ઠાકોરજીમાં અનન્ય પ્રીતિ ધરાવતા કાંદિવલીના વિશાલ પારેખે શ્રાવણ માસથી શરૂ કરેલા અનુષ્ઠાનની સંખ્યા પૂર્ણ કરવા તેમ જ આત્મશુદ્ધિ અને ચિત્તની પ્રસન્નતા માટે ૮૧ દિવસ સુધી મૌનવ્રત ધારણ કરીને, માત્ર ગરમ પાણી પીને કઠોર તપસ્યા કરી
(ડાબેથી) બીજી નવેમ્બરે વિશાલ પારેખને પારણાં કરાવતા પરિવારજનો. તપ શરૂ કર્યા પહેલાં પરિવાર સાથે. તપ દરમ્યાન તેમનું વજન ૨૦ કિલો જેટલું ઘટી ગયું હતું.
સામાન્ય રીતે પુષ્ટિ સંપ્રદાયમાં ઠાકોરજીની સેવા, કીર્તન અને સ્મરણનું વિશેષ મહત્ત્વ છે. ઉપવાસની પરંપરા છે, પરંતુ જૈન ધર્મના સાધુ કે શ્રાવકોની જેમ કોઈ વૈષ્ણવ સેવક માત્ર ગરમ પાણી પીને તપ કરે એ અસાધારણ ઘટના છે. ઠાકોરજીમાં અનન્ય પ્રીતિ ધરાવતા મૂળ મહુવાના અને હાલમાં કાંદિવલીમાં રહેતા કપોળ જ્ઞાતિના ૪૯ વર્ષના વિશાલ પારેખે કાયાને કષ્ટ આપનારું ૮૧ દિવસનું કઠોર તપ કર્યું હતું. મહાદેવજીના અનુષ્ઠાનની સંખ્યા પૂરી કરવા તેમ જ આત્મશુદ્ધિ અને ચિત્તની પ્રસન્નતા માટે તેમણે શ્રાવણ મહિનાથી મૌન વ્રત ધારણ કર્યું હતું અને માત્ર ગરમ પાણી પીતા હતા. બીજી નવેમ્બરે વિરારમાં આવેલા વૃદ્ધાશ્રમમાં પૂર્ણાહુતિના હવન, ગરીબોને ભોજન અને ગૌમાતાની સેવા બાદ તેમણે પારણાં કર્યાં હતાં. મૌનવ્રત પૂરું થયા પછી ‘મિડ-ડે’એ તેમની સાથે વાત કરવાની કોશિશ કરી હતી, પણ લાંબા મૌન પછી તેઓ હજી સરખી રીતે બોલી શકવાની સ્થિતિમાં નથી.
વિશાલભાઈની આ કઠોર તપસ્યા વિશે ‘મિડ-ડે’ને જણાવતાં તેમનાં પત્ની હેતલબહેને કહ્યું હતું કે ‘તેઓ છેલ્લાં ૧૫ વર્ષથી શ્રાવણમાસમાં અનુષ્ઠાન કરે છે. આખો મહિનો મૌનવ્રત રાખે અને ભોજનમાં માત્ર મગ-રોટલી લે છે. આ વર્ષે શ્રાવણ માસમાં અનુષ્ઠાનની સંખ્યા વધારવી હતી. મંત્રોના જાપ વધારવા હોય તો જે કરતા હોઈએ એના કરતાં આગળ વધીને કઠોર તપ કરવું પડે. આથી તેમણે ધારેલી સંખ્યા પૂરી થાય ત્યાં સુધી મૌનવ્રતની સાથે માત્ર ગરમ પાણી પીવાનું નક્કી કર્યું હતું. અનુષ્ઠાનની સંખ્યા અમને જણાવી નહોતી. પ્રભુચરણમાં રહીને કંઈક કરવાની તેમની ઇચ્છાને માન આપીને અમે પણ વધુ ન પૂછ્યું. તેઓ ઠાકોરજીને જ પોતાના ગુરુ માને છે અને નિત્ય સેવા પણ કરે છે. વૈષ્ણવ સંપ્રદાય મુજબ મહાદેવજી પ્રથમ વૈષ્ણવ કહેવાય તેથી હંમેશાંથી મહાદેવજીમાં આસ્થા રહી છે. કુળદેવી વેરાઈ માતાના હવનમાં પણ જાય. જોકે ચિત્ત હંમેશાં ઠાકોરજીમાં લીન હોય. કઠોર તપ દરમ્યાન સવારે ઠાકોરજીની સેવા અને અનુષ્ઠાન કર્યા પછી જ ગરમ પાણી પીવાનું રાખ્યું છે. તપ કેટલા દિવસ કરવું એ પહેલેથી નક્કી નહોતું, પણ ૯નો આંકડો મનોમન વિચારી રાખ્યો હતો. તેમનાં અનુષ્ઠાન પૂરાં થઈ ગયાં પછી પણ ૮૧ (૮+૧=૯)નો આંકડો લેવા માટે તેમણે વ્રત બે દિવસ લંબાવ્યું હતું.’
ADVERTISEMENT
વિશાલભાઈ સૉફ્ટવેર ડેવલપર તરીકે કામ કરે છે. હાલમાં તેમણે વર્ક ફ્રૉમ હોમ લીધું હતું. પરિવાર સાથે સંવાદ સાધવા પાટી-પેનનો ઉપયોગ કરતા હતા. વ્યવસાયે ટેક્નૉલૉજીની દુનિયા સાથે જોડાયેલા હોવા છતાં ડિજિટલ ડીટૉક્સ માટે ૧૩ ઑગસ્ટથી સોશ્યલ મીડિયાથી દૂર રહ્યા છે. હેતલબહેને જણાવ્યું હતું કે ‘વૈષ્ણવ સંપ્રદાય મુજબ કોઈ પણ વ્રત અથવા મનોરથની પૂર્ણાહુતિ યજ્ઞ દ્વારા કરાય છે. તેમની પોતાની ઇચ્છા પ્રમાણે યજ્ઞ, વડીલોના આશીર્વાદ, કન્યાપૂજન અને ગૌમાતાની સેવા બધું જ એક સ્થળે થઈ શકે એ માટે પૂર્ણાહુતિ મહોત્સવ વિરાર (ઈસ્ટ)માં ટોલનાકા પાસે આવેલા ‘બાબા ભાસ્કર પવાર વૃદ્ધાશ્રમ’ (સકવર) ખાતે રાખ્યો હતો. આ જગ્યા પસંદ કરવાનું કારણ એ કે આશ્રમમાં ૭૦ જેટલા વડીલો અને ગૌશાળા છે. બાજુમાં સ્કૂલ હોવાથી કન્યાપૂજન થઈ શકે અને આસપાસ ગરીબોની વસ્તી હોવાથી અન્નદાનનું પુણ્ય મળે. આશ્રમમાં ઠાકોરજીના અન્નકૂટનો મનોરથ પણ કર્યો. કાંદિવલીથી વૈષ્ણવોને લાવવા-લઈ જવા માટે બસસેવાની વ્યવસ્થા રાખી હતી.’
વિશાલભાઈનું વજન ૨૦ કિલો જેટલું ઊતરી ગયું છે. તેમની ઇચ્છા તપને ૧૦૮ દિવસ સુધી લંબાવવાની હતી, પરંતુ દિવાળી પછી તેમની બહેનના ઘરે લગ્નપ્રસંગ આવતો હોવાથી પરિવારના સભ્યોએ વ્રત ૮૧ દિવસમાં પૂરું કરવાની વિનંતી કરી હતી. પુષ્ટિ સંપ્રદાયમાં કોઈ સેવકે આવી કઠોર તપસ્યા કરી હોવાના સમાચાર વહેતા થતાં જ વૈષ્ણવોમાં આશ્ચર્ય અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.
વિશાલભાઈએ ‘મિડ-ડે’ને લખીને જણાવ્યું હતું કે ‘આ કઠોર તપ ભૌતિક સુખ કે સાંસારિક ઇચ્છાપૂર્તિ માટે નથી કર્યું, પરંતુ મારા આરાધ્યદેવ ઠાકોરજીની વધુ ને વધુ નિકટ જવા અને આત્માની શુદ્ધિ માટે કર્યું છે. મૌનવ્રતથી મને આધ્યાત્મિક બળ મળે છે.’
પારિવારિક જીવન
વિશાલભાઈ વૈષ્ણવ છે, જ્યારે તેમનાં પત્ની હેતલ જૈન છે. હિન્દુજા કૉલેજમાં સાથે ભણતાં હતાં ત્યારે તેમની વચ્ચે પ્રેમ પાંગર્યો અને ૧૯૯૯માં લગ્ન કર્યાં. બન્નેએ એકબીજાની ધાર્મિક આસ્થાનો આદર કર્યો છે. પતિને સાથ આપવા માટે હેતલબહેન શ્રાવણ માસમાં એકટાણાં કરે છે તો બીજી તરફ પત્નીને સાથ આપવા વિશાલભાઈ પર્યુષણ પર્વના ૮ દિવસ ઉપવાસ કરે છે. વિશાલભાઈ કંદમૂળ ખાય છે, પરંતુ ઠાકોરજી પ્રત્યે અનન્ય પ્રીતિ હોવાથી અને તામસી આહારના ત્યાગરૂપે કાંદા-લસણ છોડી દીધાં છે. હેતલબહેનને પુષ્ટિમાર્ગીય પરંપરા મુજબ ઠાકોરજીની રાજભોગ અને સખડી સેવા કરતાં આવડે છે. સંતાનમાં તેમને એક દીકરો છે. હેતલબહેનને અત્યારે એક જ ચિંતા સતાવી રહી છે કે પારણાં પછી પતિની કાળજી કઈ રીતે લેવી. જોકે પોતે જૈન હોવાથી તપના નિયમો અને વિજ્ઞાનને સારી રીતે સમજે છે. આટલા લાંબા ઉપવાસને કારણે હોજરી સંકોચાઈ જાય છે. ઉપવાસ કરવા જેટલા અઘરા છે એના કરતાં પણ વધુ ધ્યાન પારણાં પછીના દિવસોમાં રાખવું પડે છે. વિશાલભાઈના શરીરને ફરીથી સામાન્ય આહાર પર લાવવામાં ઘણા દિવસો લાગશે.
