નાગપુરમાં ઇંગ્લૅન્ડના ૨૪૯ રનના ટાર્ગેટને ૩૮.૪ ઓવરમાં ૬ વિકેટે ચેઝ કરી લીધો ભારતે, ચાર વિકેટે જીત મેળવીને ત્રણ મૅચની સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી
ભારતની ગઈ કાલની જીતના આધારસ્તંભ શુભમન ગિલે હાફ સેન્ચુરી પૂરી કર્યા પછી પ્રેક્ષકોનું અભિવાદન ઝીલ્યું હતું.
શ્રેયસ ઐયર સાથે ૯૪ રન અને અક્ષર પટેલ સાથે ૧૦૮ રનની પાર્ટનરશિપ કરનાર વાઇસ કૅપ્ટન શુભમન ગિલ સેન્ચુરી ચૂકી ગયો, ૮૭ રન બનાવીને બન્યો પ્લેયર ઑફ ધ મૅચ : રવીન્દ્ર જાડેજા અને હર્ષિત રાણાએ ઝડપી ૩-૩ વિકેટ : શમી-અક્ષર-કુલદીપને મળી એક-એક સફળતા
૨૦૨૩ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ મૅચ બાદ ઘરઆંગણે ૪૪૪ દિવસ બાદ વન-ડે મૅચ રમવા ઊતરેલી ભારતીય ટીમે ઇંગ્લૅન્ડ સામે ચાર વિકેટે જીત મેળવી છે. નાગપુરમાં વિજયી શરૂઆત કરીને રોહિત ઍન્ડ કંપનીએ ત્રણ મૅચની વન-ડે સિરીઝમાં ૧-૦થી લીડ મેળવી છે. ટૉસ જીતીને બૅટિંગ કરવા ઊતરેલી ઇંગ્લૅન્ડની ટીમ ૪૭.૪ ઓવરમાં ૨૪૮ રન કરી ઑલઆઉટ થઈ હતી. સાધારણ શરૂઆત બાદ ભારતીય ટીમે ૩૮.૪ ઓવરમાં ૬ વિકેટના નુકસાન સાથે ૨૫૧ રન ફટકારી ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો. અંગ્રેજો સામે ભારતીય ટીમે વન-ડે ફૉર્મેટમાં ઓવરઑલ અને ઘરઆંગણે પણ સળંગ ત્રીજી વન-ડે મૅચ જીતી છે.
ADVERTISEMENT
ઇંગ્લૅન્ડના કૅપ્ટન જોસ બટલર (૫૨ રન) અને જેકબ બેથેલ (૫૧ રન)એ ફિફ્ટી ફટકારી હતી. ઓપનર ફિલ સૉલ્ટ (૪૩ રન) અને બેન ડકેટ (૩૨ રન)એ પણ ઉપયોગી ઇનિંગ્સ રમી હતી, પરંતુ મહેમાન ટીમ નિયમિત અંતરે વિકેટ ગુમાવતી રહી હોવાથી મોટો સ્કોર બનાવવામાં નિષ્ફળ રહી હતી. ભારતીય સ્પિનર રવીન્દ્ર જાડેજા (૨૬ રનમાં ત્રણ વિકેટ) અને ફાસ્ટ બોલર હર્ષિત રાણા (૫૩ રનમાં ત્રણ વિકેટ)એ ભારત માટે સૌથી વધુ વિકેટ ઝડપી હતી. ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, સ્પિનર અક્ષર પટેલ અને કુલદીપ યાદવને એક-એક સફળતા મળી હતી. ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યાની ઓવરમાં ફિલ સૉલ્ટના રનઆઉટને કારણે ઇંગ્લૅન્ડની ૭૫ રનની ઓપનિંગ પાર્ટનરશિપ તૂટી હતી.
ટાર્ગેટ ચેઝ કરવા ઊતરેલી ભારતીય ટીમે ૫.૨ ઓવરમાં ૧૯ રન પર બે ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલ (બાવીસ બૉલમાં ૧૫ રન) અને રોહિત શર્મા (૭ બૉલમાં બે રન)ની વિકેટ ગુમાવી હતી. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે પોતાની ૧૪મી અને અંગ્રેજો સામેની પહેલી વન-ડે ફિફ્ટી ફટકારી ભારતીય ટીમને જીત અપાવી હતી. તેણે શ્રેયસ ઐયર (૩૬ બૉલમાં ૫૯ રન) સાથે ચોથી વિકેટ માટે ૬૪ બૉલમાં ૯૪ રન અને અક્ષર પટેલ (૪૭ બૉલમાં બાવન રન) સાથે પાંચમી વિકેટ માટે ૧૦૭ બૉલમાં ૧૦૮ રનની પાર્ટનરશિપ કરી હતી. ઇંગ્લૅન્ડના મીડિયમ ફાસ્ટ બોલર સાકિબ મહમૂદ અને સ્પિનર આદિલ રાશિદને સૌથી વધુ બે-બે વિકેટ મળી છે. ૯૦.૬૨ના સ્ટ્રાઇક-રેટથી ૯૬ બૉલમાં ૧૪ ચોગ્ગાની મદદથી ૮૭ રન કરનાર શુભમન ગિલ પ્લેયર ઑફ ધ મૅચ બન્યો છે.
600
આટલી ઇન્ટરનૅશનલ વિકેટ લેનાર ભારતનો પાંચમો બોલર બન્યો રવીન્દ્ર જાડેજા
21 વર્ષ 106 દિવસ
આટલી ઉંમરે ભારતમાં વન-ડે ફિફ્ટી ફટકારનાર યંગેસ્ટ અંગ્રેજ પ્લેયર બન્યો જેકબ બેથેલ

