Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અંદામાન સમુદ્રમાં ડૂબી હોડી, રોહિંગ્યા અને બાંગ્લાદેશના ૨૫૦ નાગરિકો ગુમ

અંદામાન સમુદ્રમાં ડૂબી હોડી, રોહિંગ્યા અને બાંગ્લાદેશના ૨૫૦ નાગરિકો ગુમ

Published : 15 April, 2026 03:05 PM | IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Andaman Boat Sink: અંદામાન સમુદ્રમાં રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકોને લઈ જતી એક હોડી પલટી જતાં લગભગ ૨૫૦ લોકો ગુમ થયા હોવાની આશંકા; આ બોટ મલેશિયા જઈ રહી હતી; બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અંદામાન સમુદ્ર (Andaman Sea)માં રોહિંગ્યા શરણાર્થી (Rohingya refugees)ઓ અને બાંગ્લાદેશી નાગરિકો (Bangladeshi nationals)ને લઈ જતી એક નૌકા પલટી જવાથી અંદાજે ૨૫૦ જેટલા લોકો ગુમ થયા હોવાની આશંકા છે. સંયુક્ત રાષ્ટ્ર (United Nations - UN) દ્વારા મંગળવારે આ દુ:ખદ ઘટનાની પુષ્ટિ કરવામાં આવી છે.

મલેશિયા (Malaysia) જઈ રહેલી રોહિંગ્યા શરણાર્થીઓ અને બાંગ્લાદેશી નાગરિકો ભરેલી એક હોડી અંદામાન સમુદ્રમાં પલટી જતાં (Andaman Boat Sink) બાળકો સહિત ઓછામાં ઓછા ૨૫૦ લોકો ગુમ થયા હોવાની આશંકા છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ દુખદ ઘટના ત્યારે બની જ્યારે આ લોકો દરિયાઈ માર્ગે જોખમી મુસાફરી કરી રહ્યા હતા. અત્યારે ગુમ થયેલા લોકોની શોધખોળ અને બચાવ કામગીરીના પ્રયાસો ઝડપી કરવામાં આવ્યા છે.



ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં રોહિંગ્યાનો સમાવેશ


ગુમ થયેલા લોકોમાં મોટી સંખ્યામાં રોહિંગ્યાઓનો સમાવેશ થાય છે. આ દુર્ઘટનામાં ગુમ થયેલા લોકોમાં અનેક બાળકો પણ હોવાનું જાણવા મળ્યું છે. એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે કે નૌકામાં સવાર આ રોહિંગ્યા શરણાર્થીઓ બાંગ્લાદેશના કોક્સ બજારમાં આવેલા વિશાળ શિબિરોમાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ શિબિરોમાં મ્યાનમાર (Myanmar)ના રખાઈન પ્રાંતમાંથી વિસ્થાપિત થયેલા દસ લાખથી વધુ શરણાર્થીઓ અત્યંત દયનીય સ્થિતિમાં જીવન ગુજારી રહ્યા છે.

નવ લોકોને બચાવવામાં આવ્યા


બચાવ અભિયાનમાં નવ લોકોને જીવતા બચાવી લેવાયા છે. બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડ (Bangladesh Coast Guard - BCG)ના જણાવ્યા અનુસાર, ૯ એપ્રિલના રોજ ઇન્ડોનેશિયા (Indonesia) જઈ રહેલા એક જહાજે દરિયામાંથી એક મહિલા સહિત કુલ નવ વ્યક્તિઓને બચાવી લીધી હતી. BCGના પ્રવક્તા લેફ્ટનન્ટ કમાન્ડર સબ્બીર આલમ સુજાને ન્યૂઝ એજન્સી એએફપી (AFP)ને જણાવ્યું કે, બાંગ્લાદેશી ધ્વજ ધરાવતા જહાજ `એમ.ટી. મેઘના પ્રાઈડ` એ અંદામાન ટાપુઓ પાસે ઊંડા પાણીમાં કેટલાક લોકોને તરતા જોયા હતા અને તેમને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. બાદમાં આ બચાવવામાં આવેલા લોકોને બાંગ્લાદેશ કોસ્ટ ગાર્ડના પેટ્રોલિંગ જહાજ `મન્સૂર અલી` ને સોંપવામાં આવ્યા હતા.

બચી ગયેલા લોકોએ જણાવી આપવીતી

બચી ગયેલા લોકો પૈકીના એક ૪૦ વર્ષીય રફીકુલ ઈસ્લામે પોતાની દર્દનાક આપવીતી જણાવી હતી. તેમણે જણાવ્યું કે તસ્કરોએ તેમને મલેશિયામાં નોકરી અપાવવાનું વચન આપીને નૌકા પર ચઢાવ્યા હતા. તેમને ટેકનાફના એક ઘરમાં અન્ય ૨૦થી ૨૫ લોકો સાથે અમાનવીય પરિસ્થિતિમાં રાખવામાં આવ્યા હતા.

રફીકુલના જણાવ્યા અનુસાર, ચાર દિવસની મુસાફરી બાદ નૌકા દરિયામાં પલટી ગઈ હતી અને જ્યાં સુધી તેમને બચાવવામાં ન આવ્યા ત્યાં સુધી તેઓ આશરે ૩૬ કલાક સુધી દરિયાના પાણીમાં તરતા રહ્યા હતા.

જે ૨૫૦થી વધુ લોકો ગુમ છે તેમને શોધવાની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

15 April, 2026 03:05 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK