દુબઈમાં ચૅમ્પિયન્સ ટ્રોફી 2025 જીતીને ભારતે ૧૨ વર્ષ લાંબી વન-ડે ટાઇટલના દુકાળનો અંત આણ્યો હતો. બે વન-ડે વર્લ્ડ કપ, બે T20 વર્લ્ડ કપ અને ત્રણ ચૅમ્પિયન્સ ટ્રોફી ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા (૭) ઑસ્ટ્રેલિયા (૧૦) બાદ સૌથી વધુ ICC ટાઇટલ જીતનાર ટીમ છે. રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે ઑલમોસ્ટ આઠ મહિનાની અંદર બે ICC ટાઇટલ (T20 વર્લ્ડ કપ ૨૦૨૪ અને ચૅમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫) જીત્યાં છે.
ભારતીય ટીમ સતત ICC ટાઇટલ જીતનારી ક્રિકેટ ઇતિહાસની ત્રીજી ટીમ પણ બની છે. ભારત પહેલાં આ દુર્લભ સિદ્ધિ વેસ્ટ ઇન્ડીઝ (૧૯૭૫ અને ૧૯૭૯ વર્લ્ડ કપ) અને ઑસ્ટ્રેલિયાએ જ મેળવી છે. ઑસ્ટ્રેલિયાએ બે વાર આ સિદ્ધિ મેળવી છે, ૨૦૦૬માં ચૅમ્પિયન્સ ટ્રોફી અને ૨૦૦૭માં વન-ડે વર્લ્ડ કપ જીત્યો હતો અને ત્યાર બાદ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ ૨૦૨૩ની ફાઇનલ અને ૨૦૨૩માં વન-ડે વર્લ્ડ કપ જીતીને આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું.
ભારતની આ ઐતિહાસિક જીત બાદ ૩૦ વર્ષના શ્રેયસ ઐયરથી લઈને ૭૫ વર્ષના સુનીલ ગાવસકર સુધી તમામ ભારતીય ઝૂમી ઊઠ્યા હતા. શ્રેયસ ઐયરે લોકપ્રિય સિરિયલ ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના ઐયર નામના પાત્રનો આઇકૉનિક ડાન્સ દુબઈમાં કર્યો હતો. ભારતીય ટીમે જ્યારે પોડિયમ પર જીતની ઉજવણી કરી ત્યારે સુનીલ ગાવસકર પણ નાના બાળકની જેમ દુબઈના મેદાન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. કૉમેન્ટેટર નવજોત સિંહ સિધુએ હેડ કોચ ગૌતમ ગંભીર અને ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથે ભાંગડા ડાન્સ પણ કર્યો હતો. ઉજવણી સમયે ભારતીય પ્લેયર્સનો દાંડિયા અને ગંગનમ સ્ટાઇલ ડાન્સ પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.
11 March, 2025 02:23 IST | Dubai | Gujarati Mid-day Correspondent