હવે શિંદેસેના-NCPએ BJPને સત્તાથી દૂર રાખવા માટે જૂથ બનાવ્યું, ૬૦ સભ્યોની નગરપરિષદમાં ૩૨ જણ ભેગા થઈ ગયા
ફાઇલ તસવીર
અંબરનાથ નગરપરિષદમાં વધુ એક વળાંક આવ્યો છે. એકનાથ શિંદેની શિવસેના અને અજિત પવારની આગેવાની હેઠળની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)એ શુક્રવારે એક અપક્ષ સભ્ય સાથે મળીને ભારતીય જનતા પાર્ટી (BJP)ને સત્તાથી દૂર રાખીને નગરપરિષદમાં સત્તા રચવાનો દાવો કરવા માટે એક જૂથ બનાવ્યું છે.
શિવસેનાના એક સ્થાનિક વરિષ્ઠ નેતાએ પુષ્ટિ કરી હતી કે તેમની પાર્ટી, NCP અને એક અપક્ષ અંબરનાથમાં સત્તા કબજે કરવાના પ્રયાસમાં સાથે આવ્યા છે. આ નવા જૂથની રચના વિશેનો પત્ર જિલ્લા અધિકારીઓને સુપરત કરવામાં આવ્યો છે. કૉન્ગ્રેસે એના ૧૨ સસ્પેન્ડ કરાયેલા નગરસેવકો BJPમાં જોડાયાના એક દિવસ પછી આ ઘટનાક્રમ જાણવા મળ્યો છે.
ADVERTISEMENT
આ ઘટનાક્રમને લીધે સસ્પેન્ડ કરાયેલા કૉન્ગ્રેસના નગરસેવકોને પાર્ટીમાં સામેલ કર્યા પછી પણ અંબરનાથ નગરપરિષદમાં સત્તા મેળવવાની BJPની સુવ્યવસ્થિત યોજનાઓ ખોરવાઈ જશે એમ તેમણે જણાવ્યું હતું. NCPના એક નેતાએ પણ આ ઘટનાક્રમની પુષ્ટિ કરી છે.
૨૦ ડિસેમ્બરે સ્થાનિક ચૂંટણી પછી BJPના સ્થાનિક જૂથે ‘અંબરનાથ વિકાસ આઘાડી’ (AVA)ના બૅનર હેઠળ નગરપરિષદમાં સત્તા મેળવવા માટે એના કટ્ટર હરીફ કૉન્ગ્રેસ સાથે હાથ મિલાવ્યા અને સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવેલી સાથી-શિવસેનાને બાજુએ મૂકી દીધી છે.
અંબરનાથ નગરપરિષદ ૬૦ સભ્યોની છે અને ૩૧ બેઠકોની બહુમતી મેળવીને સત્તા પર આવી શકાશે. ૨૦ ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં શિવસેનાએ ૨૭, BJPએ ૧૪, કૉન્ગ્રેસે ૧૨ અને NCPએ ૪ બેઠક પર જીત મેળવી હતી. એ ઉપરાંત બે અપક્ષ પણ ચૂંટાયા હતા.
હાલના ડેવલપમેન્ટ સાથે સેના-NCP-અપક્ષ ગઠબંધનના કુલ ૩૨ સભ્યો છે.


