Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > સેક્સ એન્ડ રિલેશનશિપ > આર્ટિકલ્સ > કેમ સરજાય છે મધર-ડૉટર વચ્ચે ગુસ્સા અને નફરતની દીવાલ?

કેમ સરજાય છે મધર-ડૉટર વચ્ચે ગુસ્સા અને નફરતની દીવાલ?

Published : 25 November, 2026 08:17 AM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

મા એ દીકરીની પહેલી સખી અને માર્ગદર્શક કહેવાય છે એમ છતાં... કેમ સરજાય છે મધર-ડૉટર વચ્ચે ગુસ્સા અને નફરતની દીવાલ?

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સામાન્ય રીતે મા-દીકરી વચ્ચે ખૂબ બનતું હોય છે. તે બન્ને એકબીજાનો પડછાયો હોય છે, પણ હાલમાં ઘણાં ઘરોમાં એવું બહુ જોવા મળી રહ્યું છે કે દીકરીઓને મમ્મીથી ખૂબ જ તકલીફ હોય. ઉંમરના એક પડાવે તે માને નફરત કરવા લાગે છે. તે સમજે છે કે મમ્મી હિટલર છે કે બસ તેને હુકમ ચલાવતાં જ આવડે છે. બાપ અને દીકરા વચ્ચે ઝરતી ચકમક વિશે સમાજમાં આપણે ઘણી વાતો સાંભળી છે, પરંતુ અમુક ઘરોમાં મા અને દીકરી વચ્ચે પણ સમજણને બદલે ફરિયાદો અને પ્રેમને બદલે નફરત હોય છે. આ જટિલ સંબંધને સમજવાની કોશિશ કરીએ

કિસ્સો-૧ ૨૪ વર્ષની રૂપા એક કૉર્પોરેટ ઑફિસમાં કામ કરે છે. તેને તેની મમ્મી સાથે વાત કરવામાં પણ ડર કે ચીડ અનુભવાય છે, કારણ કે રૂપાની મમ્મી હંમેશાં તેની દરેક બાબતમાં, જેમ કે કપડાં પહેરવાથી લઈને કારકિર્દીની પસંદગી સુધી દખલગીરી કરતી અને અન્ય યુવતીઓ સાથે તેની સરખામણી કરતી. રૂપાને ક્યારેય એવું લાગ્યું જ નહીં કે તેની મમ્મી તેને જેવી છે તેવી સ્વીકારે છે, જેના કારણે રૂપાના મનમાં મમ્મી પ્રત્યે ઊંડો ગુસ્સો અને નફરત ઘર કરી ગયાં છે.



કિસ્સો-૨ ૨૧ વર્ષની કૉલેજ-સ્ટુડન્ટ પ્રિયાના બાળપણમાં તેની મમ્મી કામમાં ખૂબ વ્યસ્ત રહેતી અને તેને પૂરતો સમય આપી શકતી નહોતી. જ્યારે મમ્મી ઘરમાં હાજર હોય ત્યારે પણ તે ઘરની જવાબદારીઓનો બોજ પ્રિયા પર નાખી દેતી અને નાની-નાની બાબતોમાં કડક શિસ્ત રાખતી. પ્રિયાને હંમેશાં એવું લાગ્યું કે તેની મમ્મીને તેની લાગણીઓ કે જરૂરિયાતોની કોઈ પડી નથી, તેથી આજે પણ તે મમ્મીથી ભાવનાત્મક રીતે જોડાયેલી નથી અને તેમના પ્રત્યે સતત ગુસ્સામાં રહે છે.


મા અને દીકરીનો સંબંધ દુનિયાના સૌથી ગાઢ અને લાગણીસભર સંબંધોમાં ગણવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે મા એ દીકરીની પહેલી સખી અને માર્ગદર્શક છે, પરંતુ આ એક આદર્શ પરિસ્થિતિ છે. આદર્શ પરિસ્થિતિઓની ખાસિયત એ હોય છે કે એ દરેક જગ્યાએ લાગુ પડતી નથી. ઘણાં ઘરોમાં મા-દીકરીના સંબંધ ઘણા જુદા પણ જોવા મળે છે. ઘણી યુવતીઓને પોતાની મમ્મી પ્રત્યે અત્યંત ગુસ્સો, નારાજગી અથવા તો નફરતની લાગણી પણ અનુભવાતી હોય છે. આ કોઈ અકુદરતી બાબત નથી, પરંતુ એની પાછળ મનોવૈજ્ઞાનિક અને પારિવારિક કારણો છુપાયેલાં હોય છે. ઘણી છોકરીઓ આજની તારીખે પોતાની માને નફરત કરતી હોય છે. તેમના જીવનમાં આવેલા ફેલ્યર અને તકલીફો પાછળ માને જ જવાબદાર ગણતી હોય છે. નાનપણમાં જે ગુસ્સો હોય તે મોટાં થઈને નફરતમાં પરિણમે છે. આવું કેમ થાય છે

