અમદાવાદ અને તેની ફરતે આવેલા વિસ્તારોમાં વિશિષ્ટ થીમ પર આધારિત રેસ્ટોરન્ટ્સનો ક્રૅઝ દિવસે ને દિવસે વધતો જ રહ્યો છે. લોકો હવે માત્ર ખાવાની મજા લેવા જ નહીં, પરંતુ આકર્ષક વાતાવરણમાં, નવીનતાથી ભરપૂર અને મનોરંજન સાથે પરિવાર અને મિત્રો જોડે જમવાનું પસંદ કરે છે. જો તમે આવી કોઈ જગ્યા શોધતા હોવ તો અમદાવાદને અડીને આવેલા મહેમદાવાદ નજીક ખાત્રજ ચોકડી પાસે ગોપાલ હોટલ આવેલી છે. અમદાવાદથી આશરે 25 કિલોમીટર દૂર, ડાકોર રોડ પર મહેમદાવાદ પાસે, વાત્રક નદીના કિનારે 73 ફૂટ ઉંચું સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. અહીં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે જમવા અંગે ઘણીવાર પ્રશ્ન ઉદ્દભવે છે, કારણકે મંદિરની કેન્ટીન સિવાય અન્ય વિકલ્પ મળવો મુશ્કેલ છે. મંદિર બહાર તરત જ ગરમ ઉતરતી તાજી કેળાની વેફર્સનો સ્વાદ જરુર અજમાવવા જેવો છે. બીજી બાજુ જમવા માટે હોટલ ગોપાલ છે, જે તેની અનોખી "જંગલ થીમ" અને "ડિઝની થીમ" માટે જાણીતી છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
18 October, 2024 05:25 IST | Mahemdavad | Gujarati Mid-day Online Correspondent