ગરવી ગુજરાત હાઈ સ્પીડ કૉરિડોર પ્રોજેક્ટ હેઠળ ૧૩૬૭ કિલોમીટરના નવા ૧૨ હાઈ સ્પીડ કૉરિડોર વિકસાવશે ગુજરાત
ભૂપેન્દ્ર પટેલ
ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના પીપાવાવ સાથે જોડશે નમો શક્તિ એક્સપ્રેસવે: અમદાવાદ, રાજકોટને સોમનાથ, દ્વારકા, પોરબંદર સાથે જોડવામાં આવશે સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે દ્વારા : ગરવી ગુજરાત હાઈ સ્પીડ કૉરિડોર પ્રોજેક્ટ હેઠળ ૧૩૬૭ કિલોમીટરના નવા ૧૨ હાઈ સ્પીડ કૉરિડોર વિકસાવશે ગુજરાત
ગુજરાત સરકારે ગઈ કાલે રજૂ કરેલા બજેટમાં બે નવા એક્સપ્રેસવે બાંધવાનું નક્કી કર્યું છે. નમો શક્તિ એક્સપ્રેસવે અને સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવે નામના બે નવા ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે બનશે એટલું જ નહીં, ગરવી ગુજરાત હાઈ સ્પીડ કૉરિડોર પ્રોજેક્ટ હેઠળ ૧૩૬૭ કિલોમીટરના નવા ૧૨ હાઈ સ્પીડ કૉરિડોર વિકસાવવામાં આવશે.
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભામાં ગઈ કાલે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કર્યું હતું એમાં આ જાહેરાત કરવામાં આવી હતી.
નવા ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવેમાં બનાસકાંઠાને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા સાથે જોડતા ડીસાથી પીપાવાવ સુધીના રસ્તાને નમો શક્તિ એક્સપ્રેસવે તરીકે ડેવલપ કરવામાં આવશે; જ્યારે અમદાવાદથી રાજકોટ અને એનું એક્સટેન્શન દ્વારકા, સોમનાથ તથા પોરબંદર જેવાં ધાર્મિક, પ્રવાસન સ્થળો અને બંદરો સાથે સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવેમાં થશે.
ગુજરાતમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈ સ્પીડ કૉરિડોર તેમ જ એક્સપ્રેસવે વિકસાવવા માટે બજેટમાં કુલ ૧૦૨૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ગરવી ગુજરાત હાઈ સ્પીડ કૉરિડોર પ્રોજેક્ટ હેઠળ ૧૩૬૭ કિલોમીટરના ૧૨ નવા હાઈ સ્પીડ કૉરિડોર ડેવલપ કરવામાં આવશે.
મુખ્ય પ્રધાને શું કહ્યું?
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બજેટને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ‘વિઝન વિકસિત ગુજરાતનું, મિશન જનકલ્યાણનું’ની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ ગણાવીને કહ્યું હતું કે ‘ગુજરાતની દિશાને નવી ગતિ આપવા બે નવા ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે અને ૧૨ નવા હાઈ સ્પીડ કૉરિડોર વિકસાવવામાં આવશે. નમો શક્તિ એક્સપ્રેસવેના નિર્માણથી ઉત્તર ગુજરાતના ડીસાને સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તાર પીપાવાવ સાથે જોડવાથી કોસ્ટલ બેલ્ટના ઔદ્યોગિક, સમાજિક, આર્થિક વિકાસને વેગ મળશે. આ ઉપરાંત સોમનાથ-દ્વારકા એક્સપ્રેસવેને અમદાવાદ, રાજકોટ અને દ્વારકા, સોમનાથ, પોરબંદર સાથે જોડવાથી આ માર્ગોના વિકાસથી દ્વારકા અને સોમનાથ જતા પ્રવાસીઓને વધુ સરળ કનેક્ટિવિટી મળશે.’
ગ્રીન ફીલ્ડ એક્સપ્રેસવે
ઉલ્લેખનીય છે કે ગ્રીનફીલ્ડ એક્સપ્રેસવે અન-ડેવલપ્ડ જમીન પર બાંધવામાં આવે છે જેને કારણે બાંધકામખર્ચ પ્રમાણમાં ઓછો થાય છે અને એના નિર્માણમાં સમય ઓછો લાગે છે. આ એક્સપ્રેસવેના કારણે નવા વિસ્તાર ડેવલપ થાય છે.

