રાતે સોડા અને બરફગોળા ખાવાનું મન થાય, દિવસ દરમ્યાન ગરમીને કારણે ઠંડાં પીણાં પીધા કરવાનું મન થાય, વેકેશનમાં લંચબૉક્સની શિસ્ત છૂટી જાય, દિવસે ગરમીમાં ખાવું ન ગમે અને રાતે બેફામ સ્ટ્રીટ-ફૂડ ખાવાની આદત પડી જાય...
જોજો, ઉનાળાની ગરમી અને વેકેશન તમારી ઈટિંગ હૅબિટ બગાડી ન દે
રાતે સોડા અને બરફગોળા ખાવાનું મન થાય, દિવસ દરમ્યાન ગરમીને કારણે ઠંડાં પીણાં પીધા કરવાનું મન થાય, વેકેશનમાં લંચબૉક્સની શિસ્ત છૂટી જાય, દિવસે ગરમીમાં ખાવું ન ગમે અને રાતે બેફામ સ્ટ્રીટ-ફૂડ ખાવાની આદત પડી જાય, રજાના ટ્રાવેલિંગમાં ચિપ્સ અને બિસ્કિટનાં પૅકેટો પેટમાં પધરાવવાનું શરૂ થઈ જાય. આ બદલાવો તબિયત બગાડવા માટે પૂરતા છે. ગરમી પણ ન નડે અને સ્વાસ્થ્ય પણ સારું રહે એ માટે ખાણીપીણીમાં શું ધ્યાન રાખવું એ જાણી લો
ઉનાળાની શરૂઆત થતાં ફક્ત વાતાવરણનો પારો નથી ચડતો, પણ આપણી રોજિંદી જીવનશૈલી અને ખાણીપીણીની આદતોમાં પણ ધરમૂળથી ફેરફાર આવવા માંડે છે. વધતી જતી ગરમીને કારણે શરીરના આંતરિક તાપમાનમાં થતા બદલાવ આપણી ભૂખને અસર કરે છે અને પરિણામે સૉલિડ ફૂડના સ્થાને ઠંડા પ્રવાહી અને લિક્વિડ ડાયટ તરફનો આપણો ઝુકાવ આપોઆપ વધી જાય છે. આ ઋતુ માત્ર કુદરતી ફેરફારો પૂરતી સીમિત નથી. વેકેશન પડતાં જ બાળકોના લંચબૉક્સની પેલી વર્ષભરની શિસ્ત જાણે ગાયબ થઈ જાય છે અને રસોડામાં પૌષ્ટિક ભોજનને બદલે ડગલે ને પગલે બાળકોની નવી-નવી ખાવાની ડિમાન્ડ પૂરી કરવામાં જ મમ્મીઓનો આખો દિવસ વીતી જાય છે. બપોરના આકરા તાપથી બચવા માટે લોકો હવે મોડી રાતે ઘરની બહાર નીકળતા થયા છે, જેના કારણે લેટ નાઇટ સ્ટ્રીટ ફૂડનું કલ્ચરે જોર પકડ્યું છે. સાથે જ વેકેશનમાં ફૅમિલી ટ્રાવેલિંગ દરમ્યાન અનિવાર્ય બની જતું પૅકેજ્ડ ફૂડ અને સૉફ્ટ ડ્રિન્ક્સનું સેવન આપણી હેલ્થ પર કેવી અસર કરે છે એ સમજવું અત્યંત જરૂરી છે. ગરમી અને વેકેશનનો આ સમન્વય આપણી ઈટિંગ હૅબિટ્સને બદલી નાખે છે અને આ બદલાવ વચ્ચે પણ સ્વાસ્થ્યને કેવી રીતે જાળવી શકાય એ ન્યુટ્રિશનિસ્ટ ચાંદની સંઘવી પાસેથી તેમના જ શબ્દોમાં જાણીએ.
ADVERTISEMENT

ગરમી શરીર પર કેવી અસર કરે?
જ્યારે બહારનું તાપમાન વધે છે ત્યારે આપણું શરીર અંદરનું તાપમાન જાળવી રાખવા માટે સંઘર્ષ કરે છે. આ પ્રક્રિયાને થર્મોરેગ્યુલેશન કહેવામાં આવે છે. આ પ્રક્રિયા દરમ્યાન શરીરમાં અનેક ફેરફાર થાય છે. શરીરને ઠંડું રાખવા માટે મગજ પરસેવો ઉત્પન્ન કરવાનો આદેશ આપે છે. પરસેવો વળવો એ કુદરતી ઍર-કન્ડિશનર જેવું કામ કરે છે, પરંતુ જો સતત પરસેવો વળતો રહે અને સામે પાણી ન પીવાય તો શરીર ડીહાઇડ્રેશનનો શિકાર બને છે. પરસેવા મારફત ફક્ત પાણી જ નહીં, સોડિયમ અને પોટૅશિયમ જેવા મહત્ત્વનાં મિનરલ્સ પણ બહાર નીકળી જાય છે. આ મિનરલ્સની ઊણપને કારણે સ્નાયુઓમાં ખેંચાણ અને નબળાઈ અનુભવાય છે. ગરમીમાં શરીરની પ્રાથમિકતા તાપમાન જાળવવાની હોય છે એથી લોહીનો પ્રવાહ પાચન અંગો તરફથી હટીને ચામડી તરફ વળે છે (જેથી ગરમી બહાર નીકળી શકે). આને કારણે પાચન ધીમું પડે છે અને વ્યક્તિને ભૂખ ઓછી લાગે છે. જ્યારે શરીર સતત ગરમી સામે લડતું હોય અને પૂરતું પોષણ કે પાણી ન મળે ત્યારે મગજ સુસ્ત થઈ જાય છે. આને કારણે જ ઉનાળામાં આપણને અતિશય થાક અને આળસ અનુભવાય છે.

