Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સંસ્કૃતિ અને વારસો > આર્ટિકલ્સ > સાચો પરાક્રમી એ જે પોતે આપેલા વચનને તો પ્રાણાન્તે પણ વળગી રહે

સાચો પરાક્રમી એ જે પોતે આપેલા વચનને તો પ્રાણાન્તે પણ વળગી રહે

Published : 22 October, 2026 07:43 AM | Modified : 22 October, 2026 08:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આફ્રિકા જતાં પહેલાં ગાંધીજી પાસે તેમની માતા પૂતળીબાએ વચન માગી લીધું હતું કે પરદેશમાં પરિસ્થિતિ ગમે એવી આવશે તોય તું દારૂ, માંસાહાર અને પરસ્ત્રીગમન આ ત્રણ અનિષ્ટોથી દૂર જ રહીશ.

 જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.

સત્સંગ

જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.


આફ્રિકા જતાં પહેલાં ગાંધીજી પાસે તેમની માતા પૂતળીબાએ વચન માગી લીધું હતું કે પરદેશમાં પરિસ્થિતિ ગમે એવી આવશે તોય તું દારૂ, માંસાહાર અને પરસ્ત્રીગમન આ ત્રણ અનિષ્ટોથી દૂર જ રહીશ. ગાંધીજીએ માતાને આપેલા આ વચનને પૂરી મર્દાનગી સાથે નિભાવ્યું અને એ પણ છેલ્લા શ્વાસ સુધી.
વિશ્વવિખ્યાત જાદુગર કે. લાલની આત્મકથા તો આ જ અખબારમાં પ્રસિદ્ધ થઈ હતી, જે મેં પણ વાંચી છે. આ જ જાદુગર કે. લાલને અનેક હીરો-હિરોઇનની ઉપસ્થિતિમાં રાજ કપૂરે પોતે પોતાના પિતા પૃથ્વીરાજ કપૂરના સોગંદ આપીને દારૂનો ઘૂંટ લેવાનો આગ્રહ કર્યો હતો અને એ વખતે કે. લાલે રાજ કપૂરને ઉપસ્થિત તમામ હીરો-હિરોઇનો વચ્ચે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે દારૂનો ઘૂંટ તો શું, દારૂની આ પ્યાલીમાં પાણી આપો તો પણ હું મોઢે માંડી શકું એમ નથી, કારણ કે ૭ પેઢીના સોગન ખાઈને મેં મારી માતાને એનું વચન આપ્યું છે.
નબળી આર્થિક સ્થિતિ વચ્ચે કરોડોની ઑફર છતાં સચિન તેન્ડુલકરે દારૂ-ગુટકા માટે જાહેરાત કરવાનો એમ કહીને ઇનકાર કરી દીધો છે કે કરોડો મળતા હશે તોય યુવાનોને ગુમરાહ કરતી વસ્તુઓની જાહેરાત નહીં કરવાનું મેં મારા પિતાજીને વચન આપ્યું છે.
અરે, નાની વયમાં તો સ્કૂલના પાઠ્યપુસ્તકમાં આવેલી એક કથા સ્કૂલના સર અમને કહેતા હતા કે વાઘને રસ્તામાં મળેલી ગાયે વચન આપ્યું હતું કે મારા બચ્ચાને સ્તનપાન કરાવીને હું તરત જ તારી પાસે પાછી આવું છું. ગાયના આ વચન પર વિશ્વાસ મૂકીને વાઘે ગાયને જવા દીધી અને ગાયે વાઘને આપેલા વચનનું પાલન પણ કર્યું અને પછી વાઘનું પેટ ભરવા એ પાછી પણ આવી.
મહાભારતના યુદ્ધના મેદાનમાં અર્જુને શ્રીકૃષ્ણને વચન આપ્યું હતું કે ‘કરિષ્યે વચનં તવ’ અર્થાત્ આપ જે પણ આજ્ઞા કરશો એનું હું પાલન કરીશ અને અર્જુને એ વચન બરાબર નિભાવ્યું અને યુદ્ધમાં વિજેતા બનીને જ રહ્યો.

ભલે પરિસ્થિતિ વિષમ સર્જાઈ, પણ દશરથે કૈકેયીને ‘તારે જે માગવું હોય એ તું માગી લે’ કહી દીધું. દશરથને અંદેશો હતો જ કે કૈકેયી શું માગી શકે છે અને કૈકેયીએ એ જ માગ્યું, પણ દશરથે વર્ષો પૂર્વે આપેલું વચન પાળીને જ બતાવ્યું હતુંને!



આ લોકોક્તિ સાંભળી તો છે જને?


વા ફરે, વાદળ ફરે
ફરે નદીનાં પૂર
શૂરા બોલ્યા ના ફરે
ભલે પશ્ચિમ ઊગે સૂર
પવન પોતાની ફૂંકાવાની દિશા અચાનક બદલી દે એ બને, વાદળ પોતાને વરસી જવાનું ક્ષેત્ર અચાનક બદલી દે એય બને, નદીનાં પૂર પોતાની વહેવાની દિશા ગમે ત્યારે બદલી દે એય બને અને સૂર્ય પોતાની ઊગવાની દિશા બદલીને પશ્ચિમ કરી નાખે એવુંય બને; પણ પરાક્રમી એ જ જે પોતે આપેલા વચનને તો પ્રાણાન્તે પણ વળગીને જ રહે.

-  જૈનાચાર્ય વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મ. સા.
(વાસ્તવદર્શી વિચારધારા થકી જીવનપરિવર્તનનું નિમિત્ત બનતા જૈન ગુરુવરને ભારત સરકારે પદ્‍મભૂષણ ખિતાબથી સન્માનિત કર્યા છે)


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2026 08:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK