કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ 16 જાન્યુઆરી, 2025ના રોજ મહેસાણા જિલ્લાના વડનગર શહેરમાં કરોડો રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ (પુરાતત્વ અનુભવ સંગ્રહાલય), પ્રેરણા સંકુલ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જેવા વિકાસકાર્યો પૂર્ણ થવાથી વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે. ગુજરાતના પ્રાચીનતમ શહેર વડનગરનો ઇતિહાસ ખૂબ જ ભવ્ય છે. 2500 વર્ષ કરતા વધુ સમયથી સતત ધબકતું રહેલું આ શહેર સાત અલગ અલગ રાજવંશોના શાસન હેઠળ રહ્યું છે. વડનગર મુખ્ય વ્યાપારી માર્ગ પર સ્થિત હોવાને લીધે હિંદુ, બૌદ્ધ, જૈન અને ઇસ્લામ ધર્મોના સંગમનું એક જીવંત કેન્દ્ર હતું. આ શહેર સાંસ્કૃતિક અને ઐતિહાસિક ધરોહરોનો અણમોલ ખજાનો છે. તમામ ઐતિહાસિક ખાસિયતો ધરાવતું હોવા છતાં લોકોથી અજાણ્યું રહેલું વડનગર તે સમયે દેશ અને દુનિયાના નકશા પર ઉભરી આવ્યું, જ્યારે અહીંની ભૂમિમાં જન્મેલા નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વડનગરના ઐતિહાસિક મહત્વ અને પ્રવાસન સંભાવનાઓને ધ્યાનમાં રાખીને તેની સાથે સંકળાયેલા પ્રોજેક્ટ્સ શરૂ કરવા માટે પ્રેરિત કર્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર વડનગરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની જાળવણી અને સંવર્ધન માટે તેમજ આ ઐતિહાસિક નગરમાં પાયાની અને પ્રવાસન સુવિધાઓ વિકસિત કરવા માટે વિશેષ પ્રયાસો કરી રહી છે. વડનગર પર આઇઆઇટી ખડગપુર, આઇઆઇટી ગુવાહાટી, આઇઆઇટી ગાંધીનગર, અને આઇઆઇટી રૂડકી તરફથી વ્યાપક બહુ-વિષયક શોધ શરૂ કરવામાં આવી છે. વડનગરની મુલાકાત દરમિયાન અમિત શાહ શહેરના પ્રાચીન હાટકેશ્વર મંદિરની મુલાકાત પણ લેશે. 17મી સદીનું આ સુંદર નકશીદાર મંદિર એક જમાનામાં વડનગરના મુખ્ય સમુદાય એવા નાગર બ્રાહ્મણોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવને સમર્પિત છે. મંદિરનું સ્થાપત્ય અને ડિઝાઇન આ પ્રદેશના સમૃદ્ધ વારસા અને પરંપરાઓને પ્રતિબિંબિત કરે છે.
15 January, 2025 04:03 IST | Ahmedabad | Gujarati Mid-day Online Correspondent