આ ઉદ્દેશ સાથે ભારતે ઇમર્જન્સી પાવર્સનો ઉપયોગ કરીને રિફાઇનરીઓને LPGનું પ્રોડક્શન વધારવાનો આદેશ આપ્યો
ફાઇલ તસવીર
ભારતે ઇમર્જન્સી પાવર્સનો ઉપયોગ કરીને ગુરુવારે દેશની તમામ રિફાઇનરીઓને લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (LPG)નું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો હતો. મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ગૅસના પુરવઠામાં વિક્ષેપોને કારણે રાંધણગૅસનો પુરવઠો જોખમમાં મુકાઈ રહ્યો હોવાથી સરકારે રિફાઇનરીઓને પ્રોપેન અને બ્યુટેનના ઉત્પાદનનો આદેશ આપ્યો હતો.
વિશ્વના બીજા ક્રમના સૌથી મોટા LPG આયાતકારે ગયા વર્ષે ૩૩.૧૫ મિલ્યન ટન રાંધણગૅસનો વપરાશ કર્યો હતો, જે પ્રોપેન અને બ્યુટેનનું મિશ્રણ છે. આયાત કરવામાં આવતો LPG વપરાશનો લગભગ બેતૃતીયાંશ હિસ્સો ધરાવે છે, જેમાં મિડલ ઈસ્ટમાંથી લગભગ ૮૫-૯૦ ટકા હિસ્સો આયાત કરવામાં આવે છે.
ADVERTISEMENT
ગુરુવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવેલા આદેશમાં તમામ ઑઇલ રિફાઇનર્સને એમની પાસે ઉપલબ્ધ પ્રોપેન અને બ્યુટેનનો મહત્તમ ઉપયોગ LPGના ઉત્પાદન માટે થાય એનું ધ્યાન રાખવા જણાવવામાં આવ્યું છે.
સરકારે ઉત્પાદકોને LPG, પ્રોપેન અને બ્યુટેન રાજ્ય રિફાઇનરી કંપનીઓ જેવી કે ઇન્ડિયન ઑઇલ કૉર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ કૉર્પોરેશન અને ભારત પેટ્રોલિયમ કૉર્પોરેશનને ઘરોમાં વિતરણ માટે ઉપલબ્ધ કરાવવા જણાવ્યું છે. સરકારી ડેટા દર્શાવે છે કે દેશમાં લગભગ ૩૩.૨ કરોડ સક્રિય LPG ગ્રાહકો છે.
આલ્કાઇલેટ્સના ઉત્પાદનમાં ઘટાડો થશે
LPGના ઉત્પાદન માટે પ્રોપેન અને બ્યુટેનનું ફરજિયાત ડાઇવર્ઝન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા ગૅસોલિન મિશ્રણ ઘટક આલ્કાઇલેટ્સના ઉત્પાદનમાં ઘટાડો કરશે. રિલાયન્સે ગયા વર્ષે દર મહિને લગભગ ૪ કાર્ગો આલ્કાઇલેટ્સની નિકાસ કરી હતી.
સરકારે રિફાઇનર્સને પેટ્રોકેમિકલના ઉત્પાદન માટે પ્રોપેન અને બ્યુટેનનું ડાઇવર્ઝન ન કરવાનો પણ આદેશ આપ્યો હતો. LPGના ઉત્પાદન માટે પ્રોપેન અને બ્યુટેનનું ડાઇવર્ઝન કરવાથી પેટ્રોકેમિકલ કંપનીઓ માટે માર્જિનને નુકસાન થશે જે પૉલિપ્રોપિલિન અને આલ્કાઇલેટ્સ જેવાં ઉત્પાદનો બનાવે છે, કારણ કે તેઓ LPG કરતાં વધુ સારા ભાવ મેળવે છે.
