Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > ફરસાણ તળતી વખતે તેલ શોષાઈ જાય એ માટે છાપું વાપરો છો?

ફરસાણ તળતી વખતે તેલ શોષાઈ જાય એ માટે છાપું વાપરો છો?

Published : 06 November, 2026 06:38 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિવાળીમાં તમને ચોળાફળી, મઠિયાં, ફરસી પૂરી જેવી ચીજો વણીને ન્યુઝપેપર પર પાથરવાની આદત હોય અથવા તો ચીજો તળાયા પછી તેલ શોષાઈ જાય એ માટે ન્યુઝપેપર પર મૂકવાની આદત હોય તો સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


ઘણાં ઘરોમાં એવું જોવા મળતું હોય છે કે પૂરી, મઠિયાં, ઘૂઘરા, ચકલી, શક્કરપારા જેવાં ફરસાણોને ન્યુઝપેપર પર પાથરવામાં આવતાં હોય છે અથવા તો એ તળાઈ ગયા પછી તેલ શોષાઈ જાય એ માટે ઘણા લોકો પ્લેટમાં કે ન્યુઝપેપર પર ગરમાગરમ ફરસાણ રાખતા હોય છે. જોકે ફરસાણ બનાવતી વખતે ન્યુઝપેપરનો આ રીતે ઉપયોગ કરવો સ્વાસ્થ્ય માટે ખૂબ જોખમી છે. અગાઉ ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI) પણ અનેક વાર ચેતવણી આપી ચૂકી છે કે ખોરાકને પૅક કરવા, ઢાંકવા, સંગ્રહ કરવા, પીરસવા અથવા તળેલા ખોરાકમાંથી વધારાનું તેલ શોષવા માટે ન્યુઝપેપરનો ઉપયોગ કરવો જોખમી છે.

ન્યુઝપેપર શા માટે ઝેર સમાન બની જાય છે?



ન્યુઝપેપર સામાન્ય કોરો કાગળ નથી. એને પ્રિન્ટિંગ કરવા માટે જે શાહી વપરાય છે એમાં અત્યંત ઝેરી કેમિકલ્સ રહેલાં હોય છે.


ઝેરી રસાયણો અને હેવી મેટલ્સ : પ્રિન્ટિંગ શાહીમાં સીસું, કૅડમિયમ, ગ્રેફાઇટ, મિનરલ ઑઇલ્સ અને ઍરોમૅટિક હાઇડ્રોકાર્બન જેવાં કૅન્સરકારક તત્ત્વો હોય છે.

ભેજ અને તેલ શાહીને ઓગાળે છે : કાચી પૂરીમાં રહેલો ભેજ અને તળેલા નાસ્તામાંથી નીકળતું ગરમ તેલ ન્યુઝપેપરની શાહી અને કાગળનાં કેમિકલ્સને તરત જ ઓગાળીને ખોરાકમાં શોષી લે છે.


તળવાથી કેમિકલ્સ બળી જતાં નથી : ઘણા લોકો એવી ગેરસમજમાં રહે છે કે કાચી પૂરીને તેલમાં તળી લઈશું એટલે ગરમીથી બધું શુદ્ધ થઈ જશે, પરંતુ હકીકત એ છે કે તેલના તાપમાને બૅક્ટેરિયા મરી શકે, પણ સીસું કે અન્ય હેવી મેટલ્સ ક્યારેય નષ્ટ થતાં નથી. એ સીધાં તેલમાં અને ખોરાકમાં ભળીને પેટમાં પહોંચે છે.

શાહી પેટમાં જવાથી શરીરમાં શું નુકસાન થાય છે?

૧. પાચનતંત્રમાં ગંભીર ખરાબી : શાહીમાં રહેલાં સૉલ્વન્ટ્સ અને કેમિકલ્સ પેટમાં પહોંચીને પેટના અસ્તરને એટલે કે લાઇનિંગને નબળી પાડે છે. પરિણામે અપચો, ગૅસ, ઍસિડિટી, આંતરડાંમાં સોજો અને લાંબા ગાળે પેટમાં અલ્સર થઈ શકે છે.

૨. કિડની અને લિવર પર કાયમી ભારણ: સીસું અને કૅડમિયમ લોહીમાં ભળીને કિડની અને લિવરમાં જમા થવા લાગે છે. શરીર આ ધાતુઓને સરળતાથી બહાર કાઢી શકતું નથી એટલે આ અંગો ધીમે-ધીમે ક્ષતિગ્રસ્ત થાય છે.

૩. કૅન્સરનું જોખમ : પ્રિન્ટિંગ ઇન્કમાં વપરાતાં કેમિકલ્સ સેલ્યુલર DNAને નુકસાન પહોંચાડીને કૅન્સરના કોષો વિકસાવવાનું જોખમ વધારે છે.

૪. બાળકોના મગજ પર ખરાબ અસર: જો ઘરમાં નાનાં બાળકો આ નાસ્તો ખાય તો સીસાની ઝેરી અસરથી તેમના શારીરિક વિકાસ, યાદશક્તિ અને એકાગ્રતા પર લાંબા ગાળે માઠી અસર પડે છે.

ન્યુઝપેપરની જગ્યાએ રસોડામાં શું વાપરી શકાય?

સ્વચ્છ સુતરાઉ કપડું : સૌથી સુરક્ષિત અને વર્ષો જૂની રીત એ છે કે ટેબલ કે
પાટલા પર સાફ, ધોયેલું સફેદ સુતરાઉ
કાપડ કે સુતરાઉ ઓઢણી પાથરો. એના પર પૂરી, મઠિયાં, પાપડ કે શક્કરપારા સૂકવો. આ કપડું ભેજ પણ શોષી લેશે અને કોઈ કેમિકલ પણ નહીં લાગે.

સ્ટીલની મોટી થાળીઓ અને પરતો : કાચી વણેલી વાનગીઓ કે સૂકા નાસ્તા માટે સ્ટીલની મોટી થાળીઓ પર સહેજ તેલ કે લોટ ભભરાવીને ઉપયોગ કરો.

સ્ટીલની ચાળણી કે વાયર મેશ : તળેલા ગરમાગરમ ફરસાણમાંથી તેલ નિતારવા માટે કાગળ પર કાઢવાને બદલે સ્ટીલની મોટી ચાળણી કે જાળીદાર ટોપલીમાં કાઢો. નીચે એક થાળી મૂકી દો, જેથી વધારાનું બધું તેલ આપોઆપ નીતરીને નીચે ભેગું થઈ જાય.

અનપ્રિન્ટેડ કિચન પેપર રોલ અથવા બટર પેપર : જો કાગળ વાપરવો અનિવાર્ય હોય તો સાદા છાપાને બદલે ફૂડ-ગ્રેડ ટિશ્યુ રોલ અથવા બટર પેપર વાપરો, જેમાં કોઈ જાતની શાહી કે પ્રિન્ટિંગ હોતી નથી.

Whatsapp-channel Whatsapp-channel

06 November, 2026 06:38 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK