ફૉરેસ્ટ બેધિંગ માટે શ્રેષ્ઠ સ્થળ ગણાતા કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટથી વનવિભાગ દ્વારા પાંચ કિલોમીટરની સફારી શરૂ થઈ છે.
કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ, જંગલ સફારીની સહેલ
ફૉરેસ્ટ બેધિંગ માટે શ્રેષ્ઠ સ્થળ ગણાતા કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટથી વનવિભાગ દ્વારા પાંચ કિલોમીટરની સફારી શરૂ થઈ છે. ઊડતી ખિસકોલીઓ અને અન્ય વન્ય પશુપંખીઓના સહવાસમાં જંગલનના રોમાંચની સાથે મળશે માનસિક શાંતિ
ગાઢ જંગલ, પંખીઓનો કલરવ, ચોતરફ નીરવ શાંતિ વચ્ચે શુદ્ધ અને તાજી હવા શ્વાસમાં ભરતાં-ભરતાં આગળ વધતા હોઈએ. ક્યાંક દીપડો કે ઝરખ કે પછી જાતભાતનાં પક્ષીઓ કદાચ જોવા મળી જાય અને એમાં પણ જો ઊડતી ખિસકોલી! હા, ઊડતી ખિસકોલી પણ જો લક બાય ચાન્સ જોવા મળી જાય તો કેવી મજા પડી જાય અને કેવો રોમાંચ થઈ આવે. ગુજરાતના સુરત જિલ્લામાં આવેલું રિચ ફૉરેસ્ટ એક્સપ્લોર કરી શકાય એ માટે વનવિભાગે દક્ષિણ ગુજરાતમાં પહેલી વાર કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ ખાતે જંગલ સફારી શરૂ કરી છે. સહેલાણીઓ આ જંગલ સફારીનો રોમાંચ માણી રહ્યા છે અને ઍડ્વેન્ચર સાથે અલગ જ એક્સ્પીરિયન્સ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ફૉરેસ્ટમાં જાઓ અને એની ફીલ લો
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં માંડવીથી ૧૫ કિલોમીટર અંતરે આવેલી કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ ગાઢ જંગલની વચ્ચે આવેલી એક રોમાંચક જગ્યા છે. અહીં વનવિભાગ દ્વારા સહેલાણીઓને રહેવા માટેની વ્યવસ્થા છે. ફૉરેસ્ટ બેધિંગ માટે આ શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે. આ સાઇટ પરથી જંગલ સફારીની શરૂઆત થઈ છે. આ મુદ્દે સુરત જિલ્લાના વનઅધિકારી ધીરજકુમાર ‘મિડ-ડે’ને કહે છે, ‘આ સ્થળે જંગલ સફારી શરૂ કરવા પાછળનો હેતુ એ છે કે ઘણા લોકોને ખ્યાલ નથી કે સુરત જિલ્લામાં ગાઢ જંગલ પણ છે. નેક્સ્ટ જનરેશનને આ ફૉરેસ્ટ વિશે સમજાવવું છે, જણાવવું છે કે અહીં કેટલી વૈવિધ્યતા છે. આખો વિસ્તાર નેટવર્ક લેસ છે એટલે અહીં આવતા લોકોને અહીં મેન્ટલ પીસ મળે છે. તમે ફૉરેસ્ટમાં જાઓ અને એની ફીલ લો એવા હેતુ સાથે જંગલ સફારી શરૂ કરી છે. સુરત જિલ્લામાં જંગલ વિસ્તાર લગભગ ૫૦,૦૦૦ હેક્ટરમાં ફેલાયેલો છે, પરંતુ અત્યારે એ આખો ભાગ ઓપન કર્યો નથી.’
પાંચ કિલોમીટરની જંગલ સફારી
સુરત જિલ્લાના માંડવી તાલુકામાં કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ ખાતે ૮ નવેમ્બરથી શરૂ કરાયેલી બે કલાકની જંગલ સફારી વિશે વાત કરતાં ધીરજકુમાર કહે છે, ‘આ જંગલ સફારીમાં કેવડી ઇકો-ટૂરિઝમની આસપાસના રિચ જંગલનો પાંચ કિલોમીટર એરિયા કવર થાય છે. હજી તો હમણાં જ જંગલ સફારી શરૂ કરી છે ત્યારે અત્યાર સુધીમાં ૭૦૦ જેટલા સહેલાણીઓએ એની સફર કરી છે. રોજની ૩ શિફ્ટમાં જંગલ સફારી થાય છે. સવારે ૭ વાગ્યે, એ પછી ૧૦ વાગ્યે અને બપોરે સાડાત્રણ વાગ્યે એમ ટાઇમ છે. ૮ સીટની ગાડી છે. એમાં બેસીને સહેલાણીઓ જંગલ સફારી કરી શકે છે. કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ પરથી એના માટે બુકિંગ થાય છે.’
ઊડતી ખિસકોલી સાથે પંખીઓ
ઊડતી ખિસકોલી. ગુજરાતમાં કેવડીના જંગલમાં ઊડતી ખિસકોલી જોવા મળે છે. કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટના જંગલમાં ઊડતી ખિસકોલીઓ છે. જો નસીબ હોય તો જંગલ સફારીની સફરમાં કદાચ આ ઊડતી ખિસકોલી જોવા મળી શકે છે. જંગલમાં જાતભાતનાં પ્રાણીઓ અને પંખીઓ પણ છે એની વાત કરતાં ધીરજકુમાર કહે છે, ‘આ જંગલમાં લેપર્ડ, હાયના, સ્પૉટેડ ડિયર જેવાં પ્રાણીઓ પણ જોવા મળે છે. ૫૦થી ૬૦ પ્રકારનાં પક્ષીઓ અહીં જોવા મળે છે. આ ઉપરાંત ઊડતી ખિસકોલી પણ જોવા મળી શકે છે. જોકે ઊડતી ખિસકોલી ભારતનાં જંગલોમાં બહુ ઓછી જોવા મળે છે.’
નેચરની નજીક જવાનો મોકો
નદી, દરિયો, જંગલો, પર્વતો ખૂંદવાનું સહેલાણીઓને ગમે છે. એમાં પણ જંગલમાં કુદરતના ખોળે જવું એ સહેલાણીઓની પહેલી પસંદ હોય છે ત્યારે દક્ષિણ ગુજરાતના જંગલ વિશે ગુજરાતના વન અને પર્યાવરણપ્રધાન અર્જુન મોઢવાડિયા ‘મિડ-ડે’ને કહે છે, ‘દક્ષિણ ગુજરાતનું જંગલ ખૂબ ડેન્સ ફૉરેસ્ટ છે. ઇકો-ટૂરિઝમમાં એ અનએક્સપ્લોર રહ્યું છે. એનું પૉટેન્શિયલ ખૂબ મોટું છે. ગયા વખતે અહીં આવ્યો ત્યારે સૂચના આપી હતી કે અહીં જંગલ સફારી શરૂ કરાવો. હવે એ શરૂ થઈ ચૂકી છે ત્યારે લોકોને ફરવા માટે વધુ એક જગ્યા મળશે, નેચરની નજીક જવાનો મોકો મળશે અને નેચર એજ્યુકેશનને પ્રમોશન મળશે. ’
ગીચ જંગલ અને પ્રકૃતિની ગોદમાં
કેવડી ઇકો-ટૂરિઝમ સાઇટ ફૉરેસ્ટ બેધિંગ માટે શ્રેષ્ઠ જગ્યા ગણવામાં આવે છે. ફૉરેસ્ટ બાધિંગ એટલે કે વૃક્ષોથી ગીચ જંગલના શાંત વાતાવરણમાં પ્રકૃતિની ગોદમાં રહીને સમય પસાર કરતાં-કરતાં ઓતપ્રોત થવા સાથે કુદરતનો અનુભવ કરવો. કુદરતના ખોળામાં આ અનુભવ કરવાનો લહાવો કંઈક અનેરો અને રોમાંચકારી બની રહે છે. પક્ષીઓનો મીઠો કલરવ થતો હોય એ સાંભળવો, પવનથી હાલતાં પાંદડાંઓને જોવાં કે પછી માનવસહજ રીતે વૃક્ષો કે માટીનો સ્પર્શ કરીને જંગલની તાજી હવાને શ્વાસમાં ભરતાં-ભરતાં કુદરતે છુટ્ટા હાથે વેરેલી હરિયાળીનો જાતઅનુભવ કરવાનો જે રોમાંચ થાય એ અલગ હોય છે. ગીચ જંગલમાં અવનવાં વૃક્ષો અને છોડવાની સાથે શુદ્ધ તાજી હવાની વચ્ચે શાંતિથી સમય વિતાવીને માનસિક રીતે જે શાંતિનો અહેસાસ થાય એ વ્યક્તિને રીચાર્જ કરી દે છે.
