જગન્નાથ પુરી મંદિરના ધ્વજ પર ગરુડ બેઠું, લોકો સ્તબ્ધ
જગન્નાથ પુરી મંદિરના ધ્વજ પર બેઠેલું ગરુડ
ઓડિશાના પુરીમાં આવેલા વિશ્વવિખ્યાત શ્રી જગન્નાથ મંદિરના રત્નજડિત નીલચક્ર પર લહેરાતા ‘પતિત પાવન બાણ’ (પવિત્ર ધ્વજ) પર ગુરુવારે એક બાજ (ગરુડ) બેઠો હોવાની ઘટનાએ લાખો ભક્તોને સ્તબ્ધ કરી દીધા છે.
સદીઓથી એવી માન્યતા ચાલી આવે છે કે શ્રીમંદિરના શિખર પર કોઈ પક્ષી ઊડતું નથી, પણ એની વચ્ચે આ દૃશ્યે શ્રદ્ધા અને આશંકા વચ્ચે ઉગ્ર ચર્ચા જગાવી છે. કેટલાક એને યુગના પરિવર્તનની નિશાની માને છે, જ્યારે અન્ય લોકો એને મહાન વિનાશની પૂર્વસૂચના તરીકે જુએ છે.
ADVERTISEMENT
શ્રદ્ધાનું પાસું : ગરુડનું આગમન
ભક્તોનો મોટો વર્ગ આ ઘટનાને સકારાત્મક રીતે જોઈ રહ્યો છે. પૌરાણિક ગ્રંથો અનુસાર ગરુડને ભગવાન વિષ્ણુનું વાહન માનવામાં આવે છે. ભક્તોના કહેવા મુજબ કળિયુગના વધતા પ્રભાવ વચ્ચે ભગવાન ગરુડ પોતે ભગવાન જગન્નાથનું રક્ષણ કરવા માટે નીલચક્ર પર ચડી ગયા છે. પુરીના ઘણા મઠોમાં એને દૈવી રક્ષણાત્મક ચક્ર તરીકે જોવામાં આવે છે.
આશંકાઓનું બજાર
બીજી તરફ ભવિષ્યવાણી પર રિસર્ચ કરનારાઓમાં ચિંતાની લાગણી ફેલાઈ છે. ઓડિશાના પ્રખ્યાત સંત અચ્યુતાનંદ દ્વારા લખાયેલી ‘ભવિષ્ય માલિકા’ અનુસાર આ અશુભ સંકેત છે. મંદિરના ધ્વજ પર શિકારી પક્ષી બેસે અથવા ધ્વજ પડી જાય એ કોઈ મોટા વિશ્વયુદ્ધની, કુદરતી આફતની અથવા સત્તા-પરિવર્તનની નિશાની માનવામાં આવે છે. ૨૦૨૦માં મંદિરના ધ્વજમાં આગ લાગી એના થોડા સમય પછી કોરોનાના રોગચાળાએ સમગ્ર વિશ્વને ઘેરી લીધું હતું.
વિજ્ઞાન અને પરંપરાનો રહસ્યમય સંગમ
શ્રી જગન્નાથ મંદિરને રહસ્યોની ભૂમિ માનવામાં આવે છે. અહીં વિજ્ઞાન પણ એવી માન્યતા સામે નતમસ્તક છે કે પક્ષીઓ કે વિમાન મંદિરના ગુંબજ પરથી ઊડતાં નથી. તેથી ગરુડનું ધ્વજસ્તંભ પર ઊતરવું અને લાંબા સમય સુધી ત્યાં રહેવું એ મંદિરના પરંપરાગત સુરક્ષા અને આધ્યાત્મિક ઊર્જા નિયમોની વિરુદ્ધ માનવામાં આવે છે.
મંદિર પ્રશાસનની અપીલ
મંદિર પ્રશાસને ભક્તોને કોઈ પણ અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે. સેવકોના કહેવા મુજબ આ એક કુદરતી ઘટના હોઈ શકે છે જ્યાં પક્ષી થાકને કારણે આરામ કરવા માટે ત્યાં બેઠું હોય. જોકે મંદિરની પરંપરા અનુસાર ધ્વજ સાથેની કોઈ પણ અસામાન્ય પ્રવૃત્તિ પછી ‘શાંતિપૂજા’ કરવામાં આવે છે અને એની તૈયારીઓ ચાલી રહી છે.