ફક્ત પેટ નહીં ભરો, પોષણનું ધ્યાન રાખો
ઉનાળામાં ભૂખ ઓછી લાગે ત્યારે મોટા ભાગના લોકોની સૌથી મોટી ભૂલ એ હોય છે કે તેઓ માત્ર પાણી, જૂસ કે કોલ્ડ ડ્રિન્ક્સ પર નિર્ભર રહે છે. આનાથી શરીરમાં પોષક તત્ત્વોની ઊણપ સર્જાય છે. આવું ન થાય એટલે સ્માર્ટ અપ્રોચ અપનાવવાની જરૂર છે. ખાલી પાણી પીવાથી એ કિડની દ્વારા જલદી ફિલ્ટર થઈ જાય છે, પરંતુ જો તમે ન્યુટ્રિશનલ લિક્વિડ લો તો એ પાચનતંત્ર દ્વારા પ્રોસેસ થાય છે. છાશ, નાળિયેરપાણી, સત્તુનું શરબત, પાતળી દાળ કે ઠંડા સૂપ જેવા પ્રવાહી શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ બૅલૅન્સ જાળવે છે અને જરૂરી પોષણ પણ આપે છે. હાઇડ્રેશન માટે માત્ર પીણાં જ નહીં, પાણીથી ભરપૂર ફળો જેવાં કે તરબૂચ, પપૈયા, શક્કરટેટી, દ્રાક્ષ શ્રેષ્ઠ છે. એ વિટામિન્સની સાથે નૅચરલ શુગર પણ પૂરી પાડે છે. ગરમીમાં એકસાથે હેવી લંચ લેવાને બદલે થોડા-થોડા સમયે નાનું અને પૌષ્ટિક ભોજન લો. ભોજન સ્કિપ કરવાથી શરીરમાં નબળાઈ આવી શકે છે. તમે ભલે ઓછું જમો, પણ એમાં થોડું પ્રોટીન ચોક્કસ ઉમેરો. દહીં, ફણગાવેલાં કઠોળ કે પનીર જેવી વસ્તુઓ સ્નાયુઓને મજબૂત રાખશે અને મહત્ત્વના માઇક્રો ન્યુટ્રિઅન્ટ્સ ગુમાવવા નહીં દે. ઉનાળામાં આપણું લક્ષ્ય ફક્ત પેટ ભરવાનું નહીં, પણ પોષણ અને હાઇડ્રેશન બન્ને વચ્ચે સંતુલન જાળવવાનું હોવું જોઈએ. હળવો ખોરાક અને પ્રોટીનયુક્ત લિક્વિડ આ ઋતુમાં તમારી એનર્જી ટકાવી રાખશે.

મજા માણો, પણ સભાનતા સાથે
મોડી રાત્રે સ્ટ્રીટ-ફૂડની મજા માણવી હોય ત્યારે સુરક્ષિત રસ્તો એ છે કે આપણે સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવીએ. સ્ટ્રીટ-ફૂડને સંપૂર્ણપણે ટાળવું એ કદાચ વ્યવહારુ નથી, પરંતુ કેટલીક સ્માર્ટ પસંદગીઓ ચોક્કસપણે કરી શકાય છે. હંમેશાં ડીપ ફ્રાઇડ આઇટમ્સ જેવી કે ભજિયાં, સમોસાં, ફ્રેન્ચ ફ્રાઇઝ કે મેંદા અને ચીઝથી ભરપૂર હેવી બર્ગર ખાવાને બદલે ગ્રિલ્ડ અથવા રોસ્ટેડ વિકલ્પ પસંદ કરવા જોઈએ, જેમ કે શેકેલી મકાઈ (કૉર્ન) કે પનીર ટીક્કા જેવા વિકલ્પ શ્રેષ્ઠ ગણાય. આ ઉપરાંત હંમેશાં તમારી નજર સામે જ તાજું રાંધેલું મળતું હોય એવું ભોજન લેવું જોઈએ જેમ કે ઇડલી અને ઢોસા જેવી વસ્તુઓ પચવામાં ખૂબ હળવી રહે છે. ફળો અને જૂસ બાબતે ખાસ સાવધાની રાખવી જરૂરી છે. લારી પર પહેલેથી કાપીને રાખેલાં ફળ ક્યારેય ન ખાવાં જોઈએ, એને બદલે જ્યારે તમે ઑર્ડર આપો ત્યારે જ ફ્રેશ કાપીને આપે એવાં ફળ કે જૂસનો જ આગ્રહ રાખવો. મૂળ વાત એ છે કે રાતે હંમેશાં લાઇટ અને ફ્રેશ ખોરાક ખાવો જોઈએ જેથી આપણા ડાયજેશનને વધારે મહેનત ન કરવી પડે અને ઊંઘ પણ સારી આવે.
