Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > ગણપતિબાપ્પાને પ્રિય લાગતી સામાન્ય દૂર્વાના ખાસ ગુણ

ગણપતિબાપ્પાને પ્રિય લાગતી સામાન્ય દૂર્વાના ખાસ ગુણ

Published : 14 September, 2026 11:42 AM | IST | Mumbai
Heena Patel | feedbackgmd@mid-day.com

ગણેશજીને પ્રિય એવી દૂર્વા માત્ર ધાર્મિક આસ્થા સાથે જોડાયેલી નથી. પ્રાચીન આયુર્વેદિક ગ્રંથોમાં એના વિવિધ ઉપયોગોનો ઉલ્લેખ મળે છે. જોકે દૂર્વાનો ઘરગથ્થુ ઉપચાર તરીકે ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે

દૂર્વાના ખાસ ગુણ

દૂર્વાના ખાસ ગુણ


ગણેશોત્સવ દરમ્યાન ગણપતિને દૂર્વા અર્પણ કરવાની પરંપરા દરેક જગ્યાએ જોવા મળે છે. સામાન્ય રીતે આપણે એને માત્ર પૂજાની સામગ્રી તરીકે જ જોઈએ છીએ, પરંતુ આપણી પરંપરામાં ઘણી એવી વનસ્પતિઓ છે જે ધાર્મિક મહત્ત્વની સાથે ઔષધીય ઉપયોગ માટે પણ જાણીતી છે. દૂર્વા એમાંથી એક છે. આજે આપણે ૧૭ વર્ષનો અનુભવ ધરાવતાં આયુર્વેદિક એક્સપર્ટ ડૉ. જૈના પટવા પાસેથી જાણીએ કે આયુર્વેદમાં દૂર્વાનો કઈ બીમારીમાં અને કેવી રીતે ઉપયોગ થાય છે.

દૂર્વાના ગુણો



દર વર્ષે આપણે જ્યારે ભગવાન ગણેશની પૂજા કરીએ છીએ ત્યારે આપણે તેમને એક અત્યંત સરળ વસ્તુ અર્પણ કરીએ છીએ – દૂર્વા. દૂર્વા સામાન્ય રીતે ‘દૂબ’ અથવા ‘ધરો’ તરીકે ઓળખાતું નાનું લીલું ઘાસ છે. જોકે આ પરિચિત ધાર્મિક વિધિ પાછળ પ્રકૃતિ, ઋતુ અને સંતુલનનું આયુર્વેદિક જોડાણ જોવા મળે છે. એક પૌરાણિક કથા છે કે જ્યારે અગ્નિરૂપી રાક્ષસ અનલાસુરને ગળી ગયા પછી ભગવાન ગણેશને અતિશય બળતરા થવા લાગી ત્યારે દૂર્વાથી તેમના શરીરની એ ઉષ્મા શાંત થઈ હતી. રસપ્રદ બાબત એ છે કે આ પ્રતીકાત્મક કથા આયુર્વેદ આ વનસ્પતિ વિશે જે કહે છે એની સાથે પણ જોડાય છે. દૂર્વા શીતળ (શીત), હળવી (લઘુ) અને મુખ્યત્વે મધુર તથા તૂરા (કષાય) રસવાળી હોય છે. એના આ ગુણોને કારણે પિત્ત, ગરમી અને રક્તસ્રાવ સાથે જોડાયેલી સ્થિતિઓમાં આયુર્વેદમાં એનો ઉપયોગ કરવામાં આવે છે.


આ સીઝનમાં દૂર્વાનું મહત્ત્વ

આયુર્વેદ ઋતુપરિવર્તનને માત્ર તાપમાનના બદલાવ તરીકે નથી જોતું. પર્યાવરણને પંચમહાભૂત એટલે કે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી દ્વારા સમજવામાં આવે છે. આપણું શરીર પણ આ જ તત્ત્વોથી બનેલું છે એટલે વાતાવરણમાં થતા ફેરફારો સ્વાભાવિક રીતે આપણા આંતરિક સંતુલનને પ્રભાવિત કરે છે. ચોમાસા દરમ્યાન પિત્ત ધીમે-ધીમે એકઠું થાય છે. વાતાવરણ ઠંડું, ભેજવાળું અને ભારે હોય છે અને શરીર આ પરિસ્થિતિઓને અનુકૂળ થાય છે. વરસાદ જ્યારે ઓછો થઈ જાય છે ત્યારે વાદળો હટી જાય છે અને સૂર્યનો તડકો પાછો આવે છે. આ નવી ગરમી ચોમાસા દરમ્યાન સંચિત થયેલા પિત્ત પર અસર કરે છે, જેને કારણે શરદ ઋતુ દરમ્યાન પિત્ત પ્રકોપિત થાય છે. આ જ કારણ છે કે શરદ ઋતુને પરંપરાગત રીતે પિત્તપ્રકોપની ઋતુ માનવામાં આવે છે. સંવેદનશીલ વ્યક્તિઓમાં આ સ્થિતિ ઍસિડિટી, બળતરા, ત્વચા પર ફોલ્લીઓ કે ફોલ્લા, માથાનો દુખાવો, પાચનની સમસ્યાઓ, અતિશય ગરમી અને શરીરમાંથી લોહી નીકળવું (જેમ કે નાકમાંથી લોહી વહેવું) જેવી સમસ્યાઓ સાથે જોવા મળી શકે છે. આયુર્વેદનો અભિગમ એવો છે કે જ્યારે કોઈ ચોક્કસ ગુણ વધી જાય ત્યારે સંતુલન જાળવવા માટે એના વિરોધી ગુણોનો ઉપયોગ કરવામાં આવે.


દૂર્વા કઈ રીતે કામ કરે?

દૂર્વાનો સ્વભાવ ઠંડો અને સ્વાદ તૂરો હોય છે. આ કારણે પિત્તપ્રકોપની આ ઋતુમાં દૂર્વાને આયુર્વેદની દૃષ્ટિએ મહત્ત્વ આપવામાં આવે છે. આયુર્વેદમાં દૂર્વાનો ઉપયોગ અલગ-અલગ તકલીફોમાં થાય છે. શરીરમાં વધુ પડતી ગરમી કે બળતરા થવી, વારંવાર તરસ લાગવી કે લોહી વહેવું એવી સ્થિતિમાં તાજી દૂર્વાના રસના પરંપરાગત ઉપયોગનો ઉલ્લેખ મળે છે. ઊલટીની સ્થિતિમાં તંડુલોદક સાથે દૂર્વાના રસના ઉપયોગનો પણ ઉલ્લેખ મળે છે. તંડુલોદક આયુર્વેદમાં પરંપરાગત રીતે તૈયાર કરવામાં આવતું ચોખાનું પાણી છે જે કાચા, પૉલિશ ન કરેલા ચોખા (પ્રાધાન્યરૂપે લાલ ચોખા)ને પાણીમાં પલાળીને બનાવવામાં આવે છે. તંડુલ એટલે ચોખા અને ઉદક એટલે પાણી. નાકમાંથી જ્યારે લોહી વહે ત્યારે તાજી દૂર્વાના રસને નસ્ય તરીકે ઉપયોગ કરવાની આયુર્વેદિક ગ્રંથોમાં વાત કરવામાં આવી છે. દૂર્વામાંથી બનાવેલા ઔષધીય ઘી કે તેલનો ઉપયોગ ઘા, ખંજવાળ અને બળતરા ધરાવતી ચામડી પર બહારથી કરવામાં આવે છે. દૂર્વાને ઘી સાથે તૈયાર કરીને બનાવવામાં આવતી ઔષધીય દવાનો ઉપયોગ શરીરમાં વધુ પડતી ગરમી અને બળતરા સાથે જોડાયેલી કેટલીક તકલીફોમાં પણ કરવામાં આવે છે. આ દર્શાવે છે કે આયુર્વેદમાં એક જ વનસ્પતિનો ઉપયોગ સ્થિતિ, દોષનું અસંતુલન અને જરૂરી ઉપચાર પ્રમાણે અલગ-અલગ રીતે કરવામાં આવે છે. જોકે કોઈ પણ તકલીફમાં ઔષધ તરીકે એનો ઉપયોગ કરતાં પહેલાં હંમેશાં આયુર્વેદિક ડૉક્ટર (વૈદ્ય)ની સલાહ લેવી જરૂરી છે.

