Mumbai News: રવિવારે સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન અને ટ્રાન્સ હાર્બર લાઇનમાં બ્લૉક; પરેલના બિલ્ડિંગમાં આગ અને વધુ સમાચાર
બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી
મુંબઈ પોલીસે ૮૦.૫૫ લાખ રૂપિયાના ગુટકા અને સુગંધિત સોપારીની દાણચોરીના રૅકેટનો પર્દાફાશ કર્યો છે. આ રૅકેટમાં સંડોવાયેલા ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. બાતમીના આધારે કાર્યવાહી કરતાં મુલુંડમાં બંધ પડેલા જૂના ટોલપ્લાઝા નજીક એક ખાલી પ્લૉટમાંથી પ્રતિબંધિત ગુટકાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ જપ્ત કરાયેલા ગુટકાની કિંમત ૮૦.૫૫ લાખ રૂપિયા છે, જ્યારે જપ્ત કરાયેલાં ૧૪ વાહનોની કિંમત ૧.૨૦ કરોડ રૂપિયા છે. વિક્રોલી પોલીસ-સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે તેમ જ રૅકેટ સાથે સંકળાયેલી વધુ વ્યક્તિઓને શોધવા માટે તપાસ ચાલી રહી છે.
રવિવારે સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન અને ટ્રાન્સ હાર્બર લાઇનમાં બ્લૉક
ADVERTISEMENT
રવિવારે સેન્ટ્રલ રેલવેની મેઇન લાઇન પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) અને વિદ્યાવિહાર વચ્ચે અપ અને ડાઉન સ્લો લાઇન પર સવારે ૧૦.૫૫થી બપોરે ૩.૫૫ વાગ્યા સુધી બ્લૉક રહેશે. એ દરમ્યાન સવારે ૧૦.૪૮થી બપોરે ૩.૪૫ વાગ્યા સુધી CSMTથી ઊપડતી ડાઉન સ્લો લાઇનની ટ્રેનો વિદ્યાવિહાર સુધી ડાઉન ફાસ્ટ લાઇન પર દોડશે તેમ જ ઘાટકોપરથી સવારે ૧૦.૧૯થી બપોરે ૩.૫૨ વાગ્યા સુધી ઊપડતી અપ સ્લો લાઇનની ટ્રેનો વિદ્યાવિહાર અને CSMT વચ્ચે અપ ફાસ્ટ લાઇન પર વાળવામાં આવશે. આ ટ્રેનો ભાયખલા, પરેલ, દાદર, માટુંગા, સાયન અને કુર્લા સ્ટેશનો પર પણ રોકાશે. ટ્રાન્સ-હાર્બર લાઇન પર થાણે અને વાશી-નેરુળ વચ્ચેની અપ અને ડાઉન ટ્રેનો સવારે ૧૧.૧૦થી સાંજે ૪.૧૦ વાગ્યા સુધી બંધ રહેશે.
ટ્રાફિક-ફાઇનને લીધે ગુસ્સે ભરાયેલા મોટરિસ્ટે કૉન્સ્ટેબલને લાફો મારી દીધો
વિક્રોલીના એક બિઝી જંક્શન પર ગુરુવારે અચરજભરી ઘટના બની હતી. એક મોટરિસ્ટ ફોન પર વાત કરતાં-કરતાં ડ્રાઇવ કરી રહ્યો હતો ત્યારે ટ્રાફિક-કૉન્સ્ટેબલે તેને રોકીને ઈ-ચલાન ઇશ્યુ કર્યું હતું. મોટરિસ્ટના મોબાઇલ ફોન પર જ્યારે ૨૦૦૦ રૂપિયાના દંડના ઈ-ચલાનનો મેસેજ આવ્યો ત્યારે તે એકદમ ગુસ્સે ભરાઈ ગયો હતો અને તેણે કૉન્સ્ટેબલ તરફ પાછા આવીને ઝઘડો કર્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. આ ઘટનાને નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે ઝઘડામાં મોટરિસ્ટે કૉન્સ્ટેબલને લાફો મારી દીધો હતો અને ધક્કો મારીને નીચે પાડી દીધો હતો. તાત્કાલિક પોલીસને અલર્ટ કરવામાં આવી હતી. થોડી જ વારમાં આરોપી મોટરિસ્ટની ધરપકડ કરવામાં આવી હતી.
પરેલના બિલ્ડિંગમાં આગ
શુક્રવારે સાંજે પરેલના એક રેસિડેન્શિયલ બિલ્ડિંગમાં આગ લાગી હતી. સયાની રોડ પર MSRTC બસડેપોની સામે આવેલા લોધા ગ્રૅન્ડ્યૉર બિલ્ડિંગમાં સાંજે ૬.૨૦ વાગ્યે આગ લાગી હતી અને ૪ ફાયર-એન્જિનની મદદથી સાંજે ૭.૩૫ વાગ્યે એને કાબૂમાં લેવામાં આવી હતી. આગ વાંસની પાલખ અને ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોર કરેલી વસ્તુઓ સુધી મર્યાદિત રહેતાં જાનહાનિ ટળી હતી. આગને કારણે આખા બિલ્ડિંગમાં ધુમાડો ફેલાયો હતો. આગનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
મુંબઈ મૅરથૉનના રનર્સ આ વખતે કોસ્ટલ રોડ પરથી પણ દોડશે
૧૮ જાન્યુઆરીએ યોજાઈ રહેલી તાતા મુંબઈ મૅરથૉનમાં દોડવીરો ૪૨ અને ૨૧ કિલોમીટરના બે રૂટમાં ભાગ લેવાના છે. જોકે આ બન્ને રૂટના ઍથ્લીટ્સ માટે એક રોચક સમાચાર છે. આ વખતના રનિંગ રૂટમાં કોસ્ટલ રોડનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. એટલે કે ઍથ્લીટ્સ મૅરથૉનમાં સહભાગી થવા સાથે બાંદરા-વરલી સી-લિન્કના આઇકૉનિક દૃશ્યને પણ માણી શકશે.
વાશીમાં મર્સિડીઝમાંથી મળ્યા ૧૬.૧૬ લાખ રૂપિયા
ચૂંટણી અગાઉ ગેરકાયદે કૅશ રૂપિયા અને હથિયાર જપ્ત થવાના કેસ વધી રહ્યા છે. નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ની મૉડલ કોડ ઑફ કન્ડક્ટ (MCC) એન્ફોર્સમેન્ટ ટીમે શુક્રવારે એક મર્સિડીઝમાંથી ૧૬.૧૬ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. NMMCએ આચારસંહિતાનું પાલન યોગ્ય રીતે થાય એ માટે નવી મુંબઈના એન્ટ્રી પૉઇન્ટ અને મુખ્ય ૯ સ્થળોએ ૨૭ સ્ટૅટિક સર્વેલન્સ ટીમ (SST) તહેનાત કરી છે. ટીમે સઘન ચેકિંગ કરતાં શુક્રવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે APMC માર્કેટ નજીક ચેકપોસ્ટ પર એક કારને અટકાવવામાં આવી હતી. એ કારમાં કૅશ હોવાનું જાણવા મળ્યું એ પછી ચેકિંગ કરતાં એમાંથી ૧૬.૧૬ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા. ચૂંટણીપંચના નિર્દેશ મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવશે એમ અધિકારીઓએ કહ્યું છે.


