આ બન્નેની સેન્ચુરીની મદદથી કાંગારૂઓએ ફટકાર્યા ૪૦૫ રન, ૭ વિકેટ પડી
સેન્ચુરિયન સ્ટીવ સ્મિથ
બૉર્ડર-ગાવસકર ટ્રોફી (BGT)ની ત્રીજી મૅચ બ્રિસબેનના ગૅબા સ્ટેડિયમમાં રમાઈ રહી છે. પહેલા દિવસે વરસાદના વિઘ્ન બાદ બીજા દિવસે ઑસ્ટ્રેલિયન બૅટર્સે બૅટથી ધમાલ મચાવી હતી. ૧૩.૨ ઓવરમાં ૨૮/૦ના સ્કોરથી શરૂ થયેલી બીજા દિવસની રમતનો અંત ૧૦૧ ઓવરમાં ઑસ્ટ્રેલિયાના ૪૦૫/૭ના સ્કોરથી થયો હતો. આજે વિકેટકીપર-બૅટર ઍલેક્સ કૅરી (૪૫ રન) અને ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક (૭ રન) ઑસ્ટ્રેલિયાની ઇનિંગ્સ આગળ વધારશે. ઑસ્ટ્રેલિયાએ ગઈ કાલે સવારે ઉપરાઉપરી બે વિકેટ ગુમાવ્યા પછી ક્રીઝ પર આવેલા આઉટ ઑફ ફૉર્મ સ્ટીવ સ્મિથે માર્નસ લબુશેન સાથે મળીને બાજી સંભાળી હતી અને લબુશેન આઉટ થયા પછી ટ્રૅવિસ હેડ સાથે મળીને ૨૪૧ રનની ધરખમ પાર્ટનરશિપ કરી હતી. સ્મિથે ૧૯૦ બૉલમાં મહત્ત્વના ૧૦૧ રન કર્યા હતા, જ્યારે હેડે ૧૬૦ બૉલમાં ક્વિકફાયર ૧૫૨ રન કર્યા હતા.
ભારતીય ટીમ તરફથી ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ઑસ્ટ્રેલિયાના ઉસ્માન ખ્વાજા (૨૧ રન), નૅથન મેકસ્વીની (૯ રન), સ્ટીવ સ્મિથ (૧૦૧ રન), મિચલ માર્શ (પાંચ રન) અને ટ્રૅવિસ હેડ (૧૫૨ રન)ની વિકેટ ઝડપીને વનમૅન આર્મી જેવી કમાલ કરી બતાવી હતી. ઑલરાઉન્ડર નીતીશ કુમાર રેડ્ડીને માર્નસ લબુશેન (૧૨ રન) અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને પૅટ કમિન્સ (૨૦ રન)ની વિકેટ મળી હતી. પહેલી મૅચ રમી રહેલા ફાસ્ટ બોલર આકાશ દીપ (૨૪.૪ ઓવરમાં ૭૮ રન) અને સ્પિનર રવીન્દ્ર જાડેજા (૧૬ ઓવરમાં ૭૬ રન) એક પણ વિકેટ ન લેતાં સૌથી મોંઘા સાબિત થયા હતા. મૅચના આગામી ત્રણ દિવસ વરસાદથી પ્રભાવિત થવાની ધારણા છે એથી ઑસ્ટ્રેલિયા ઝડપથી કેટલાક વધુ રન બનાવવા અને ઇનિંગ્સ ડિક્લેર કરવાની ઇચ્છા રાખશે.
ADVERTISEMENT

ICC ચૅરમૅન જય શાહ સહિતના ભારતીય સ્ટાર્સ ત્રીજી ટેસ્ટ જોવા બ્રિસબેન પહોંચ્યા છે.
ભારત સામે સૌથી વધુ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર બૅટર બન્યો સ્ટીવ સ્મિથ
૧૮ મહિના બાદ ટેસ્ટ-સેન્ચુરી ફટકારીને રિકી પૉન્ટિંગનો રેકૉર્ડ તોડ્યો
ગઈ કાલે ગૅબા ટેસ્ટમાં ચોથા ક્રમે બૅટિંગ કરવા આવેલા સ્ટીવ સ્મિથે ૧૯૦ બૉલમાં ૧૦૧ રનની મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. ૩૫ વર્ષના સ્મિથની આ ૩૩મી ટેસ્ટ-સેન્ચુરી છે. તેણે છેલ્લે ૧૮ મહિના પહેલા જૂન ૨૦૨૩માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ-સેન્ચુરી નોંધાવી હતી. લાંબા સમય બાદ ટેસ્ટ-સેન્ચુરી નોંધાવીને તેણે ઘણા રેકૉર્ડ પોતાને નામે કર્યા છે. ઑસ્ટ્રેલિયા સામે સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરી કરવામાં તે રિકી પૉન્ટિંગ (૪૧) બાદ બીજા ક્રમે છે.
સ્ટીવ સ્મિથ ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગને પછાડીને ભારત સામે સૌથી વધુ ઇન્ટરનૅશનલ સેન્ચુરી ફટકારનાર બૅટર બની ગયો છે. પૉન્ટિંગે ભારત સામે ૨૯ ટેસ્ટમાં ૮ અને ૫૯ વન-ડેમાં ૬ સેન્ચુરી ફટકારી છે, જ્યારે સ્થિમે ૨૯ વન-ડેમાં પાંચ અને બાવીસ ટેસ્ટમાં ૧૦ સેન્ચુરી નોંધાવી છે. સ્મિથે ભારત સામે સૌથી વધુ ટેસ્ટ-સેન્ચુરી ફટકારવા મામલે ઇંગ્લૅન્ડના બૅટર જો રૂટ (૧૦ સેન્ચુરી)ની બરાબરી કરી છે.
ગેબામાં ભારત સામે સૌથી મોટી પાર્ટનરશિપ
ઓસ્ટ્રેલિયા માટે ચોથી વિકેટ માટે ટ્રૅવિસ હેડ અને સ્ટીવ સ્મિથે ૩૦૨ બૉલમાં ૨૪૧ રનની પાર્ટનરશિપ કરી છે જે ગૅબા સ્ટેડિયમમાં ભારત સામે કોઈ પણ વિકેટની સૌથી મોટી અને પહેલી ૨૦૦ પ્લસ રનની પાર્ટનરશિપ છે. આ પહેલાં ૨૦૧૪માં આ સ્ટેડિયમમાં ભારત સામે સ્ટીવ સ્મિથ અને મિચલ જોનસને સાતમી વિકેટ માટે ૧૪૮ રનની મોટી પાર્ટનરશિપ કરી હતી. ગયા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપની ફાઇનલ મૅચમાં ૨૮૫ રનની પાર્ટનરશિપ બાદ ટ્રૅવિસ અને સ્મિથની ભારત સામે આ બીજી ૨૦૦ પ્લસની પાર્ટનરશિપ છે.

ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડનું સેન્ચુરી સેલિબ્રેશન
ભારત સામે ટ્રૅવિસ હેડનો ટેસ્ટ-રેકૉર્ડ
મૅચ : ૧૩
ઇનિંગ્સ : ૨૨
રન : ૧૧૦૭
સેન્ચુરી : ૩
ફિફ્ટી : ૪
ચોગ્ગા : ૧૨૬
છગ્ગા : ૧૨
ટ્રૅવિસ હેડે પહેલી વાર કોઈ ટીમ સામે ૧૦૦૦ ટેસ્ટ-રન ફટકાર્યા
ઑસ્ટ્રેલિયન બૅટર ટ્રૅવિસ હેડે ગઈ કાલે ધ ગૅબા સ્ટેડિયમમાં ૧૬૦ બૉલમાં ૧૫૨ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. ઍડીલેડ બાદ બ્રિસબેનમાં પણ સેન્ચુરી ફટકારનારા ટ્રૅવિસ હેડે આ ઇનિંગ્સ સાથે ભારતીય ટીમ સામે ૧૦૦૦ ટેસ્ટ-રન પૂરા કર્યા છે. આ પહેલાં તે કોઈ ટીમ સામે ૧૦૦૦ ટેસ્ટ-રન ફટકારી શક્યો નથી. ૧૧૨ રનના સ્કોર પર તેને ભારતીય કૅપ્ટન રોહિત શર્મા દ્વારા કૅચ છૂટતાં જીવનદાન મળ્યું હતું.
આ ઇનિંગ્સ ટ્રૅવિસ હેડ માટે ખાસ હતી, કારણ કે ધ ગૅબા સ્ટેડિયમમાં આ પહેલાંની ત્રણ ટેસ્ટ-ઇનિંગ્સમાં ટ્રૅવિસ હેડ શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રણ વાર ગોલ્ડન ડક એટલે કે પહેલા જ બૉલે શૂન્ય રન બનાવી આઉટ થયો હતો. ૩૦ વર્ષના આ બૅટરની ભારત સામે છેલ્લી છ ઇનિંગ્સમાં આ ચોથી સેન્ચુરી છે. આ તમામ સેન્ચુરી કૅપ્ટન રોહિત શર્માની કૅપ્ટન્સી દરમ્યાન આવી છે.
વિકેટની પાછળ રિષભ પંતના નામે થયા ૧૫૦+ શિકાર

ગઈ કાલે જસપ્રીત બુમરાહની ઓવરમાં ઑસ્ટ્રેલિયન ઓપનર ઉસ્માન ખ્વાજાનો કૅચ પકડીને રિષભ પંતે વિકેટકીપર તરીકે ટેસ્ટ-કરીઅરમાં ૧૫૦મી વિકેટ નોંધાવી હતી. ત્યાર બાદ તેણે ટ્રૅવિસ હેડ અને પૅટ કમિન્સને પણ કૅચ-આઉટ કર્યા હતા. તે વિકેટકીપર તરીકે ૧૫૦ વિકેટનું યોગદાન આપનાર ત્રીજો ભારતીય વિકેટકીપર બન્યો છે. મહેન્દ્ર સિંહ ધોનીના નામે ૨૫૬ કૅચ અને ૩૮ સ્ટમ્પિંગ સાથે સૌથી વધુ ૨૯૪ શિકાર છે જ્યારે સૈયદ કિરમાણીએ ૧૬૦ કૅચ અને ૩૮ સ્ટમ્પિંગની મદદથી ૧૯૮ વિકેટનું યોગદાન આપ્યું છે. રિષભ પંતે ૧૩૭ કૅચ અને ૧૫ સ્ટમ્પિંગની મદદથી ૧૫૨ ટેસ્ટ-શિકાર કર્યા છે.

સારા સાથે અભિનેત્રી પ્રાચી દેસાઈ, ફિલ્મમેકર કબીર ખાન સાથે તેની પત્ની મિની માથુર, ઝહીર ખાનની પત્ની સાગરિકા ખાન, અભિનેતા ઈશાન ખટ્ટર સહિતના ભારતીય સ્ટાર્સ પણ પહોંચ્યાં હતાં બ્રિસબેન.
સૌથી વધુ ટેસ્ટ-શિકાર કરનાર ભારતીય વિકેટકીપર
મહેન્દ્ર સિંહ ધોની : (૧૬૬ ઇનિંગ્સ) - ૨૯૪
સૈયદ કિરમાણી : (૧૫૧ ઇનિંગ્સ) - ૧૯૮
રિષભ પંત : (૮૦ ઇનિંગ્સ) - ૧૫૨
કિરણ મોરે : (૯૦ ઇનિંગ્સ) - ૧૩૦
નયન મોંગિયા : (૭૭ ઇનિંગ્સ) - ૧૦૭


