ઉત્તર પ્રદેશ મહિલા આયોગના કહેવા મુજબ આવું છે અને એટલે જ તેમણે મહિલાઓની સુરક્ષાના મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો છે કે હવે દરેક જિમ, સૅલોંમાં સ્ત્રીઓ માટે ફીમેલ સ્ટાફ હોવો જોઈએ. એટલું જ નહીં પુરુષ ટેલર મહિલાનું માપ નહીં લઈ શકે અને બ્યુટી પાર્લર કે હેર કટિંગનું કામ પણ પુરુષો નહી કરી શકે જેવી ભલામણો કરવામાં આવી છે. જોકે મહિલા આયોગના આવા વિચાર સાથે શું આજનો સમાજ સહમત થાય છે ખરો? ચાલો જાણીએ
મહિલાઓ પર વધતા જતા અત્યાચાર પર લગામ કસવા તેમ જ તેમની સુરક્ષા વધારવા માટે કેટલાંક પગલાંઓ લેવાની ભલામણ ઉત્તર પ્રદેશ રાજ્ય મહિલા આયોગે કરી છે. આયોગે વિભિન્ન ક્ષેત્રોમાં મહિલાઓની સુરક્ષામાં સુધાર લાવવા માટે કેટલાક પ્રસ્તાવ રાખ્યા છે. આ પ્રસ્તાવમાં પુરુષ દરજીઓ દ્વારા મહિલાઓનું માપ લેવા પર તેમ જ પુરુષો દ્વારા મહિલાઓને જિમ અને યોગ સેન્ટરમાં ટ્રેઇનિંગ આપવા પર પ્રતિબંધ મૂકવાની વાત છે. મહિલા આયોગની ગાઇડલાઇન મુજબ ટેલરની દુકાનમાં મહિલાઓના કપડાંનું માપ પુરુષોને બદલે મહિલાઓ જ લેવી જોઈએ. એવી જ રીતે જિમ-યોગ સેન્ટરના સંચાલકોએ મહિલાઓ માટે મહિલા ટ્રેઇનર રાખવા જોઈએ એટલું જ નહીં, મહિલાઓની કપડાંની દુકાનોમાં મહિલા સ્ટાફને રાખવાની તેમ જ સ્કૂલ બસમાં મહિલા સિક્યૉરિટી ગાર્ડ અથવા મહિલા શિક્ષક રાખવાની ભલામણ પણ પ્રસ્તાવમાં કરવામાં આવી છે. એ સિવાય સલૂનમાં પણ સ્ત્રીઓના વાળ કાપવા માટે ફીમેલ હેરડ્રેસર સ્ટાફ રાખવાનો આગ્રહ રખાયો છે. ૨૮ ઑક્ટોબરે ઉત્તર પ્રદેશમાં મળેલી રાજ્ય મહિલા આયોગની બેઠકમાં દરેક જિલ્લા અધિકારીઓને મહિલા સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત થાય એ માટેની આવી ગાઇડલાઇન્સ આપવામાં આવી હતી.
આ પ્રસ્તાવ અમલમાં આવે એ પહેલાં જ એને કારણે એક ડિબેટ છેડાઈ છે. એક તરફ સ્ત્રીઓ પુરુષ સમોવડી થઈને દરેક ક્ષેત્રમાં ખભેખભા મિલાવીને વિકાસની ખેવના કરે છે ત્યાં બીજી તરફ સુરક્ષા કે સન્માનના મામલે ફરીથી સંકુચિત માનસિકતા તરફ લઈ જતા નિર્દેશો નથી શું? શું આજની મૉડર્ન જમાનાની મહિલાઓને આ પ્રકારની ‘સુરક્ષા’ની જરૂર છે? આ મુદ્દે અમે વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓ સાથે વાત કરી અને જે ક્ષેત્રમાં ‘બેડ ટચ’ની સંભાવનાઓ વધુ દેખાય છે એવા ક્ષેત્રના પુરુષ નિષ્ણાતોને પણ પૂછી જોયું. મુંબઈની ઓપન માઇન્ડેડ સોસાયટીમાં આ બાબતે કેવી ચર્ચાઓ થઈ એ વિશે જાણીએ.
11 November, 2024 04:32 IST | Mumbai | Heena Patel