એક ખૂબ જ જાણીતી હિન્દી ફિલ્મનો જાણીતો સંવાદ છે “મર્દ કો કભી દર્દ નહીં હોતા”, પુરુષોનું આવું જ ચિત્રણ કવિ નર્મદ પોતાની કવિતામાં કરતાં લખે છે “મર્દ તેહનું નામ, સમો આવ્યો કે ચાલે; કનક કામિની તજી, સજી રણમાં મ્હાલે.” પુરુષોની આ કઠણ અને કડક વલણ ધરાવતી છબી કાયમ રાખવામાં સમાજે દિલથી મહેનત કરી છે. લોકો એ વાતને તો સ્વીકારે છે કે પુરુષો નારિયેળ જેવા છે, પણ તેનાથી પણ ઓછા લોકો સમજી શકે છે કે આ નારિયેળની અંદર લાગણીઓની ભીનાશ યથાવત્ છે. આ જ્ઞાન ઠોકીને પુરુષોને મહાન ચિતરવાનો પ્રયાસ અમે કરતાં નથી, પણ તમામ મર્દ જે દર્દ વેઠીને પણ સમાજમાં પરિવર્તન લાવવા માટે મથી રહ્યાં છે તેમની વાર્તા તમારા સુધી પહોંચાડવાના નમ્ર પ્રયાસરૂપે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે એક વિશેષ સિરીઝ ‘મૅન્ટાસ્ટિક’. આ સિરીઝમાં આપણે દર પખવાડિયે મળીશું એવા પુરુષોને જેમણે તનતોડ મહેનત કરી કંઈક નવું ઉકાળ્યું હોય. બૉલિવૂડ અને હૉલિવૂડમાં એકદમ અનોખા મુદ્દે ફિલ્મો બની છે અને તેમાંથી કેટલીક ફિલ્મો તેની સારી અને યુનિક સ્ટોરીને કારણે લોકોના મનમાં વસી જાય છે. આજે ‘મૅન્ટાસ્ટિક’માં મૂળ કચ્છ વાગડના લાકડીયા ગામના અને મુંબઈમાં ડૉક્ટર તરીકે કાર્યરત ૬૦ વર્ષના ગિરધન પોપટલાલ ગડાની પ્રેરક કહાની રજૂ કરવી છે. જેઓએ ટ્રેકિંગ ક્ષેત્રમાં જબરું કાઠું કાઢ્યું છે. ખાસ તો તેઓએ પોતે ટ્રેક કર્યા છે, પણ પોતાના સમાજના યંગસ્ટર્સ માટે ટ્રેકિંગના અનેક આયોજનો કર્યા છે.
08 January, 2025 09:57 IST | Mumbai | Dharmik Parmar