દૂર્વાનું આધ્યાત્મિક મહત્ત્વ

ભગવાન ગણેશજીને દૂર્વા (ધરો) ચડાવવા પાછળ એક ખૂબ જ રસપ્રદ પૌરાણિક કથા છે. ગણેશપુરાણ અનુસાર પ્રાચીન સમયમાં અનલાસુર નામનો એક અતિ ભયંકર દૈત્ય હતો. તેના નામ પ્રમાણે જ તેના મુખ અને આંખોમાંથી સતત અગ્નિ વરસતો હતો. તેણે દેવતાઓ, ઋષિમુનિઓ અને પૃથ્વી પર હાહાકાર મચાવ્યો હતો. બધા દેવો જ્યારે રક્ષણ માટે ગણેશજી પાસે ગયા ત્યારે બાપ્પાએ સંસારને બચાવવા માટે તે વિશાળ રાક્ષસને ગળી લીધો. અનલાસુર પેટમાં જતાં જ તેના શરીરમાં રહેલા અગ્નિતત્ત્વને કારણે ગણેશજીના પેટ અને સમગ્ર શરીરમાં અસહ્ય બળતરા થવા લાગી. દેવતાઓએ શીતળતા માટે ગણેશજી પર ગંગાજળ છાંટ્યું, ચંદનનો લેપ કર્યો અને ચંદ્રમાને પણ તેમના મસ્તક પર ધારણ કરાવ્યા; પરંતુ બળતરા શાંત ન થઈ. આખરે ત્યાં ઉપસ્થિત કશ્યપઋષિ સહિતના મુનિઓએ દૂર્વા (ધરો)ની ૨૧-૨૧ ગાંઠો એકઠી કરીને ગણેશજીના મસ્તક પર મૂકી અને તેમને આરોગવા આપી. દૂર્વા ધારણ કરતાં જ ગણેશજીના શરીરની બળતરા શાંત થઈ ગઈ. આથી પ્રસન્ન થઈને ગણેશજીએ વરદાન આપ્યું કે જે કોઈ ભક્ત તેમને શ્રદ્ધાપૂર્વક દૂર્વા અર્પણ કરશે તેના જીવનના આધ્યાત્મિક અને શારીરિક તાપ દૂર થશે અને તેઓ તેના પર સદા પ્રસન્ન રહેશે.

દૂર્વામાં છુપાયેલો આયુર્વેદનો વિચાર

દૂર્વાને જોતાં એ એક સામાન્ય ઘાસ જેવી જ લાગે છે, પરંતુ આયુર્વેદમાં એના ગુણને અલગ રીતે જોવામાં આવ્યા છે. આયુર્વેદનો એક મૂળભૂત સિદ્ધાંત છે કે શરીરમાં કોઈ ગુણ વધી જાય ત્યારે એને સંતુલિત કરવા માટે એના વિરોધી ગુણોનો ઉપયોગ કરવામાં આવે. દૂર્વાના શીતળ ગુણોને પણ આ જ દૃષ્ટિકોણથી સમજવામાં આવે છે. કદાચ આ જ કારણ છે કે પેઢીઓથી ગણેશજીને દૂર્વા અર્પણ કરવાની પરંપરા ચાલી આવે છે. આ પરંપરામાં માત્ર ધાર્મિક આસ્થા જ નહીં, પ્રકૃતિ અને આયુર્વેદ વચ્ચેનો સંબંધ પણ જોવા મળે છે.

Whatsapp-channel Whatsapp-channel

14 September, 2026 11:42 AM IST | Mumbai | Heena Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK