Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રામ, જેમણે ક્યારેય કોઈ સાથે ખોટું નથી કર્યું તે સીતા સાથે આવું કઈ રીતે કરી શકે?

રામ, જેમણે ક્યારેય કોઈ સાથે ખોટું નથી કર્યું તે સીતા સાથે આવું કઈ રીતે કરી શકે?

Published : 26 October, 2026 05:37 PM | Modified : 31 October, 2026 11:47 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

‘મારા રામ, તમે સીતાજીની તોલે ન આવો’ આ ગીત રામને તેમના આદર્શવાદ માટે પ્રેમ કરતા તેમના અઢળક ભક્તોની તેમના પ્રત્યેની નારાજગી છે. રામના મનમાં શું હોય એ તો રામને ખબર, પણ રામે સીતા સાથે આવું કેમ કર્યું એની એક શક્યતા પર વિચાર કરી જોઈએ

રામ સીતા

PoV

રામ સીતા


રામાયણ એક એવી કથા છે જેનો અનુભવ ઉંમર પ્રમાણે બદલાતો જાય છે. મને યાદ છે કે ૧૫-૧૬ વર્ષે એક ડિબેટ કૉમ્પિટિશનમાં મેં આક્રોશ સાથે કહ્યું હતું કે એક વ્યક્તિ જે પોતાની પત્નીના પ્રેમ અને ત્યાગ પર શંકા કરે, તેની અગ્નિપરીક્ષા લે અને તે ગભર્વતી હોય ત્યારે તેને કહ્યા વગર વનમાં તરછોડી દે તે વ્યક્તિ ભગવાન કઈ રીતે હોય? સ્કૂલમાં મેં એક વાર એકપાત્રીય અભિનયમાં સીતાનો રોલ કરેલો. રામે જ્યારે સીતાને વનમાં મોકલી દીધાં ત્યારે તેમના દુઃખનું વર્ણન કરતો એ સીન હતો, જેમાં મને પ્રાઇઝ એટલે મળેલું કારણ કે હું સ્ટેજ પર સાચે રડી પડેલી. બધા કહે છે કે રાવણ અતિ જ્ઞાની હતો, પણ તેણે જીવનમાં એક જ ખોટું કામ કરેલું જેની સજા તેને મળી. તો હું કહેતી કે રામ પણ ઘણા ગુણવાન છે, પરંતુ તેમણે જીવનમાં સૌથી મોટો અન્યાય તેમની નિર્દોષ પત્નીને કર્યો. બસ, આ એક જ ભૂલ ગણો તો પણ એની સજા શું? 
યુવાન અવસ્થામાં મને મનમાં જે આક્રોશ હતો એ ઉંમર સાથે ઓછો થતો ગયો. રામે ખોટું કર્યું એ માન્યતા તો ત્યાં જ હતી, પણ એ માન્યતા માટેની કડવાશ ઓછી થઈ. જરૂરી લાગ્યું એટલે મેં મારી દીકરીને રામાયણ વંચાવડાવી અને દેખાડી પણ. છે તો તે મારી દીકરી જ. એટલે તેણે પણ આ જ પ્રશ્નો મારી સામે ઉઠાવ્યા કે રામ સીતા સાથે આવું કેવી રીતે કરી શકે? તેના પ્રશ્નમાં ઊઠેલા ગુસ્સાને શાંત કરતાં મેં કહ્યું હતું કે હું પણ માનું છું કે રામે આવું નહોતું કરવાનું, પણ રામની આ ભૂલ પર તું મારી જેમ અટકી જા મા. રામમાં બીજું ઘણું બધું છે એ પણ તું જોઈશ તો કદાચ તને તારા જવાબ મળી જશે. તેણે પૂછ્યું કે મમ્મી, તને આ જવાબ મળ્યો? તો મેં તેને કહ્યું હતું, ના. જોકે થોડા દિવસ પહેલાં મને આ પ્રશ્નનો એક જુદો જવાબ મળ્યો છે, જેના પર વિચાર કરી શકાય એટલે આ લેખ લખું છું. 
હાલમાં સિરિયલ ‘અનુપમા’ના જૂના એપિસોડ જોતા હતા ત્યારે એક સીનમાં અનુપમાનો પતિ વનરાજ અનુપમાને પૂછે છે કે આટલાં વર્ષોના લગ્નજીવનમાં તેં મારા માટે કર્યું છે જ શું? અનુપમાએ જીવનભર આપેલાં અઢળક બલિદાનો, તેના પ્રેમ અને ત્યાગ પર તેના પતિ દ્વારા પડતો એક ધારદાર તમાચા જેવો પ્રશ્ન સિરિયલમાં ગંભીર હતો; પણ અમે મજાના મૂડમાં હતા એટલે મારા પતિ વિવેકે મને વનરાજની સ્ટાઇલમાં પૂછ્યું કે જિગીષા, આ ૧૮ વર્ષના લગ્નજીવનમાં તેં કર્યું છે શું મારા માટે? આ પ્રશ્ને એક સેકન્ડમાં ૧૮ વર્ષના અગણિત કિસ્સાઓ સુપરસોનિક સ્પીડમાં રિવાઇન્ડ કરી દીધા અને ઇમોશનલ થઈને મોઢામાંથી ફક્ત એટલું જ નીકળી શક્યું કે મેં શું કર્યું છે એ મને જ ખબર છે, એ મારાથી કહી ન શકાય. જોકે હું અનુપમાના ઝોનમાં હતી એટલે મેં સામે પૂછ્યું કે તું કહે કે તેં મારા માટે શું કર્યું? તો તેણે પણ ગંભીરતાથી આ જ જવાબ આપ્યો કે મેં શું કર્યું છે એ મને જ ખબર છે, એ મારાથી કહી ન શકાય અને અમે બન્ને હસી પડ્યાં. આટલાં વર્ષોના અનુભવે મને એ સમજાવ્યું છે કે લગ્નમાં અમુક સમર્પણ દેખીતાં હોય છે અને અમુક સમર્પણ દેખાતાં નથી, પણ એમ છતાં એ સમર્પણ તો છે જ. સીતાનું સમર્પણ દેખીતું છે, પણ રામનાં સમર્પણ બને કે કદાચ આપણે જાણતા નથી. 
હાલમાં ઍક્ટર આશુતોષ રાણા જે ખુદ ઘણા જ્ઞાની છે તેમને એક ઇન્ટરવ્યુમાં આ સવાલ પૂછવામાં આવેલો કે રામે સીતા સાથે આવું કેમ કર્યું? ત્યારે તેમણે ખુદનો એક દૃષ્ટિકોણ કહ્યો, જેના પર આજે આપણે વિચાર માંડીએ. તમે જો રામના પાત્રને ધ્યાનથી જોશો તો તેઓ દરેક સંબંધમાં આદર્શ છે. તે એક આદર્શ દીકરો છે જે પિતાના એક વચન ખાતર ૧૪ વર્ષના વનવાસ પર નીકળી જાય છે. તે એક આદર્શ ભાઈ છે જે પોતાના ભાઈ માટે ગાદીનો ત્યાગ કરવા તૈયાર છે. તે આદર્શ મિત્ર છે જે સુગ્રીવને તેના ભાઈના આતંકથી બચાવે છે. તેઓ એક આદર્શ રાજા છે જેમના આદર્શ રાજ્યને રામરાજ્ય કહેવાય છે જેની કલ્પના પણ આજે મુશ્કેલ છે. જેમણે સપનામાં પણ કોઈ વ્યક્તિ સાથે ખોટું નથી કર્યું તે તેમની પ્રાણપ્રિયા સાથે કઈ રીતે ખોટું કરી શકે? જેના સ્વમાન માટે તેઓ લંકાપતિ સામે લડ્યા તેને એક ધોબીના કહેવાથી ત્યજી કેવી રીતે શકે? આવી વ્યક્તિ જે એક શબરીની લાગણીને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખવા એંઠાં બોર હોંશેથી ખાતી હોય તો તે સીતાને આટલી રોવડાવી ન શકે. જે વ્યક્તિ અહિલ્યાને પથ્થરમાંથી જીવિત કરીને શ્રાપમુક્ત કરી શકતી હોય તે પોતાની પત્નીનું જીવન પથ્થર જેવું કઠોર ન કરી શકે. રામના મનમાં શું હોય એ તો રામને ખબર, પરંતુ જો રામકથાને ફક્ત વાર્તા ગણીએ તો લેખક તરીકે એમ કહી શકાય કે રામ તે પાત્ર જ નથી કે કશું કોઈની પણ સાથે ખોટું કરી શકે. 
તો પછી શું થયું હશે? એનો જવાબ આશુતોષ આપે છે કે રામને એ સમજાઈ ગયું હતું કે જે સમાજ સીતા પર અગ્નિપરીક્ષા પછી પણ આંગળી ચીંધી રહ્યો હતો, તેની પવિત્રતા પર પ્રશ્નાર્થ કરી રહ્યો હતો એ સમાજ તેને અયોધ્યામાં શાંતિથી જીવવા નહીં દે. પ્રજાને જ્યારે જાણ થશે કે સીતા ગર્ભવતી છે તો તેના બાળક સામે પણ તે આંગળી ચીંધશે અને સીતા એ સહન નહીં કરી શકે એટલે રામે આ બધી જ આંગળીઓ પોતાના તરફ લઈ લીધી. આશુતોષ કહે છે કે આ રીતે તેમણે સીતાને પ્રોટેક્ટ કરી. જો રામને સીતા પર શંકા હોત તો તે બીજાં લગ્ન કરી શક્યા હોત. તે જીવનભર સીતાને પ્રેમ કરતા રહ્યા. કોઈ પતિ પત્નીને પ્રોટેક્ટ કરવા માટે આવું કરી શકે? કદાચ... એક રાજા જે સમાજના મોઢે તાળાં મારી શકવા અસમર્થ હતો, પણ એક પ્રેમાળ પતિ હતો અને પોતાની લાગણીશીલ પત્નીને પ્રોટેક્ટ કરવા ઇચ્છતો હતો તે આ કરી શકે છે. 
આ વાત પર પણ દલીલ કરવા માટે ઘણી વાતો છે. આ રીતે પણ તેમણે ખોટું જ કર્યું છે, પણ આ વાત ગળે ઊતરી શકે એવી છે. રામ જેને આપણે રામાયણ થકી ઓળખીએ છીએ, તે રામ આવું કરી શકે કદાચ એમ લાગે છે. આ સંભાવના પર વધુ વિચાર કરી શકાય. મને લાગે છે કે આ રીતે સીતાને તો નહીં પણ રામના પાત્રને ન્યાય આપી શકાય. જ્યારે રામ મંદિર જઈશ ત્યારે વિચાર્યું હતું કે પૂછીશ રામને કે તમે સીતા માટે કર્યું છે જ શું? બને કે રામ કહે કે મેં શું કર્યું છે એ તો હું જ જાણું છું, એ મારાથી કહી નહીં શકાય.


Whatsapp-channel Whatsapp-channel

31 October, 2026 11:47 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK