વૉર્ડ સાફ રાખવામાં નગરસેવકો શું કરી રહ્યા છે? દુર્ગંધ નિયંત્રણમાં નહીં આવે તો આકરા આદેશો આપવા પડશે
ફાઇલ તસવીર
કાંજુરમાર્ગ ડમ્પિંગ ગ્રાઉન્ડમાંથી ફેલાતી અસહ્ય દુર્ગંધ અને પ્રદૂષણ પર જો તાત્કાલિક નિયંત્રણ નહીં આવે તો આકરા આદેશો આપવા પડશે એવી કડક ચેતવણી બૉમ્બે હાઈ કોર્ટે આપી છે. હાઈ કોર્ટે પોતાના વિસ્તારો સાફ રાખવા બાબતે નગરસેવકો અને કાઉન્સિલર્સની ભૂમિકા સામે પણ આકરા સવાલો ઉઠાવ્યા હતા અને જાહેર રસ્તાઓ પર કચરો ઠાલવવાની વારંવાર સર્જાતી સમસ્યા ઉકેલવા તેઓ શું કરી રહ્યા છે એવો વેધક પ્રશ્ન પૂછ્યો હતો.
અદાલતે એવી ટકોર કરી હતી કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ મ્યુનિસિપલ વહીવટીતંત્રની ટીકા કરવા સિવાય કશું જ કરતા ન હોવાનું જણાય છે, જ્યારે વાસ્તવમાં તેઓ જે વિસ્તારનું
પ્રતિનિધિત્વ કરે છે એના પ્રત્યે તેમની પણ સીધી જવાબદારી બને છે.
જસ્ટિસ ગિરીશ કુલકર્ણી અને જસ્ટિસ નીલા ગોખલેની બેન્ચે આ બાબતે વિવિધ પિટિશન્સની સુનાવણી દરમ્યાન આ આકરી ટિપ્પણી કરી હતી. આ અરજીઓમાં ડમ્પિંગ ગ્રાઉન્ડ નજીક રહેતા સ્થાનિક રહીશો દ્વારા અસહ્ય દુર્ગંધ, ઝેરી વાયુઓનું ઉત્સર્જન અને આરોગ્ય સંબંધિત ગંભીર જોખમો વિશે રજૂઆત કરવામાં આવી હતી.
અદાલતે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના કમિશનરને વેસ્ટ સેગ્રિગેશનની વ્યવસ્થા તપાસવા, વૉર્ડ મુજબ કચરાનું ઑડિટ કરાવવા તેમ જ ફરજમાં બેદરકારી દાખવનારા વૉર્ડ-ઑફિસર્સ સામે કડક પગલાં લેવા નિર્દેશ આપ્યા હતા.
