કૌમુદી ચિનાઈ જેમને સગી બહેનથી વિશેષ માનતાં હતાં એવાં ભૂતપૂર્વ નગરસેવિકા પ્રભા પોપટે ઇચ્છા પૂરી કરી, દેહ KEM હૉસ્પિટલને ડોનેટ કર્યો
કૌમુદીબહેન
મુલુંડનાં નિવૃત્ત ટીચર કૌમુદી લાલજી ચિનાઈનું ગઈ કાલે સવારે પોણાબાર વાગ્યે તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. કૌમુદીબહેને ૨૦૧૧માં તેમની બહેનથી પણ વિશેષ ભૂતપૂર્વ નગરસેવિકા પ્રભા પોપટ પાસે અંતિમ ઇચ્છા તરીકે દેહદાન કરવાનો સંકલ્પ કર્યો હતો. તેમની આ ઇચ્છાનું સન્માન કરતાં તેમના પાર્થિવ દેહનું તબીબી તથા શૈક્ષણિક હેતુઓ માટે પ્રભા પોપટે પરેલની KEM હૉસ્પિટલમાં દાન કરીને લોકોમાં જાગૃતિ અને માનવસેવાનો સંદેશ પ્રસરાવ્યો હતો. દેહદાન પહેલાં કૌમુદીબહેનનાં ચક્ષુ અને સ્કિન ડોનેટ કરવામાં આવ્યાં હતાં.
ગુજરાતના માંગરોળ ગામનાં કૌમુદીબહેને તેમના જીવનના લગભગ ૪ દાયકા શિક્ષણ અને સમાજસેવામાં સમર્પિત કર્યા હતા. તેમણે લગ્ન કર્યાં નહોતાં અને પોતાનું સમગ્ર જીવન શિક્ષણ, સેવા અને બીજાઓની મદદ માટે સમર્પિત કર્યું હતું. તેમણે ૪૦ વર્ષ સુધી દાદરના શિશુવિહાર શિક્ષણ કેન્દ્રમાં ટીચર તરીકે સેવા આપી હતી અને ૨૦૦૩માં પ્રાથમિક વિભાગનાં પ્રિન્સિપાલ તરીકે સ્કૂલમાંથી નિવૃત્ત થયાં હતાં. તેમણે સાદગી, સન્માન, શિક્ષણ, મિત્રતા અને સમાજસેવાને પોતાના જીવનનાં મૂલ્યો બનાવ્યાં હતાં.
કૌમુદીબહેનનાં રિલેટિવ સુનંદા મુલાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૌમુદીબહેન ૧૯૮૪થી મુલુંડનાં ભૂતપૂર્વ નગરસેવિકા પ્રભા પોપટ સાથે રહેતાં હતાં. બન્ને વચ્ચે મિત્રતા, વિશ્વાસ અને લાગણીનો સંબંધ હતો. પ્રભાબહેનનાં સામાજિક અને સદ્કાર્યોમાં કૌમુદીબહેન તેમની સગી બહેનની જેમ સાથે રહેતાં હતાં અને મદદરૂપ થતાં હતાં.’
તેમની અંતિમ ઇચ્છાની માહિતી આપતાં સુનંદાબહેને કહ્યું હતું કે ‘૨૦૧૧માં કૌમુદીબહેન બીમાર પડ્યાં હતાં. તેમની ફેફસાંના ચેપની સારવાર દરમ્યાન કૌમુદીબહેને પ્રભાબહેન સમક્ષ દેહદાન કરવાની તેમની અંતિમ ઇચ્છા વ્યક્ત કરી હતી એટલું જ નહીં, તેમણે એ સમયે જ સ્પષ્ટ કર્યું હતું કે તેમના મૃત્યુ પછી કોઈ પ્રાર્થનાસભા રાખવામાં ન આવે. ગઈ કાલે કૌમુદીબહેનના અવસાન પછી પ્રભાબહેને ૧૫ વર્ષ પહેલાં તેમની સમક્ષ રજૂ કરવામાં આવેલી દેહદાનની અંતિમ ઇચ્છાને યાદ રાખીને કૌમુદીબહેનના પાર્થિવ દેહનું તબીબી તથા શૈક્ષણિક હેતુઓ માટે પરેલની KEM હૉસ્પિટલમાં દાન કર્યું હતું. સુમતિ ગ્રુપના વિનોદ હરિયાએ આ સંપૂર્ણ પ્રક્રિયામાં પ્રભાબહેનને માર્ગદર્શન અને સહયોગ આપ્યાં હતાં.’
