કરનો મ્યુઝિક-પ્રોફાઇલ સબમિટ કર્યો હતો. એના આધારે તેમને વોટિંગ-પાવર મળ્યો હતો. આમ એક જ પરિવારના ૩ ડૉક્ટર વોટિંગમાં સામેલ થયા હોય એવું કદાચ પહેલી વાર બન્યું છે. નિયમ પ્રમાણે આગામી પાંચ વર્ષ સુધી અમે જો કોઈ આલબમ રિલીઝ નહીં કરીએ તો આપોઆપ વોટ આપવામાંથી નીકળી જઈશું, કારણ કે એ લોકો એવું માની લેશે કે અમે મ્યુઝિકના ફીલ્ડમાં નથી. જોકે અમે આલબમ રિલીઝ કરવા કટિબદ્ધ છીએ અને આશા છે કે લૉસ ઍન્જલસમાં રેડ કાર્પેટ પર સનાતન ધર્મનો પરચો લહેરાવીશું. વોટિંગ-પ્રક્રિયા પૂરી થયા પછી ૧૬ નવેમ્બરે નૉમિનેશન્સ જાહેર કરવામાં આવશે.’
સ્ટેથોસ્કોપથી મ્યુઝિક તરફ
ઠક્કર પરિવારનાં મૂળિયાં કચ્છની ધરતી અને મેડિકલ સાયન્સ સાથે જોડાયેલાં છે. ડૉ. શશિકાંત ઠક્કર ભુજમાં જનરલ ફિઝિશ્યન તરીકે સેવા આપી રહ્યા છે. તેમના નકશેકદમ પર ચાલીને ડૉ. કૃપેશે ૨૦૦૫માં જામનગરથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો અને ત્યાર બાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયા. ત્યાં હેલ્થ ઍડ્મિનિસ્ટ્રેશનના ફીલ્ડમાં માસ્ટર્સ કર્યા પછી ફાર્મા કંપનીમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે કરીઅરની શરૂઆત કરી. જોકે ૨૦૧૩માં તેઓ આ નોકરી છોડીને ભારત પાછા ફર્યા. તેઓ કહે છે, ‘વેસ્ટર્ન કલ્ચરમાં મ્યુઝિક-થેરપીને મેડિકલ સાયન્સ સાથે વણી લેવાઈ છે. મને સંગીતનો શોખ હોવાથી એમાં રિસર્ચ કરતો હતો, પરંતુ અમેરિકામાં સનાતન ધર્મના મંત્રો-શ્ળોકોને મ્યુઝિકમાં ઢાળીને રિસર્ચ કરવાનો સ્કોપ નહોતો એટલે વતન પાછા આવવાનું નક્કી કર્યું. ૨૦૧૪માં મ્યુઝિક-થેરપી ક્લિનિક અને રિસર્ચ સેન્ટર શરૂ કર્યું. જોકે મારે પર્સનલ ડૉક્ટર તરીકે પ્રૅક્ટિસ નહોતી કરવી, પણ આ જ્ઞાનને સામાજિક જાગૃતિ અને સેવા તરીકે આગળ વધારવું હતું. આથી ‘ક્રુપ મ્યુઝિક’ના નેજા હેઠળ ‘ગિવ વાચા ફાઉન્ડેશન’ ટ્રસ્ટની સ્થાપના કરી, જે ગ્લોબલ લેવલ પર જવા માટે જરૂરી હતું. ભગવદ્ગીતાના શ્ળોકોમાં જાદુ અને સાઉન્ડ ફ્રીક્વન્સી છે. એને જો સંગીત અને તબીબી સારવાર સાથે જોડવામાં આવે તો અનેક રોગો તેમ જ માનસિક તનાવનો ઇલાજ કરી શકાય છે. પ્રાયોગિક ધોરણે અમે મધુરાષ્ટકમ અને કૃષ્ણાષ્ટકમ જેવા સ્તોત્રો લીધા અને એમાં ગુજરાતી તથા સંસ્કૃત ભાષાનું બ્લેન્ડિંગ કરીને આલબમ રજૂ કર્યું. ત્યાર બાદ અલગ-અલગ સ્કૂલો, કૉલેજો અને સામાજિક સંસ્થાઓમાં નિ:શુલ્ક મ્યુઝિક-થેરપી સેશન્સ આપવાનું શરૂ કરી દીધું.’
ડૉ. કૃપેશની સંગીત પ્રત્યેની લગન જોઈને તેમનાં પત્ની ડૉ. પૂજા ઠક્કર (જેઓ આયુર્વેદિક નિષ્ણાત છે) અને તેમના પિતા ડૉ. શશિકાંત ઠક્કર પણ આ અભિયાનમાં સક્રિયપણે જોડાયાં. આ સફર વચ્ચે ૨૦૧૭માં પર્વનો જન્મ થયો. પર્વના ઇલાજમાં પણ આ મ્યુઝિક-થેરપી આશીર્વાદરૂપ સાબિત થઈ અને તેના જ સંઘર્ષ પરથી ફિલ્મ ‘નાનકડાં પગલાં ભરે હરણફાળ’ આકાર પામી છે. પરિવારની ભૂમિકા વિશે જણાવતાં ડૉ. કૃપેશ કહે છે, ‘મેં અને પૂજાએ મળીને રિધમ અને સૂરનાં ખાસ સાઉન્ડ મૉડ્યુલ્સ તૈયાર કર્યાં છે. જેમ કે દીકરીઓ માટે માસિક ધર્મ દરમ્યાન થતા માનસિક તનાવને ઓછો કરવા ‘હૅપી પિરિયડ્સ’ નામનો એક સ્પેશ્યલ ટ્રૅક બનાવ્યો છે જે મેડિટેશન અને એક્સરસાઇઝ વખતે મદદરૂપ થાય છે. ટીમ તરીકે હું ગીતકાર, સંગીતકાર અને ગાયક ત્રણેય રોલ નિભાવું છું. ડૉ. પૂજા રેકૉર્ડિંગમાં રિધમિસ્ટ (તાલ આપનાર) અને સિંગર તરીકે કામ કરે છે, જ્યારે પપ્પા (ડૉ. શશિકાંત) સિંગર હોવાની સાથે સંસ્કૃત મંત્રોનાં શુદ્ધ ઉચ્ચારણોનું ધ્યાન રાખે છે અને વોકલ એન્જિનિયર તરીકેની જવાબદારી સંભાળે છે.’
આ ટીમ દ્વારા પ્રસ્તુત ગુંજે ગીતા ભજન જૅમિંગના કાર્યક્રમો સુપરહિટ થઈ રહ્યા છે. ગીતાના શ્ળોકોને ખાસ સાઉન્ડ ફ્રીક્વન્સી સાથે જોડવામાં આવ્યા છે, જે માનસિક તનાવ કે ડિપ્રેશન ઘટાડીને આંતરિક શાંતિ પ્રદાન કરે છે. અત્યાર સુધી દેશ-વિદેશમાં તેઓ ૫૦૦થી વધુ લાઇવ શો કરી ચૂક્યા છે. હવે ૧૬ નવેમ્બરે ગ્રૅમી અવૉર્ડના વોટિંગનાં પરિણામો પર તેમની નજર છે. 


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2026 03:22 PM IST | Kutch | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK