હાઈ કોર્ટનો નવી મુંબઈના વૉર્ડ-નંબર 17Aના ઉમેદવારોની યાદીમાં BJPના કૅન્ડિડેટનો સમાવેશ કરવાનો આદેશ
ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે શુક્રવારે નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC)ની આગામી ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવાર નીલેશ ભોજનેના નામાંકનને નકારી કાઢવાના રિટર્નિંગ ઑફિસરના આદેશને રદ કર્યો હતો અને તેમનું નામ સ્વીકૃત ઉમેદવારોની યાદીમાં સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.
NMMCના વૉર્ડ-નંબર 17Aમાં નીલેશ ભોજનેના નામાંકનને નકારી કાઢવાને ગેરકાયદે ગણાવીને કોર્ટે ત્યાં ચૂંટણી પરનો વચગાળાનો સ્ટે ઉઠાવી લીધો હતો. કોર્ટે આદેશ આપ્યો કે ચૂંટણી સમયપત્ર મુજબ યોજવામાં આવે અને યાદીમાં નીલેશ ભોજનેનું નામ સામેલ કરવા માટે મતપત્ર ફરીથી છાપવાની જરૂરી વ્યવસ્થા કરવામાં આવે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટની કલમ 10(1D) હેઠળ નીલેશ ભોજનેનું નામાંકન ફૉર્મ રિટર્નિંગ ઑફિસર દ્વારા નામંજૂર કરવામાં આવ્યું હતું, કારણ કે તેમની મિલકત પર અનધિકૃત બાંધકામ થયું હતું. મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમની બેન્ચે ગુરુવારે વૉર્ડ 17A (વાશી)માં આગામી ચૂંટણી અને રિટર્નિંગ ઑફિસરના આદેશ પર વચગાળાનો સ્ટે આપ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે રિટર્નિંગ ઑફિસરે નીલેશ ભોજનેના ઉમેદવારી ફૉર્મને નકારી કાઢીને પ્રાથમિક દૃષ્ટિએ ગેરકાયદે અને મનસ્વી રીતે સત્તાનો ઉપયોગ કર્યો છે.
નીલેશ ભોજનેએ ૧૫ જાન્યુઆરીની ચૂંટણી માટે રિટર્નિંગ ઑફિસરના ૨૦૨૫ની ૩૧ ડિસેમ્બરના આદેશને પડકાર્યો હતો જેમાં તેમનું નામાંકન અમાન્ય જાહેર કરવામાં આવ્યું હતું.
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ કૉર્પોરેશન ઍક્ટની કલમ 10(1D) મુજબ જો કોઈ વ્યક્તિ અથવા તેના આશ્રિત પરિવારના સભ્યએ કોઈ ગેરકાયદે અથવા અનધિકૃત માળખું બનાવ્યું હોય તો તેને કાઉન્સિલર બનવા માટે ગેરલાયક ઠેરવવામાં આવશે.
પોતાની અરજીમાં નીલેશ ભોજનેએ જણાવ્યું હતું કે આ કલમ ફક્ત વર્તમાન કાઉન્સિલરને લાગુ પડે છે, ઉમેદવારને નહીં.


