વાત ચાલી રહી છે નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગની. સ્ટેડિયમ પર સ્ટ્રેઇટ વ્યુની દૃષ્ટિએ નૉર્થ સ્ટૅન્ડ એ મોકાની જગ્યા મનાય છે. ૨૦૦૯માં આ જગ્યાએ બેસીને નિયમિત ક્રિકેટની મજા માણતા લોકોનું એક ગ્રુપ બન્યું જે ‘નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગ’ તરીકે ઓળખાય છે હવે. ધીમે-ધીમે ક્રિકેટપ્રેમીઓ એમાં જોડાયા છે. આજે ૧૫૦થીયે વધુ ક્રિકેટલવર્સ એનો હિસ્સો છે અને પોતાના યુનિક સ્લોગન દ્વારા ખેલાડીઓથી લઈને સ્ટેડિયમમાં બેસેલા ઑડિયન્સમાં ઉત્સાહનું વાવાઝોડું લાવતા આ ખાસ ગ્રુપની ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેન્ડુલકર સહિત અનેક ક્રિકેટરો તારીફ કરી ચૂક્યા છે. ગોલ્ડન જ્યુબિલી મનાવી રહેલા મુંબઈના વાનખેડે સ્ટેડિયમ સાથે સંકળાયેલા આ ગ્રુપના કેટલાક ગુજરાતીઓ સાથે ગુફ્તગો કરીએ અને જાણીએ તેમના યાદગાર અનુભવો
‘સચિન.... સચિન...’, ‘ક્રિકેટ કા બૉસ કૌન? કોહલી... કોહલી...’, ‘ચૌકા લગા, ચૌકા લગા... હુ... હા... હુ... હા...’, ‘જીતેગા ભાઈ જીતેગા... ઇન્ડિયા જીતેગા’ જેવાં અઢળક સ્લોગન સાથે વાનખેડે સ્ટેડિયમને જીવંત બનાવવાનું કામ કરતા નૉર્થ સ્ટૅન્ડ ગૅન્ગના સભ્યો હવે ક્રિકેટની દુનિયામાં નોંધનીય સ્થાન પામી ચૂક્યા છે. અત્યારે વાનખેડે સ્ટેડિયમની પચાસમી વર્ષગાંઠની ઉજવણી થઈ રહી છે ત્યારે આ ગ્રુપના સભ્યોએ ભારતીય ક્રિકેટ ટીમને જિતાડવા માટે મોટિવેશનલ માહોલ ઊભો કરવા માટેનું યોગદાન આપ્યું છે અને ઓવરઑલ ક્રિકેટના શ્રેષ્ઠ પર્ફોર્મન્સને બિરદાવવા સ્ટેડિયમમાં ઑડિયન્સ તરીકે પણ જે કાબિલેદાદ કામ કર્યું છે એના યાદગાર કિસ્સાઓ વિશે આપણે વાત કરવાના છીએ. આ ગૅન્ગના સર્જનથી લઈને એમાં સામેલ ગુજરાતીઓની એવી ગાથાઓ આપણે જાણીશું જે ક્રિકેટપ્રેમી હોય કે ન હોય, પણ શરીરમાં રોમાંચની લહેર જન્માવી દેશે.
19 January, 2025 02:00 IST | Mumbai | Ruchita Shah