Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિદેશી ટેસ્ટ-મૅચમાં ભારતીય ટીમે પોતાનો હાઇએસ્ટ સ્કોર કર્યો

વિદેશી ટેસ્ટ-મૅચમાં ભારતીય ટીમે પોતાનો હાઇએસ્ટ સ્કોર કર્યો

Published : 23 November, 2026 02:39 PM | IST | Wellington
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વેલિંગ્ટન ટેસ્ટ-મૅચમાં ભારતે ૭૨૦-૯ના સ્કોર પર પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી, ચોથા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૧૧૯-૨નો સ્કોર કરનાર ન્યુ ઝીલૅન્ડન હજી ૨૩૩ રન પાછળ, ટેસ્ટ-ક્રિકેટમાં પહેલી ૭ વિકેટ માટે ૫૦-૫૦ રનની ભાગીદારી કરનારી પહેલી ટીમ બની ભારત

બીજી ઇનિંગ્સમાં પણ ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન અને ઓપનર ટોમ લૅધમને ઝીરો રન પર આઉટ કર્યા બાદ બુમરાહ સાથે સેલિબ્રેશન કરતી ભારતીય ટીમ.

બીજી ઇનિંગ્સમાં પણ ન્યુ ઝીલૅન્ડના કૅપ્ટન અને ઓપનર ટોમ લૅધમને ઝીરો રન પર આઉટ કર્યા બાદ બુમરાહ સાથે સેલિબ્રેશન કરતી ભારતીય ટીમ.


ન્યુ ઝીલૅન્ડ સામેની વેલિંગ્ટન ટેસ્ટ-મૅચના ચોથા દિવસે ભારતીય ટીમે પોતાની સ્થિતિ મજબૂત કરી હતી. ભારતીય ટીમે ૭૦ ફોર અને ૧૪ સિક્સની મદદથી ૧૬૬ ઓવરમાં ૭૨૦-૯ના સ્કોર સાથે પહેલી ઇનિંગ્સ ડિક્લેર કરી હતી. આ સમયે ભારત પાસે ૩૫૨ રનની લીડ હતી. પહેલી ઇનિંગ્સમાં ૩૬૮-૧૦નો સ્કોર કરનાર ન્યુ ઝીલૅન્ડે ચોથા દિવસના અંતે બીજી ઇનિંગ્સમાં ૪૫ ઓવરની રમત રમીને ૧૧૯-૨નો સ્કોર કર્યો હતો. આજે પાંચમા અને અંતિમ દિવસની રમતમાં ભારતીય ટીમ ૨૩૩ રનની લીડ સાથે રમવા ઊતરશે.

પાંચમી વખત ૭૦૦ પ્લસ રન કરનાર ભારતીય ટીમનો વિદેશી ટેસ્ટ-મૅચમાં આ હાઇએસ્ટ ટેસ્ટ-ઇનિંગ્સ સ્કોર છે. અગાઉ ૨૦૧૦માં ભારતે કોલંબોમાં શ્રીલંકા સામે ૭૦૭-૧૦નો સ્કોર કર્યો હતો. ન્યુ ઝીલૅન્ડમાં અને કિવી ટીમ સામે કોઈ પણ ટીમનો આ હાઇએસ્ટ સ્કોર પણ બન્યો છે. અગાઉ ૧૯૯૫માં વેસ્ટ ઇન્ડીઝે આ જ વેન્યુ પર ૬૬૦-૫નો સ્કોર કર્યો હતો. ૨૦૧૯માં ન્યુ ઝીલૅન્ડની ટીમે પોતાના દેશમાં હૅમિલ્ટનમાં બંગલાદેશ સામે ૭૧૫-૬નો સ્કોર કર્યો હતો. ભારતીય ટીમે અગાઉ કિવીઓ સામે ૧૯૯૯માં અમદાવાદ ટેસ્ટ-મૅચમાં ૫૮૩-૭નો હાઇએસ્ટ સ્કોર કર્યો હતો.



ટેસ્ટ-ક્રિકેટમાં સૌથી વધુ ૭૦૦ રન કરનાર ટીમો

શ્રીલંકા

૭ વખત

ભારત

૫ વખત

ઇંગ્લૅન્ડ

૪ વખત

ઑસ્ટ્રેલિયા

૪ વખત

વેસ્ટ ઇન્ડીઝ

વખત

પાકિસ્તાન

૨ વખત

ન્યુ ઝીલૅન્ડ

૧ વખત


ભારતીય ટીમે ચોથા દિવસે

૪૮૬-૪ના સ્કોરથી પહેલી ઇનિંગ્સને આગળ વધારી હતી. ૧૦ ફોર, ૬ સિક્સની મદદથી રિષભ પંતે ૧૫૩ બૉલમાં ૧૨૮ રનનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. ત્રીજા દિવસે નાઇટ વૉચમૅન તરીકે આવેલા અંશુલ કમ્બોજે ૪૨ બૉલમાં ૩૮ રન કર્યા હતા. ધ્રુવ જુરેલે ૭ ફોર, ૧ સિક્સના સહારે ૭૯ બૉલમાં ૭૮ રન કરીને ભારતનો સ્કોર ૭૦૦ રનને પાર પહોંચાડ્યો હતો.


