ધુરંધરના ડિરેક્ટર આદિત્ય ધરે ૨૦ વર્ષની આકરી મહેનત પછી મળેલી સફળતાનું શ્રેય પત્નીને આપ્યું
આદિત્ય ધર અને તેની પત્ની યામી ગૌતમ
‘ધુરંધર’ અને ‘ધુરંધર : ધ રિવેન્જ’ની જબરદસ્ત સફળતા પછી ચર્ચામાં આવી ગયેલા ડિરેક્ટર આદિત્ય ધર અને પત્ની યામી ગૌતમ વચ્ચે બહુ સારો તાલમેલ છે. બન્ને એકબીજાનાં કામ અને મહેનતની ખુલ્લેઆમ પ્રશંસા કરે છે. હાલમાં આદિત્યએ જાહેરમાં પોતાની સફળતા પાછળ યામીના સાથને મહત્ત્વપૂર્ણ ગણાવ્યો હતો અને તેને પોતાની ‘લેડી-લક’ ગણાવી હતી.
પોતાની સફળતા વિશે વાત કરતાં આદિત્ય ધરે કહ્યું હતું કે ‘લોકોને ભલે એમ લાગતું હોય કે આ સફળતા રાતોરાત મળી છે, પણ આ મુકામ સુધી પહોંચવામાં મને લગભગ ૨૦ વર્ષ લાગ્યાં છે. કોઈ પણ સફળતા પાછળ લાંબા સમયનો સંઘર્ષ, ધીરજ અને સતત મહેનત છુપાયેલી હોય છે. જોકે યામી જ્યારથી જીવનમાં આવી ત્યારથી મારી કિસ્મત બદલાઈ ગઈ છે. તે મારી ‘લેડી-લક’ છે અને તેની હાજરીથી મને ભારતીય વાર્તાઓને દુનિયા સમક્ષ રજૂ કરવાની પ્રેરણા અને તાકાત મળે છે. યામીનું દિલ સોનાનું છે અને દર્શકોએ હજુ સુધી યામીની પ્રતિભાનો ૫૦ ટકા હિસ્સો પણ જોયો નથી. હું યામીના આગામી પ્રોજેક્ટ્સને લઈને ઉત્સાહિત છું અને મને વિશ્વાસ છે કે તેની અંદર હજુ ઘણું એવું છે જે દર્શકો સમક્ષ આવવાનું બાકી છે.’
