છેલ્લાં પાંચ વર્ષમાં આ વિસ્તારમાં અકસ્માતોનું પ્રમાણ ૩૧ ટકા વધ્યું છે
હૃષીકેશ-બદરીનાથ હાઇવે પર બસ અને રુદ્રપ્રયાગમાં જીપ ખીણમાં પડી
ઉત્તરાખંડમાં હૃષીકેશ-બદરીનાથ હાઇવે પર ગુલાર નજીક ૩૪ મુસાફરોને લઈ જતી એક બસને ગઈ કાલે સવારે ૫.૩૦ વાગ્યે થયેલા અકસ્માતમાં ઓછામાં ઓછા ૯ લોકોએ જીવ ગુમાવ્યા હતા અને ૨૬ લોકો ઘાયલ થયા હતા. બીજી તરફ સોમવારે સાંજે રુદ્રપ્રયાગમાં બોલેરો જીપ ખીણમાં પડી જતાં ૪ લોકોએ જીવ ગુમાવ્યા હતા. આમ એક જ દિવસમાં માર્ગ-અકસ્માતમાં ૧૩ જણે જીવ ગુમાવ્યા હતા.
તેહરી ગઢવાલ જિલ્લામાં મુનિ કી રેતી વિસ્તારમાં બસના ડ્રાઇવરે તીવ્ર વળાંક પર વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો અથવા બ્રેક ફેલ થવાને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનો અંદાજ છે. વિશ્વનાથ સેવા સર્વિસની આ બસ ખીણમાં ૧૦૦ મીટર નીચે પડી હતી. આ બસ હરિદ્વારથી કર્ણપ્રયાગ-જોશીમઠ જઈ રહી હતી. ઘાયલોને હૃષીકેશની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બસનો રોડ-ટૅક્સ આ વર્ષે ૩૧ ઑક્ટોબરે સમાપ્ત થઈ ગયો હતો.
આ પહેલાં સોમવારે મોડી સાંજે રુદ્રપ્રયાગમાં બાંસવાડા-કન્ડારા રોડ પર બોલેરો જીપ ૫૦૦ મીટર નીચે ખીણમાં પડી હતી. જીપમાં ૧૦ લોકો પ્રવાસ કરતા હતા જેમાંથી ૪ જણે જીવ ગુમાવ્યો હતો.
