રવિવારની રજા હોવાથી ભક્તોનો મહાસાગર ઊમટ્યો: ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પ્રભુનો રથ અને રસ્તો સાફ કરીને પહિંદ વિધિ કરી રથ ખેંચીને રથયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું:કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વહેલી પરોઢે મંગળા આરતી ઉતારી
રથયાત્રા
સરસપુરમાંથી પસાર થઈ રહેલી રથયાત્રામાં માનવમહેરામણ ઊમટ્યો હતો. ( તસવીર - જનક પટેલ)
જગતના નાથ સામે ચાલીને ગઈ કાલે અમદાવાદના નગરજનોને દર્શન આપવા નીકળ્યા ત્યારે ભક્તો અક્ષત કુમકુમથી જગતના નાથને શ્રદ્ધા અને ભાવપૂર્વક વધાવી દર્શન કરીને ભાવવિભોર બન્યા હતા. રવિવારની રજા હોવાથી ૧૪૭મી રથયાત્રામાં સાધુ-સંતો સાથે ભક્તજનોનો મહાસાગર ઊમટ્યો હતો અને ભક્તિભાવ તથા હર્ષોલ્લાસ સાથે આધ્યાત્મિકતાના વાતાવરણમાં રથયાત્રા રંગેચંગે સંપન્ન થઈ હતી. ભગવાન જગન્નાથજીએ નગરયાત્રા કરીને સામે ચાલીને પ્રજા વચ્ચે જવાનો એક શુભ સંદેશ અને સંકેત આપ્યો હતો.