કિવી ટીમ માટે સ્પિનર ગ્લેન ફિલિપ્સે ૨૪ ઓવરમાં ૧૫૪ રન આપીને ૩ વિકેટ લીધી હતી. સ્પિનર રચિન રવીન્દ્રએ ૧૦ ઓવરમાં ૪૪ રન આપીને બે વિકેટ લીધી હતી. મૅટ હૅન્રી સહિતના ૪ ફાસ્ટ બોલર્સને ૧-૧ વિકેટ મળી હતી.

પહેલી ઇનિંગ્સનો શતકવીર હેન્રી નિકોલ્સ બીજી ઇનિંગ્સમાં ૫૯ બૉલમાં ૩૧ રન જ કરી શક્યો હતો. ડેવોન કૉન્વે ૧૩૭ બૉલમાં ૫૯ રન અને રચિન રવીન્દ્ર ૭૨ બૉલમાં ૨૭ રન કરીને અણનમ રહ્યા હતા. ભારત માટે જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧-૧ વિકેટ લીધી હતી.

ટેસ્ટ-ક્રિકેટમાં ભારતીય ટીમનો હાઇએસ્ટ ઇનિંગ્સ સ્કોર

૨૦૧૬માં ચેન્નઈમાં ઇંગ્લૅન્ડ સામે ૭૫૯-૭

૨૦૦૯માં મુંબઈમાં શ્રીલંકા સામે ૭૨૬-૯

૨૦૨૬માં વેલિંગ્ટનમાં ન્યુ ઝીલૅન્ડ સામે ૭૨૦-૯

૨૦૧૦માં કોલંબોમાં શ્રીલંકા સામે ૭૦૭-૧૦

૨૦૦૪માં સિડનીમાં ઑસ્ટ્રેલિયા સામે ૭૦૫-૭

ભારતના ટૉપ ફાઇવ બૅટર્સે ૮૦ રનની રેકૉર્ડ ઇનિંગ્સ રમી

ભારતીય ટીમના ટૉપ ફાઇવ બૅટર્સે એક ટેસ્ટ-ઇનિંગ્સમાં પહેલી વખત ૮૦ પ્લસ રનની ઇનિંગ્સ રમી છે. ટેસ્ટ-ક્રિકેટમાં પહેલી વખત આવી કમાલ ૨૦૧૪માં ન્યુ ઝીલૅન્ડ સામે પાકિસ્તાનના ટૉપ ફાઇવ બૅટર્સે કરી હતી. ભારત માટે યશસ્વી જાયસ્વાલે ૮૫ રન, કે.એલ.રાહુલે ૧૩૬ રન, દેવદત્ત પડિક્કલે ૮૦ રન, શુભમન ગિલે ૯૮ રન અને રિષભ પંતે ૧૨૮ રન કર્યા હતા.

સાતમા ક્રમે રમીને ૭૮ રન કરનાર ધ્રુવ જુરેલને કારણે ટેસ્ટ-ક્રિકેટમાં પહેલી વખત એક ઇનિંગ્સમાં એક ટીમના ૬ બૅટર્સના ૭૦ પ્લસ રનના સ્કોરનો રેકૉર્ડ ભારતના નામે થયો.

ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં પહેલી વખત એક ટેસ્ટ-ઇનિંગ્સમાં પહેલી ૭ વિકેટ માટે ૫૦-૫૦ રનની ભાગીદારી થઈ છે. અગાઉ પહેલી પાંચ વિકેટ માટે ૪ વખત અને પહેલી ૬ વિકેટ માટે ૩ વખત  ૫૦-૫૦ રનની ભાગીદારી થઈ હતી.

ભારતીય ટીમે પહેલી ઇનિંગ્સ માટે ૧૩૦ રન, બીજી વિકેટ માટે ૧૬૫ રન, ત્રીજી વિકેટ માટે ૯૧ રન, ચોથી વિકેટ માટે ૧૦૦ રન, પાંચમી વિકેટ માટે ૬૮ રન, છઠ્ઠી વિકેટ માટે ૭૫ રન અને સાતમી વિકેટ માટે ૫૪ રનની ભાગીદારી કરી હતી.

જસપ્રીત બુમરાહે ટેસ્ટ-મૅચની બન્ને ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં વિકેટ લેવાની કમાલ કરી

ભારતના મુખ્ય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે વેલિંગ્ટન ટેસ્ટ-મૅચની બન્ને ઇનિંગ્સમાં પહેલી જ ઓવરમાં વિકેટ લીધી હતી. જસપ્રીત બુમરાહે બન્ને ઇનિંગ્સમાં બે-બે બૉલ રમનાર કૅપ્ટન ટૉમ લૅધમને અનુક્રમે બોલ્ડ અને કૅચઆઉટ કર્યો હતો.

જસપ્રીત બુમરાહ આવી કમાલ કરનાર ભારતનો ત્રીજો બોલર બન્યો છે. અગાઉ ૨૦૦૬માં વેસ્ટ ઇન્ડીઝ સામે એસ. શ્રીસન્ત અને ૨૦૦૭માં ઝહીર ખાન ટેસ્ટ-મૅચની બન્ને ઇનિંગ્સમાં પહેલી ઓવરમાં વિકેટ લઈ ચૂક્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

23 November, 2026 02:39 PM IST | Wellington | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK