Raghav Chadha security row: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની Z+ શ્રેણીની સુરક્ષા ગત અઠવાડિયે પાછી ખેંચી લેવામાં આવી હોવાના અહેવાલ; પક્ષમાં ચાલી રહેલા આંતરિક વિખવાદની ચર્ચાઓએ વધુ જોર પકડ્યુ; હવે દિલ્હી પોલીસ કરશે સુરક્ષા?
રાઘવ ચઢ્ઢાની ફાઇલ તસવીર
આમ આદમી પાર્ટી (Aam Aadmi Party - AAP) અને રાજ્યસભાના પૂર્વ સાંસદ રાઘવ ચઢ્ઢા (Raghav Chadha) વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે એક નવા વળાંક પર પહોંચ્યો છે. અગાઉ પક્ષ દ્વારા તેમને રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવવામાં આવ્યા હતા અને હવે પંજાબ સરકાર (Punjab Government)એ તેમની સુરક્ષા પણ પાછી ખેંચી લીધી છે. મળતી માહિતી પ્રમાણે, આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને હવે સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા `Z` કેટેગરીની સુરક્ષા પુરી પાડવામાં આવી છે. આ સુરક્ષા વ્યવસ્થા દિલ્હી અને પંજાબ બંને રાજ્યોમાં લાગુ રહેશે, જેમાં તેમની સુરક્ષા (Raghav Chadha security row) માટે અર્ધલશ્કરી દળોના જવાનો તૈનાત કરવામાં આવશે.
મુખ્યમંત્રી ભગવંત માન (Bhagwant Mann)ની આગેવાની હેઠળની પંજાબ સરકારે રાઘવ ચઢ્ઢાને આપવામાં આવેલી પંજાબ પોલીસ (Punjab Police)ની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢાને પંજાબના સહ-પ્રભારી અને રાજ્યસભાના સાંસદ હોવાના નાતે આ સુરક્ષા પૂરી પાડવામાં આવી હતી. સુરક્ષા હટાવવાના આ નિર્ણયને પક્ષની અંદર વધી રહેલા અંતરના સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
સાંસદ રાઘવ ચઢ્ઢાની Z+ શ્રેણીની સુરક્ષા પંજાબ સરકારે પાછી ખેંચી લીધી
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાની Z+ શ્રેણીની સુરક્ષા પંજાબ પોલીસ દ્વારા પાછી ખેંચી લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે તેમના માટે કેન્દ્રીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવવાની તૈયારીઓ ચાલી રહી છે.
રાજ્યસભામાં પંજાબનું પ્રતિનિધિત્વ કરતા રાઘવ ચઢ્ઢાને રાજ્ય સરકાર દ્વારા Z+ શ્રેણીનું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું હતું. જોકે, આમ આદમી પાર્ટીમાં આંતરિક મતભેદોની ચર્ચાઓ વચ્ચે ગત અઠવાડિયે જ આ સુરક્ષા હટાવી દેવામાં આવી હતી.
હવે દિલ્હી પોલીસ કરશે રાઘવ ચઢ્ઢાની સુરક્ષા
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્રીય સુરક્ષા દળોની ઔપચારિક તૈનાતી પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વચગાળાના સમયગાળા માટે રાઘવ ચઢ્ઢાની સુરક્ષાની જવાબદારી દિલ્હી પોલીસ (Delhi Police)ને સોંપવામાં આવી છે.
AAP સાથેની તિરાડની છે આ અસર
આમ આદમી પાર્ટીના અને રાઘવ ચઢ્ઢા વચ્ચે વધી રહેલા તણાવની પૃષ્ઠભૂમિમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષે તાજેતરમાં જ તેમને રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવ્યા હતા અને તેમના સ્થાને પંજાબના સાંસદ અશોક કુમાર મિત્તલ (Ashok Kumar Mittal)ની નિમણૂક કરી હતી. પદમાં કરવામાં આવેલા આ ફેરફાર બાદ પક્ષમાં આંતરિક વિખવાદ વધી રહ્યો હોવાની અટકળો તેજ બની છે.
રાઘવ ચઢ્ઢાએ પક્ષની અંદરથી થઈ રહેલી ટીકાઓનો જાહેરમાં વિરોધ કર્યો છે, જ્યારે બીજી તરફ પંજાબ એકમના કેટલાક વર્ગોએ તેમના પર સંસદમાં રાજ્યના પ્રશ્નોને મજબૂતીથી ન ઉઠાવવાનો આરોપ મૂક્યો છે. આ આક્ષેપો અને વળતા પ્રહારોને કારણે પક્ષની આંતરિક ખેંચતાણ વધુ સ્પષ્ટ રીતે સપાટી પર આવી છે.
સુરક્ષા પાછી ખેંચવામાં આવતા ઉભા થયા અનેક પ્રશ્નો
રાઘવ ચઢ્ઢાની Z+ શ્રેણીની સુરક્ષા પાછી ખેંચવાના નિર્ણયે વર્તમાન રાજકીય સ્થિતિમાં એક નવો વળાંક ઉમેર્યો છે. સામાન્ય રીતે આ ઉચ્ચ સ્તરીય સુરક્ષા કવચમાં ડઝનબંધ જવાનો તૈનાત હોય છે, જે હવે હટાવી લેવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હવે કેન્દ્ર સરકાર રાઘવ ચઢ્ઢાને સુરક્ષા પૂરી પાડવા માટે આગળ આવી છે, જોકે સુરક્ષાની શ્રેણી અને કઈ એજન્સી તૈનાત કરવામાં આવશે તેની વિગતો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. ત્યાં સુધી દિલ્હી પોલીસના જવાનો સાંસદની સુરક્ષાની જવાબદારી સંભાળવાનું ચાલુ રાખશે.
