ઑલ્ટરનેટિવ ફ્યુઅલના ઉપયોગ માટે પેટ્રોલિયમ લૉબી નડતરરૂપ હોવાનો કટાક્ષ પણ કર્યો
કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરી
મુંબઈ-ગોવા હાઇવેનું ૯૫ ટકા કામ પૂરું થઈ ગયું છે, પણ આ પ્રોજેક્ટમાં વિલંબ થયો હોવાને કારણે એનું ઉદ્ઘાટન કરવામાં કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નીતિન ગડકરીને ખચકાટ થતો હોવાનું તેમણે જણાવ્યું હતું. પુણેમાં કૉમ્પ્રેસ્ડ બાયોગૅસ કૉન્ક્લેવમાં નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘હું વ્યક્તિગત રીતે આ રૂટ પર મુસાફરી કરીશ, પરંતુ કામ પૂરું કરવામાં થયેલા વિલંબને લીધે હું પ્રોજેક્ટનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં ખચકાટ અનુભવું છું.’
આ પ્રસંગે તેમણે ગ્રીન ફ્યુઅલ અને વૈકલ્પિક ફ્યુઅલ વિશે વાતચીત કરી હતી. પશ્ચિમ એશિયામાં અત્યારે ચાલી રહેલી કટોકટી ઊર્જા-સુરક્ષાના મુદ્દાનું મહત્ત્વ સમજાવે છે એમ જણાવીને નીતિન ગડકરીએ કહ્યું હતું કે ‘દેશમાં ગ્રીન ફ્યુઅલનો ઉપયોગ પ્રદૂષણ ઘટાડીને કૃષિક્ષેત્રે આત્મનિર્ભર બનાવશે અને પાંચ ટ્રિલ્યન ડૉલરની અર્થવ્યવસ્થા બનવાનું દેશનું સપનું સાકાર થશે.’
ADVERTISEMENT
જોકે બાવીસ લાખ કરોડ રૂપિયાના ફૉસિલ ફ્યુઅલ (પ્રાણી અને વૃક્ષના અશ્મિમાંથી બનેલું અશ્મિભૂત ઈંધણ)ની આયાતમાં લાભ જોતી પેટ્રોલિયમ લૉબી દેશના ઑલ્ટરનેટિવ ફ્યુઅલ તરફ જવાના લક્ષ્યને સરળતાથી પ્રાપ્ત કરવા નહીં દે એવો મત પણ નીતિન ગડકરીએ વ્યક્ત કર્યો હતો. એને કાબૂમાં લેવા સરકાર પ્રયત્નશીલ હોવાની તેમણે ખાતરી આપી હતી.