બાળકોને હેલ્ધી સાથે ટેસ્ટી આપો
બાળકો વેકેશનમાં રમવામાં એટલાં મશગૂલ હોય છે કે તેમને સિમ્પલ અને ઍટ્રૅક્ટિવ મીલ આપવું બહુ જરૂરી છે. બાળકોને ફ્રૂટ્સ બોરિંગ ન લાગે એ માટે સફરજનની સ્લાઇસ પર પીનટ બટર લગાવીને આપી શકાય. આ સિવાય ફ્રૂટ્સ અને નટ્સનો ઉપયોગ કરીને હેલ્ધી સ્મૂધી બનાવી શકાય. બાળકોને ગમે તેવા રાગી કે જુવારના લોટમાંથી બનાવેલી હેલ્ધી કેક અથવા વેજિટેબલ્સ નાખીને બનાવેલા પનીર રોલ્સ આપી શકાય. આ સ્નૅક્સ ટેસ્ટી હોવાની સાથે ખૂબ જ બૅલૅન્સ્ડ છે. ગરમીમાં બાળકોને ઠંડું ખાવાની ઇચ્છા થતી હોય છે એટલે ઠંડા દહીંમાં ફ્રૂટ્સ નાખીને પ્રોબાયોટિક ડિઝર્ટ તરીકે આપી શકાય. આ વસ્તુઓ ટેસ્ટી પણ છે અને ન્યુટ્રિશનથી ભરપૂર પણ છે. જો બાળકોને આ પ્રકારના ઑપ્શન્સ મળશે તો તેમની જન્ક ફૂડ ખાવાની ક્રેવિંગ આપોઆપ ઓછી થઈ જશે.
ટ્રાવેલિંગમાં આટલું ધ્યાન રાખી શકાય
ટ્રાવેલિંગમાં આપણે કન્વીનિયન્સ એટલે કે સગવડ શોધીએ છીએ, પણ એ સગવડ ઘણી વાર સ્વાસ્થ્ય પર ભારે પડે છે. મુસાફરી દરમ્યાન જ્યારે આપણે ચિપ્સ, સોડા કે પૅકેજ્ડ જૂસ જેવાં કન્વીનિયન્ટ ફૂડ પર આધાર રાખીએ છીએ ત્યારે એમાં રહેલું વધુ પડતું સોડિયમ અને પ્રિઝર્વેટિવ્સ શરીરમાં પાણી પકડી રાખે છે, જેના કારણે બ્લોટિંગ અને ભારેપણું લાગે છે. સાથે જ શુગરવાળાં પીણાં પીવાથી ઇન્સ્ટન્ટ એનર્જી તો મળે છે પણ પછી તરત જ શુગર-લેવલ ડાઉન થતાં અતિશય થાક અનુભવાય છે એટલે મુસાફરીમાં પણ એવું કન્વીનિયન્ટ ફૂડ પસંદ કરવું જોઈએ જે ગરમીમાં બગડે નહીં અને શરીરને નુકસાન ન કરે. રોસ્ટેડ ચણા, મખાના, ડ્રાયફ્રૂટ્સ અને સીડ્સ મુસાફરી માટે સૌથી બેસ્ટ છે, કારણ કે એ ગરમીમાં ખરાબ નથી થતાં અને પૌષ્ટિક પણ છે. પ્રવાસમાં આખાં ફળ સાથે રાખો જે હાઇડ્રેશન અને એનર્જી બન્ને આપશે. ખૂબ જ ઓછા તેલમાં બનાવેલા થેપલાં કે પરાઠાં સાથે રાખી શકાય છે જે લાંબા સમય સુધી સારાં રહે છે. હાઇડ્રેશન માટે નાળિયેરપાણીનું પાઉડર પ્રી-મિક્સ સાથે રાખી શકાય. આ સિવાય સાદા પાણીમાં લીંબુ અને ચપટીક મીઠું નાખીને પીવાથી પણ શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ્સ જળવાઈ રહેશે.
ઉનાળો ફક્ત મોસમનો બદલાવ નથી, પરંતુ આપણી ખાણીપીણીની આદતોને પણ નવી દિશા આપે છે. ગરમી, વેકેશન અને બદલાતી લાઇફસ્ટાઇલ વચ્ચે હેલ્ધી પસંદગીઓ કરવી વધુ મહત્ત્વપૂર્ણ બની જાય છે. થોડું સભાન રહીને લાઇટ, તાજો અને પૌષ્ટિક ખોરાક પસંદ કરીએ તો આ બદલાવ આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાને બદલે ફાયદો પણ કરી શકે છે.
