યાત્રા કરવા ઇચ્છતા તમામ લોકોએ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે
ફાઇલ તસવીર
ઉત્તરાખંડમાં આ વર્ષે ૧૯ એપ્રિલથી શરૂ થનારી ચારધામ યાત્રા માટે ગઈ કાલથી રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. યાત્રાળુઓ ઘેરબેઠાં મોબાઇલ, કમ્પ્યુટર, મોબાઇલ ઍપ અથવા વૉટ્સઍપના માધ્યમથી આસાનીથી રજિસ્ટ્રેશન કરાવી શકશે. યાત્રા કરવા ઇચ્છતા તમામ લોકોએ રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. યાત્રા શરૂ થવાના બે દિવસ પહેલાં ઑફલાઇન રજિસ્ટ્રેશન શરૂ થશે. હાલમાં ઑનલાઇન રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એની ગાઇડલાઇન્સ તરીકે એક લિન્ક બહાર પાડવામાં આવી છે અને ટોલ-ફ્રી નંબર 0135-1364 પણ શરૂ કરવામાં આવ્યો છે. ચારધામ યાત્રા ૧૯ એપ્રિલથી શરૂ થશે, એ દિવસે યમનોત્રી અને ગંગોત્રી ધામનાં કપાટ ખૂલશે. કેદારનાથનાં કપાટ બાવીસમી એપ્રિલે અને બદરીનાથનાં કપાટ ૨૩ એપ્રિલે ખૂલશે.
વેબસાઇટથી રજિસ્ટ્રેશન
ADVERTISEMENT
યાત્રાળુઓએ ઉત્તરાખંડ સરકારની વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in પર જઈને પહેલાં રજિસ્ટર અથવા સાઇન-અપ થવાનું રહેશે. નામ, મોબાઇલ-નંબર, ઈ-મેઇલ અને રાજ્યનું નામ ભર્યા બાદ વન ટાઇમ પાસવર્ડ (OTP)થી મોબાઇલ-નંબર વેરિફાય કરવાનો રહેશે. પછી રજિસ્ટર ફૉર યાત્રા પર જઈને યાત્રાની તારીખ, યાત્રીઓની સંખ્યા, આધાર કાર્ડ, વોટર ID, પાસપોર્ટ કે ડ્રાઇવિંગ લાઇસન્સ જેવા ઓળખપત્રથી નામ નોંધવાનું રહેશે. સબમિશન બાદ રજિસ્ટ્રેશન સ્લિપ અથવા ક્વિક રિસ્પૉન્સ (QR) કોડ ડાઉનલોડ કરવાનો રહેશે.
મોબાઇલ ઍપ
મોબાઇલ પર ટૂરિસ્ટ કૅર ઉત્તરાખંડ ઍપ પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવાની રહેશે. ઍપમાં અકાઉન્ટ બનાવીને મોબાઇલ-નંબરના OTPથી વેરિફાય કરવાનું રહેશે. પછી એમાં વિગતો ભરવાની રહેશે.
વૉટ્સઍપથી રજિસ્ટ્રેશન
83948 33833 નંબર પર Yatra મેસેજ મોકલવાનો રહેશે. ચૅટબૉટ પર યાત્રીઓ વિશે જાણકારી પૂછવામાં આવશે. એમાં બાકીની વિગતો ભરવાની રહેશે.
આૅફલાઇન રજિસ્ટ્રેશન
૧૭ એપ્રિલથી હરિદ્વાર, હૃષીકેશ, દેવપ્રયાગ, રુદ્રપ્રયાગ, ચમોલી અને અન્ય મહત્ત્વનાં બાયોમેટ્રિક રજિસ્ટ્રેશન કાઉન્ટર લગાવવામાં આવશે. એમાં ઓળખપત્ર બતાવીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે.
