ઝિંદગી મેં મુશ્કિલોં કા આના પાર્ટ ઑફ લાઇફ હૈ ઔર ઉનમેં સે હંસકર બહાર આના આર્ટ ઑફ લાઇફ હૈ.
પૂ. ધીરજમુનિ મ.સા.
ઝિંદગી મેં મુશ્કિલોં કા આના પાર્ટ ઑફ લાઇફ હૈ ઔર ઉનમેં સે હંસકર બહાર આના આર્ટ ઑફ લાઇફ હૈ.
જીવનનાં ૫૧ વર્ષ પછીના દરેક વર્ષ બોનસ, ૬૧ પછીનો દરેક મહિનો બક્ષિસ, ૭૧ પછીનો પ્રત્યેક દિવસ ઉપહાર, ૮૧ પછીનો દરેક કલાક પ્રસાદી છે. વૃદ્ધાવસ્થા આવતાં પહેલાં વ્યવસ્થા કરી લે તેને વ્યથા કરવાની નોબત નહીં આવે!
ADVERTISEMENT
જગતને ભૂલીને પોતાની જાતમાં વસવાનું છે. જગતને તમારા વિચારોથી કંઈ લેવાદેવા નથી. કામમાં આવો તો રામ, ન આવો એટલે રાવણ.
જે મળ્યું છે એમાં વિશ્વાસ કરવો. સંત એકનાથને પત્ની અનુકૂળ હતી, સંત તુકારામને પત્ની પ્રતિકૂળ હતી, નરસિંહ મહેતાને પત્નીનો વિયોગ થયો હતો.
જેની ફરિયાદ સૌથી ઓછી તે જગતમાં સૌથી વધુ સુખી. જીવન બરફ જેવું છે. જેનો ભૂતકાળ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી છે. જીવનમાં પથારી અને પથારા પાથરતા શીખ્યા છો. હવે સંકેલતા શીખવાનો સંદેશ પર્વાધિરાજ પર્યુષણ પર્વ આપી રહેલ છે.
પત્ની પતિને કહે છે, ‘તમે બહુ ભોળા છો! તમને કોઈ છેતરી જાય એની ખબર પણ પડતી નથી.’
પતિ કહે છે, ‘બિલકુલ સાચી વાત છે. શરૂઆત મારાં સાસુજીએ જ કરી હતી!’
આત્માની શુદ્ધિ માટે ભૂતકાળમાં પાપ કર્યાં છે એનું પ્રાયશ્ચિત્ત કરો. વર્તમાનમાં પાપ બંધાય છે એને અટકાવો. ભવિષ્યમાં પાપનાં ફળ ભોગવવાં ન પડે એવાં કાર્યો કરો. જીભનો વેપાર ઘણો કર્યો, હવે જિગરનો વેપાર કરો તો જગદીશ ખુશ થઈ જશે.
કોઈને ન બને બાધક તેનું નામ સાધક. શુભ વિચારમાં જીવે, પ્રસન્નતામાં જીવે, વિવેકમાં જીવે, વૈરાગ્યમાં જીવે અને વિશ્વાસમાં જીવે તે સાધક છે.
શરીર ચાલે શ્વાસથી, પરિવાર ચાલે વિશ્વાસથી.
જોકે આજનો માહોલ જ એવો થઈ ગયો છે કે ના કોઈને કાયદો પસંદ છે, ના કોઈને વાયદો પસંદ છે, બસ! બધાને પોતાપોતાનો ફાયદો પસંદ છે! જોકે મુશ્કેલી આવે ત્યારે ગૃહદોષ, વાસ્તુદોષ, પિતૃદોષ, શનિદોષ બધા દોષ દેખાવા લાગે; પણ માણસને પોતાના દોષ દેખાય નહીં! જીવનમાં કેટલું દોડી શકો છો એના પર નહીં પણ કેટલું છોડી શકો છો એના પર સુખનો આધાર રહેલો છે. એ સમજાવવા પર્યુષણ પધારે છે.
સત્કર્મ વિના સુખસંપત્તિ વધતી નથી, સંયમ વિના સુખસંપત્તિ ટકતી નથી, દાન વિના સુખસંપત્તિ શોભતી નથી; કેમ કે સમય માનવીને મોટો બનાવે છે, સમજ માનવીને મહાન બનાવે છે.
ભોગવી શકો એવું તમારું પુણ્ય નથી, ત્યાગી શકો એવા સંસ્કાર નથી પછી પ્રદૂષણ જાય ક્યાંથી? શાંતિ મળે ક્યાંથી?
બીજાને જાણી શકે તે વિદ્વાન છે અને પોતાને જાણી શકે તે જ્ઞાની છે! ક્રોધ, મન, માયા અને લોભ, રાગ-દ્વેષ, ક્લેશ-કંકાસ, ઈર્ષ્યા-અસૂયા આ બધાં આધ્યાત્મિક જીવનનાં પ્રદૂષણ છે. એમાંથી મુક્તિ બનવા સમતા, ઉદારતા, સ્નેહ, સંતોષ, નિર્લોભતા, સરળતા, નિરાભિમાનતા, નિર્દોષતા વગેરે ગુણો પોતાની જાતમાં વસાવવાના છે.
રાખવો નહીં અહંકાર કે
ના થાય કશું મારા વિના,
અહીં તો આખું આકાશ
ઊભું છે ટેકા વિના.
અહંકાર વિના બોલવું, ઇરાદા વગર પ્રેમ કરવો, અપેક્ષા વિના કાળજી રાખવી, સ્વાર્થ વિના પ્રાર્થના કરવી એ જ સાચી સૌમ્યતા છે. કોઈકમાં કંઈક ખામી દેખાય તો તેની સાથે વાત કરી લેવી પણ... દરેકમાં ખામી દેખાય તો થોડી પોતાની સાથે વાત કરી લેવી.
તકદીર કો બદલ સકતે હો, જરા ખુદ કો બદલ કે દેખો. જીવન જીવવા જેવું અને જીવી બતાવવા જેવું લાગશે. પોતાની જાત-નિજ સ્વરૂપમાં વસવા માટે ઘરની બહાર નીકળતાં ક્રોધ ન કરવો. જમતી વખતે ક્રોધ ન કરવો. માતા-પિતા કે અન્ય પર ક્રોધ ન કરવો. સૂતી વખતે ક્રોધ ન કરવો. મોબાઇલમાં વાત કરતાં ક્રોધ ન કરવો અને ધર્મસ્થાન, મંદિર કે સત્સંગમાં ક્રોધ ન કરવો. આમ કરવાથી જે શક્ય બનશે એ સંકલ્પ કરવાથી વિભાવના પ્રદૂષણનું વિસર્જન થશે અને નિજ સ્વભાવ-આત્મરમણતાનું સર્જન થયા વિના રહેશે નહીં.
જીવનમાં કોઈના સુખનું કારણ બનો, ભાગીદાર નહીં. દુઃખમાં ભાગીદાર બનો, કારણ નહીં.
આંખ આગળ છે, કાન પાછળ છે. પહેલાં જુઓ, પછી કાનથી સાંભળો.
જીવનમાં પોતાની પાસે કામ લેવું હોય તો મગજનો અને બીજા પાસે કામ લેવું હોય તો હૃદયનો ઉપયોગ કરવો.
યુવાનો વ્યસનમાં, યુવતીઓ ફૅશનમાં તો પરિવાર ટેન્શનમાં માટે પર્યુષણ કહે છે કે Art of Living દ્વારા Life Manage કરતાં શીખો.
- પૂ. ધીરજમુનિ મ.સા.
