Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > આ કચ્છી કપલે દિલધડક ચૅલેન્જ ઉપાડીને લાઇફટાઇમ સ્વપ્ન સાકાર કર્યું

આ કચ્છી કપલે દિલધડક ચૅલેન્જ ઉપાડીને લાઇફટાઇમ સ્વપ્ન સાકાર કર્યું

Published : 25 November, 2026 11:51 AM | Modified : 25 November, 2026 11:57 AM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

પચાસ વર્ષની ઉંમરે ગોક્યો રી, ખતરનાક ગ્લેશિયર ધરાવતો ચોલા પાસ અને એવરેસ્ટ બેઝ કૅમ્પનો અતિ દુર્ગમ થ્રી-પાસ રૂટ એકસાથે સર કર્યો જયેશ અને પ્રીતિ મારુએ.

૫૩૫૭ મીટરની ઊંચાઈએ આવેલો ગોક્યો રી જ્યાંથી માઉન્ટ એવરેસ્ટનો ક્લિયર વ્યુ દેખાય છે

પુણેરી ગુજરાતીની ડાયરી

૫૩૫૭ મીટરની ઊંચાઈએ આવેલો ગોક્યો રી જ્યાંથી માઉન્ટ એવરેસ્ટનો ક્લિયર વ્યુ દેખાય છે


વર્ષો સુધી ડોમ્બિવલીમાં રહ્યા પછી કામકાજ અર્થે પુણે શિફ્ટ થયેલાં મૂળ કચ્છના નાના ભાડિયા ગામનાં કચ્છી વીસા ઓસવાળ જૈન જ્ઞાતિનાં જયેશ અને પ્રીતિ મારુએ પચાસ વર્ષની ઉંમરે એકસાથે ગોક્યો રી, ચોલા પાસ અને એવરેસ્ટ બેઝ કૅમ્પનો અતિ દુર્ગમ થ્રી-પાસ રૂટ સફળતાપૂર્વક સર કર્યો છે. પ્રકૃતિપ્રેમી આ કપલે સાબિત કરી દીધું કે મનમાં દૃઢ સંકલ્પ અને એકમેકની હૂંફ હોય તો હિમાલયના બર્ફીલા પહાડો પણ ચડી શકાય છે.

થ્રી-પાસ રૂટ



આજકાલ લગભગ બધા ટ્રેકર્સના બકેટ-લિસ્ટમાં એવરેસ્ટ બેઝ કૅમ્પ (EBC) હોય છે એટલે ટ્રેડિશનલ રૂટ પર ઘણી ભીડ જોવા મળે છે એમ જણાવીને જયેશભાઈ કહે છે, ‘EBC અમારા લિસ્ટમાં હતો જ, પરંતુ કમર્શિયલ ટ્રાફિક પસંદ નહોતો. પ્રકૃતિને સાચા અર્થમાં માણવા, એકમેકને વધુ સમજવા અને આધ્યાત્મિક ચેતનાને જગાડવા માટે બીજા બે પૉઇન્ટ ગોક્યો રી અને ચોલા પાસ ઍડ કર્યા જેને લીધે અમારી ઓવરઑલ જર્ની ૧૭ દિવસની થઈ ગઈ. ટ્રેકિંગની શરૂઆત કૉમન કૅમ્પ નામચે બજારથી થઈ હતી. ફરક એ હતો કે સીધા EBC જનારા જમણી બાજુએ વળ્યા અને અમે ડાબી તરફનો અઘરો રૂટ લીધો. આ રૂટ પર પગ મૂકતાં જ ૯૦ ટકા પબ્લિક ડ્રૉપ થઈ જાય છે. ૧૦ જણના અમારા ગ્રુપમાં અમે બે જ ભારતીય હતા અને ઉંમર પણ અમારી જ વધુ હતી. બાકીના ૪૦ વર્ષથી નીચેની ઉંમરના હતા. ૫૩૫૭ મીટરની ઊંચાઈએ આવેલો ગોક્યો રી એવરેસ્ટ બેઝ કૅમ્પથી તદ્દન અલગ, એક પહાડની ટોચ છે જ્યાંથી માઉન્ટ એવરેસ્ટ, લોત્સે, ચો ઓયુ અને મકાલુ જેવા વિશ્વના ૪ સૌથી ઊંચા પર્વતોનો અદ્ભુત નજારો એકસાથે દેખાય છે.’


૫૪૨૦ મીટરની ઊંચાઈએ આવેલા ચોલા પાસ પર.


૫૪૨૦ મીટરની ઊંચાઈએ આવેલો ચોલા પાસ બે પહાડો વચ્ચેનો અત્યંત સાંકડો, બર્ફીલો અને કઠિન પર્વતીય ઘાટ છે જેને ગોક્યો રી અને EBCને જોડતો પુલ કહી શકો એમ જણાવીને આગળની સફર વિશે પ્રીતિબહેન કહે છે, ‘આખો રસ્તો જોખમી ગ્લેશિયર પરથી પસાર થાય છે. ભારે સ્નોફૉલને કારણે લગભગ પાંચ ફીટ જેટલો બરફ જામી ગયો હતો, જેમાં પગ ખૂંપી જતાં ચાલવા માટે ખૂબ એનર્જી ખર્ચાઈ ગઈ. સૌથી મોટી ચૅલેન્જ એ હતી કે સતત ૧૦ કલાક ચાલવાનું હતું, કારણ કે વચમાં રોકાવા માટે કોઈ સ્થળ નથી. વળી ત્યાં કોઈ ઇમર્જન્સી હેલિકૉપ્ટર-રેસ્ક્યુ પણ શક્ય નથી એટલે ગમે એ ભોગે આગળ નીકળવું જ પડે. એમાં પણ ચોલા પાસની છેલ્લી ચડાઈ તો જાણે મોતને હાથતાળી આપવા બરાબર હતી. ૨૦ ટકા ચડાઈ પર સીધો ૯૦ ડિગ્રી ઍન્ગલવાળો રસ્તો હતો. એકબીજાનો હાથ પકડીને, એકબીજાને હિંમત આપતાં ધીમે-ધીમે અમે આગળ વધતાં રહ્યાં. અમારે આ લાઇફટાઇમ ડ્રીમ પૂરું કરવું જ હતું. ૯ ઑક્ટોબરે નેપાલ જવા રવાના થયાં હતાં, ૨૧ ઑક્ટોબરે ૫૩૬૪ મીટરની ઊંચાઈએ EBC પહોંચ્યા અને ૨૭ ઑક્ટોબરે ઘરે પાછાં આવ્યાં.’

પૂર્વતૈયારી

ભારતમાં કોવિડ આવ્યા પછી ફિટનેસ પ્રત્યે સજાગ બનેલા મારુ દંપતીએ ૨૦૨૨માં દીકરીના માઉન્ટેનિયરિંગ કોર્સથી પ્રેરિત થઈને મહારાષ્ટ્રની સહ્યાદ્રિ રેન્જથી ટ્રેકિંગની શરૂઆત કરી હતી. વીક-એન્ડમાં તેઓ પુણેની આસપાસના ટ્રેક્સ કરે છે. ડેઇલી ૧૦,૦૦૦ સ્ટેપ્સ ચાલવાનો ટાર્ગેટ બનાવ્યો છે. જોકે હિમાલયન ટ્રેક્સ કરવા માટે ઘણી પ્રૅકિટસ જોઈએ. પ્રી-પ્રેપરેશન માટે તેમણે પશ્ચિમ બંગાળનો ‘સંદકફુ ફાલુત’ અને સિક્કિમનો ‘ગોઇચાલા’ ટ્રેક કર્યો હતો. ૬ મહિના પહેલાંથી શરીરને ફ્લેક્સિબલ બનાવવા યોગનાં અઘરાં આસનો અને બ્રીધિંગ પર ધ્યાન આપ્યું હતું. આ કપલ-ડ્રીમ હતું તેથી મેન્ટલ ટ્રેઇનિંગ પર ભાર મૂક્યો જેથી કટોકટીના સમયે એકબીજાને હૂંફ અને મૉરલ સપોર્ટ આપી શકે.

૫૩૬૪ મીટરની ઊંચાઈએ આવેલા એવરેસ્ટ બેઝ કૅમ્પ પર.

અમને વિશ્વાસ હતો કે મહાદેવજી અમારી યાત્રા પૂરી કરાવશે

અમે ઘરેથી જ નક્કી કરીને નીકળ્યાં હતાં કે સાથ જીએંગે, સાથ ચલેંગે અને સાથ હી ક્લાઇમ્બ કરેંગે. આ માત્ર ઍડ્વેન્ચર ટ્રેક નહોતો, આધ્યાત્મિક અનુભવ હતો. જૈન હોવાથી ખાણી-પીણીમાં કૉમ્પ્રોમાઇઝ કર્યું હતું. હિમાલયના વિરાટ પર્વતોની વચ્ચે જાઓ ત્યારે અનાયાસ મહાદેવ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાથી દોરવાઈ જાઓ છો. અમને વિશ્વાસ હતો કે મહાદેવજી અમારી યાત્રા પૂરી કરાવશે. પ્રકૃતિને આટલી નજીકથી જોયા પછી હવે વધારે ને વધારે સમજાય છે કે જીવનમાં બીજી પળની કોઈ ગૅરન્ટી નથી. અમારો જીવન પ્રત્યેનો આખો દૃષ્ટિકોણ બદલાઈ ગયો છે. રોજિંદા જીવનની ફરિયાદો છોડીને એકબીજાને સમજવાનો, એકબીજાને પર્સનલ સ્પેસ આપવાનો વધુ પ્રયાસ કરીશું. ભવિષ્યમાં ૬૦૦૦ મીટરથી ઊંચો પર્વત સર કરવાનું ડ્રીમ છે.

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 11:57 AM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK