બાળક પાસે નાયલૉન માંજો મળે તો પેરન્ટ્સને ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ કરવાનો વિરોધ કરનાર વાલીને કોર્ટનો જવાબ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
ઉતરાણના દિવસો દરમ્યાન પેરન્ટ્સ સતત તેમનાં બાળકો પર નજર રાખી શકતા નથી એવી દલીલ ગુરુવારે એક વાલીએ બૉમ્બે હાઈ કોર્ટની નાગપુર બેન્ચમાં કરી હતી.
સગીર બાળક પાસેથી બૅન કરવામાં આવેલો નાયલૉન માંજો મળી આવે તો પેરન્ટ્સને ૫૦,૦૦૦ રૂપિયા દંડ કરવાના પ્રસ્તાવને પડકારવા માટે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ અરજીની સુનાવણી દરમ્યાન વાલીએ દલીલ કરી હતી કે ‘આજકાલ બાળકો પેરન્ટ્સનું સાંભળતાં નથી. મમ્મી-પપ્પા બન્ને નોકરી કરતાં હોય ત્યારે આખો દિવસ બાળક પર નજર રાખવી શક્ય પણ નથી હોતી.’
ADVERTISEMENT
જોકે હાઈ કોર્ટની ડિવિઝન બેન્ચે આ દલીલો સામે નારાજગી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ‘આવા તર્ક લઈને પબ્લિક-સેફ્ટી સાથે ચેડાં ન કરી શકાય. ઉતરાણ થોડાક દિવસો હોય છે. એટલા દિવસ બાળકનું ધ્યાન રાખી જ શકાય છે.’
આ કેસને ૧૫ દિવસ માટે મુલતવી રાખવાની વાલીની વિનંતીને પણ કોર્ટે ફગાવી દીધી હતી અને આગામી સુનાવણી ૧૨ જાન્યુઆરીએ રાખી છે.
આ અગાઉ ૨૪ ડિસેમ્બરની સુનાવણીમાં કોર્ટે જ પ્રસ્તાવ મૂક્યો હતો કે જો સગીર બાળક પાસેથી નાયલૉન માંજો મળી આવે તો પેરન્ટ્સને ૫૦,૦૦૦ રૂપિયાનો અને માંજો વેચનાર તથા સપ્લાય કરનારાને અઢી લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે.