દેખીતાં કારણો


મા અને દીકરીના સંબંધો ખરાબ હોય તો એની પાછળ દેખીતાં અમુક કારણો છે, જે વિશે વાત કરતાં સાઇકોલૉજિસ્ટ અને જાણીતાં લેખક ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘અતિશય અપેક્ષાઓ અને સરખામણી એની પાછળનું એક મુખ્ય કારણ છે. ઘણી વાર મમ્મીઓ પોતાની અધૂરી ઇચ્છાઓ કે સપનાંઓ દીકરી દ્વારા પૂરાં કરાવવા માગતી હોય છે. તેઓ દીકરી પર પોતાની પસંદગીઓ થોપે છે અને સતત અન્ય બાળકો સાથે તેની સરખામણી કરે છે. આનાથી દીકરીના આત્મવિશ્વાસને ઠેસ પહોંચે છે અને તેના મનમાં મમ્મી પ્રત્યે વિરોધની ભાવના જન્મે છે. દીકરીને જરૂરી હોય એટલી પણ આઝાદી ન આપવાને લીધે પણ સંબંધ બગડે છે. મા-દીકરીનો સંબંધ એટલો નજીક હોય છે કે ઘણી વાર મમ્મીઓ દીકરીની પર્સનલ સ્પેસનું સન્માન કરવાનું ભૂલી જાય છે. દરેક બાબતમાં અતિશય નિયંત્રણ અને રોકટોક દીકરીને ગૂંગળામણ અનુભવાવે છે.’

સમજવા જેવાં કારણો

બાળપણમાં સતત ટીકા, અપમાન અથવા શારીરિક કે માનસિક શિક્ષાનો ભોગ બનેલી યુવતીઓના મનમાં મમ્મી પ્રત્યેનો ડર સમય જતાં ગુસ્સા અને નફરતમાં બદલાઈ જાય છે. આજના આધુનિક યુગમાં યુવતીઓ પોતાના નિર્ણયો જાતે લેવા માગે છે, જ્યારે જૂની વિચારસરણી ધરાવતી મમ્મીઓ રૂઢિચુસ્ત નિયમો આગ્રહપૂર્વક વળગી રહે છે. આ વિચારભેદ પણ અણબનાવનું મોટું કારણ બને છે. ઘણી વખત ભાવનાત્મક ઉપેક્ષા પણ આ કારણોમાંનું એક કારણ છે. જો મમ્મી પોતાની દીકરીની ભાવનાઓ, મુશ્કેલીઓ કે માનસિક સ્થિતિને સમજવામાં નિષ્ફળ જાય અથવા તેની લાગણીઓને નજરઅંદાજ કરે તો દીકરી અસુરક્ષિત થઈ જાય છે. આ ઉપરાંતની મહત્ત્વની વાત સમજાવતાં ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘ઘણી વખત મા પોતે જ વિક્ટિમ હોય છે. સાસુ પરનો કે પતિ પરનો ગુસ્સો બાળક પર ઉતારતી હોય છે. પોતાને અમુક વાર ખરાબ બાળપણનો સામનો કરવો પડ્યો હોય તો એની અસર તેના માતૃત્વ પર પડતી હોય એમ પણ બને. જ્યારે વ્યક્તિ ખુદ ખુશ નથી તો બીજાને ખુશ નથી રાખી શકતી. પોતાની જોડે સતત ખોટું થઈ રહ્યું છે તો બીજા સાથે, ભલે પછી તે તેનું બાળક જ કેમ ન હોય, તેને પણ તે સાચી અને સારી રીતે મોટું કરી શકે એ અઘરું થઈ પડે છે. આ કારણો ખૂબ જ ઊંડે જઈને તપાસવાં પડે છે, સમજવાં પડે છે અને એના પર કામ કરવું પડે છે.’

મા સાથેના ખરાબ સંબંધોની
દીકરી પર અસર

મમ્મી સાથેના ખરાબ સંબંધોની સીધી અને ઊંડી અસર દીકરીના વ્યક્તિગત અને સામાજિક જીવન પર પડે છે. આવી છોકરીઓમાં આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. જે યુવતીને બાળપણથી જ પોતાની મમ્મી પાસેથી પ્રશંસાને બદલે માત્ર ટીકા જ મળી હોય તે પુખ્ત વયે પણ પોતાની જાત પર શંકા કરતી રહે છે અને હીનતાગ્રંથિ અનુભવે છે. આ વિશે સમજાવતાં ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘તેમના એક સંબંધની અસર અન્ય સંબંધો પર પણ પડે છે. મા-દીકરીનો સંબંધ એ વ્યક્તિના જીવનનો પહેલો પાયો છે. જો આ સંબંધ અસુરક્ષિત કે નફરતભર્યો હોય તો યુવતી ભવિષ્યમાં મિત્રતા કે પ્રેમસંબંધોમાં પણ વિશ્વાસ મૂકવામાં ડરે છે અથવા ડર અને અસલામતી અનુભવે છે. સતત ઘરમાં તનાવપૂર્ણ વાતાવરણ રહેવાથી દીકરી માનસિક રીતે થાકી જાય છે. તેનામાં ગુસ્સો, ડિપ્રેશન અને ચિંતાનું પ્રમાણ વધી જાય છે. આવી યુવતીઓ પોતાના પરિવાર અને અન્ય લોકોથી ભાવનાત્મક રીતે કપાઈ જાય છે અને પોતાની લાગણીઓ વ્યક્ત કરવામાં અસમર્થ બને છે.’

ઉપાય

આ સમસ્યાના ઉકેલ મોટા ભાગે ખુલ્લા સંવાદમાં, એકબીજાની મર્યાદાઓનું સન્માન કરવામાં અને પારસ્પરિક સ્વીકૃતિમાં રહેલો છે. ક્યારેક વ્યાવસાયિક કાઉન્સેલિંગની મદદથી પણ આ પેચીદા સંબંધની ગાંઠોને ઉકેલી શકાય છે, જેના વિશે વાત કરતાં ડૉ રિરી ત્રિવેદી કહે છે, ‘કોઈ વ્યક્તિ પ્રત્યેનો ગુસ્સો અને નફરત તમને ઘણી બધી રીતે અસર કરે છે, ખાસ કરીને તે વ્યક્તિ જો તમારી મા હોય તો. આવા સંજોગોમાં થેરપી લેવી જ. ફક્ત કાઉન્સેલિંગથી નહીં ચાલે. એમાં ઉપરથી તકલીફો હટશે, પરંતુ અંદરથી કશું જ ઠીક નહીં થાય. થેરપીથી શું થશે કે તમે અંદરથી શાંતિ અનુભવશો. મમ્મી પ્રત્યેની ફરિયાદો ઓછી અને અનુકંપા જાગૃત કરી શકાશે, પરંતુ આટલી હદે વણસેલા સંબંધોને અમે પ્રેમભર્યા બનાવી નથી શકતા. એ અઘરું છે, કારણ કે વર્ષોના ઘાવ રુઝાઈ શકે છે, મટી શકવા અઘરા છે.’

વયની સાથે બદલાતો સંબંધ 
સોશ્યલ મીડિયા પર પણ ઘણી છોકરીઓ કહેતી જોવા મળી રહી છે કે નાનપણમાં મને લાગતું કે મારી દાદી કે મારા પપ્પા ખરાબ છે, કારણ કે મમ્મીની નજરે હું તેમને જોતી હતી; પરંતુ હવે મોટા થયા પછી સમજાય છે કે એવું નથી. મારા પપ્પા તો સારા જ છે, સાચા જ હતા. ઘણી છોકરીઓ એવું પણ કહી રહી છે કે ઍડલ્ટ બન્યા પછી મમ્મી સાથે એકલાં રહીને જોયું ત્યારે સમજાયું કે મમ્મીમાં પણ ઘણા પ્રૉબ્લેમ્સ હતા એટલે પિતાએ પણ ઘણું સહન કર્યું છે. આમ કિસ્સાઓ સમજાવે છે કે નાનપણથી સંબંધ સરખો જ હોય એવું નથી હોતું. સંબંધ બદલાય પણ છે. વયસ્ક વયે જ્યારે સમજણ વધે ત્યારે સંબંધ પહેલાં જેવો ન પણ રહે એવું બનતું હોય છે.

દીકરી પર ઘેરી અસર 
એક મહત્ત્વની અસરની વાત કરતાં ડૉ. રિરી ત્રિવેદી કહે છે, ‘આવી છોકરીઓને તેમની મા ઉપરાંત તેના જેવી જ બીજી ઑથોરિટીવાળી સ્ત્રીઓ સાથે પણ ભાગ્યે જ બનતું હોય છે, જેમાં સાસુ, જેઠાણી કે બૉસ બધાં જ આવી જાય. અમારી પાસે આવતા કેસમાં મેં ખાસ જોયું છે કે વહુ જ્યારે ફરિયાદ કરે કે મારી સાસુ મને હેરાન કરે છે ત્યારે ખરેખર અમે જોયું છે કે હેરાનગતિ જેવું કશું હોતું નથી. છતાં એનાથી સાસુ સહન નથી થઈ રહી, કારણ કે તેણે વર્ષોથી પોતાની માને સહન કરી છે. બૉસ પણ મા જેવા જ હોય તો તે તેનાથી કેમેય સહન ન થતા હોય એવું બને.’

Whatsapp-channel Whatsapp-channel

25 November, 2026 08:17 AM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK