Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner

મળો દેવાચા સોનારને

Published : 22 September, 2026 02:35 PM | IST | Mumbai
Varsha Chitaliya | varsha.chitaliya@mid-day.com

 લાલબાગચા રાજા, મુંબઈચા રાજા, કાળાચૌકીચા મહાગણપતિ, ચિંચપોકળીચા ચિંતામણિની મૂર્તિઓને શાહી લુક આપતાં આ આભૂષણોને ઘડનારા ગિરગામના નાના વેદક સાથે મિડ-ડેએ કરી એક્સક્લુઝિવ વાતચીત 

બાપ્પાનાં આભૂષણોને ચમકાવી રહેલા નાના વેદક.

બાપ્પાનાં આભૂષણોને ચમકાવી રહેલા નાના વેદક.


ગણેશોત્સવ દરમ્યાન જ્યારે કરોડો ભક્તો ‘લાલબાગના રાજા’નાં ચરણોમાં શીશ ઝુકાવે છે, ત્યારે બાપ્પાના તેજસ્વી સુવર્ણ મુગટ અને શાહી આભૂષણો જોઈને સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. મુંબઈના આ અને આવાં અનેક ટોચનાં સાર્વજનિક ગણેશમંડળોમાં બિરાજમાન બાપ્પાની ભવ્યતામાં ચાર ચાંદ લગાવવાનું અદ્ભુત કામ ગિરગામની સાંકડી ગલીઓમાં આવેલી વર્કશૉપમાં થાય છે. મુંબઈનાં ગણેશમંડળોમાં ‘દેવાચા સોનાર’ તરીકે ઓળખાતા નાના વેદક છેલ્લા ત્રણ દાયકાથી બાપ્પા માટે આભૂષણો તૈયાર કરે છે. કળા અને અતૂટ ભક્તિના સમન્વયથી તેમણે ઘડેલાં આભૂષણો ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે. બાપ્પાના સાજશણગાર અને પડદા પાછળની મહેનત વિશે તેમની સાથે થયેલી ખાસ વાતચીતના અંશો અહીં પ્રસ્તુત છે.

પરંપરા અને વારસો



નાના વેદકનો પરિવાર પેઢી દર પેઢીથી દેવી-દેવતાઓનાં આભૂષણો ઘડવાનું કામ કરે છે. હાલમાં ગિરગામમાં તેમનાં ત્રણ કારખાનાં છે, જ્યાં ૭૦ વર્ષના નાના વેદકની દેખરેખમાં મુંબઈનાં પ્રખ્યાત સાર્વજનિક ગણેશમંડળોમાં બિરાજતા બાપ્પા માટે કસ્ટમ-મેઇડ સોના અને ચાંદીનાં આભૂષણો તૈયાર થાય છે તેમ જ જૂનાં આભૂષણોને રિપેર કરવામાં આવે છે. વાસ્તવમાં નાના વેદકનું સાચું નામ સંજય વેદક છે, પરંતુ મુંબઈના ગણેશમંડળોમાં આદરપૂર્વક બધા તેમને નાના અથવા નાના વેદક તરીકે જ ઓળખે છે. 
ત્રણ દાયકાથી ગણેશમંડળોની પહેલી પસંદગી બનેલા નાના વેદક આભૂષણો બનાવવાની પ્રક્રિયા વિશે જણાવતાં કહે છે, ‘બાપ્પાનાં આભૂષણો બનાવવાનું કામ સામાન્ય જ્વેલરી બનાવડાવવા જેવું નથી હોતું. એમાં મૂર્તિનું ચોક્કસ માપ, નકશીકામની પરંપરાગત પદ્ધતિઓ અને મંડળની ગરિમાને ધ્યાનમાં રાખીને અજોડ ડિઝાઇન તૈયાર કરવી પડે છે. આ કામની વિશેષતા એ છે કે મૂર્તિકારો અમને મૂર્તિનાં અંગોનાં ચોક્કસ માપવાળાં મોલ્ડ (બીબાં) મોકલે છે અને અમે આ આભૂષણો સીધાં એ મોલ્ડ પર જ તૈયાર કરીએ છીએ. જો દાગીના સીધા ઓરિજિનલ મૂર્તિ પર પહેરાવવામાં આવે તો માટી કે PoPની મૂર્તિ પર સ્ક્રૅચ પડવાનું જોખમ રહે છે. બાપ્પાની મૂર્તિ પર એક નાનો સ્ક્રૅચ પણ ન આવવો જોઈએ, તેથી જ મોલ્ડ પર જ દાગીના બનાવવાની આ પદ્ધતિ શ્રેષ્ઠ છે. મૂર્તિકાર દ્વારા મળેલા મોલ્ડ પર કામ કરવાથી દાગીના મૂર્તિ પર એકદમ પર્ફેક્ટ માપમાં બેસી જાય છે અને એ ગણપતિબાપ્પાનાં અંગો સાથે એકરૂપ થઈને અસલી અને જીવંત લાગે છે. ઉપરથી પહેરાવ્યા હોય એવું બિલકુલ નથી લાગતું. ગણેશોત્સવના ત્રણ મહિના અગાઉથી અમારી વર્કશૉપમાં દિવસ-રાત કામ ચાલતું હોય છે. હું વર્ષ ૨૦૦૬થી લાલબાગચા રાજાનાં આભૂષણો બનાવવાનું કામ કરી રહ્યો છું. જોકે દર વર્ષે નવાં આભૂષણો નથી બનતાં. પહેલેથી બનેલાં ભવ્ય આભૂષણોનું રીપૉલિશિંગ કરવામાં આવે છે, જેમાં કોઈ કીમતી સ્ટોન ખરી ગયો હોય કે અન્ય કોઈ ઝીણું-ઝીણું સમારકામ હોય એ પૂરું કરી આપીએ. નવા દાગીના ત્યારે જ બને જ્યારે મંડળને કોઈ મોટા ભક્ત કે દાતા તરફથી સોનું ભેટ મળે, જેમ કે ગયા વર્ષે અંબાણીપરિવારે અર્પણ કરેલા સોનામાંથી અમે બાપ્પાનો મુગટ બનાવ્યો હતો, જ્યારે આ વર્ષે માત્ર રીપૉલિશિંગ અને ફાઇનલ ટચનું જ કામ હતું. ઉત્સવ પહેલાં આભૂષણોને ચમકાવીને રેડી રાખીએ છીએ, જેથી ગણેશચતુર્થીના થોડા દિવસ પહેલાં યોજાતા ‘ફર્સ્ટ લુક’ દર્શન દરમ્યાન જ મંડળવાળા બાપ્પાને એ પહેરાવી શકે. લાલબાગચા રાજા ઉપરાંત ગણેશગલી (મુંબઈચા રાજા), ચિંચપોકળીચા ચિંતામણિ અને કાલાચૌકીચા મહાગણપતિ જેવાં સુપ્રસિદ્ધ ગણેશમંડળોના બાપ્પાનાં આભૂષણો શુદ્ધ સોનાનાં હોય છે. અનેક મંડળો સોના અને ચાંદીનાં મિક્સ આભૂષણો પણ કરાવે છે, જેમ કે હાર સોનાનો હોય અને આશીર્વાદ આપતો હાથ અને ચરણ ચાંદીમાંથી બનેલાં હોય. ચાંદીનાં આભૂષણ પર સોનાનું શુદ્ધ પાણી ચડાવવામાં આવે છે, જેથી એ અસલી સોના જેવાં જ સુંદર દેખાય અને બાપ્પાનો લુક રાજાશાહી લાગે.’


કીમતી ધાતુ મંડળો આપે

બાપ્પાનાં પહેલેથી બનેલાં આભૂષણોને ફરીથી ચમકાવવા સુરક્ષાપૂર્વક બૅન્કના લૉકરમાંથી કારખાનામાં લવાય છે. મુગટ, હાર, જનોઈપટ્ટા, કડાંને રીપૉલિશ કરવાં પડે. નાનું-મોટું રિપેરિંગ કામ હોય જ. વિસર્જન બાદ એને ફરીથી સ્વચ્છ કરવાં પડે. આભૂષણોને હવા લાગે તો ખરાબ થઈ જાય. ગણેશોત્સવ સમાપ્ત થાય પછી મંડળના કમિટી-મેમ્બરોની હાજરીમાં એને સાફ કરી પેટીપૅક કરીને આપે ત્યારે કામ પૂર્ણ થાય. આ વર્ષે મુંબઈમા બાવીસ મંડળોનાં આભૂષણોને ચમકાવ્યાં છે. આ ઉપરાંત કોલ્હાપુર, સોલાપુર, ભાવનગર અને સુરતનાં મંડળોમાં બિરાજમાન બાપ્પાના આભૂષણ બનાવવાના ઑડર્ર પણ મળ્યા હતા. અમેરિકાથી પણ બાપ્પાનાં આભૂષણ બનાવવાનો ઑર્ડર મળ્યો હતો. બદલાતા જમાના પ્રમાણે તેઓ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરતા થયા છે. પાંચ વર્ષથી નાનાએ પોતાના જમાઈ સંજોગ ચોણકરને બિઝનેસમાં લઈ લીધા છે. મૅનેજમેન્ટની બાગડોર સંભાળતા સંજોગ કમ્પ્યુટર પર નવી ડિઝાઇન બનાવી આપે છે. બન્નેની જુગલબંધી પરંપરા અને લેટેસ્ટ ટેક્નૉલૉજીનો સમન્વય છે. 
વર્તમાન સમયમાં સોના-ચાંદીના ભાવ રેકૉર્ડ સ્તરે છે, ત્યારે મંડળોનાં બજેટ સાથે કેવી રીતે તાલમેલ બેસાડો છો? આ પ્રશ્નનો જવાબ આપતી વખતે નાના ખુલાસો કરતાં કહે છે, ‘અમે જ્વેલર્સ નથી, કારીગર છીએ. સોના-ચાંદીના ભાવ સાથે અમને સીધો ફરક પડતો નથી. આભૂષણો બનાવવા ગણેશમંડળો દ્વારા જ સોનું-ચાંદી આપવામાં આવે છે. દાતાઓ બાપ્પાના ચરણે કીમતી ધાતુ ચડાવે એમાંથી જ સિલેક્ટ કરીને કમિટીના સભ્યો અમને સોનું-ચાંદી આપે. એને પિગાળીને અમે નવાં આભૂષણો બનાવી આપીએ. અમે માત્ર બાપ્પાનાં જ આભૂષણો તૈયાર નથી કરતા, મહારાષ્ટ્રનાં લગભગ તમામ મોટાં મંદિરોમાં બિરાજતાં દેવી-દેવતાઓનાં આભૂષણો અમારા કારખાનામાં તૈયાર થાય છે.’


સિદ્ધિવિનાયકથી થઈ શરૂઆત

વેદક પરિવાર પેઢી દર પેઢીથી દેવી-દેવતાઓનાં આભૂષણો બનાવવામાં માહેર છે. નાના ૫૩ વર્ષથી આભૂષણો બનાવવાનું કામ કરે છે. જોકે તેમની વ્યાવસાયિક અને આધ્યાત્મિક સફરમાં ટર્નિંગ પૉઇન્ટ ૧૯૯૪માં આવ્યો. એ સમયે પ્રભાદેવીના સિદ્ધિવિનાયક મંદિરના નવીનીકરણનું કાર્ય પૂરું થયું અને બાપ્પાનો સોનાનો મુગટ અને હાર બનાવવાનો ઑર્ડર મળ્યો. એ મારી જિંદગીની એક એવી શરૂઆત હતી, જેણે મારી કળાને બાપ્પાનાં ચરણોમાં અર્પણ કરી દીધી. ભાવુક સ્વરે આ શબ્દો બોલતાં નાના કહે છે, ‘એ પછી તો જાણે બાપ્પાના આશીર્વાદ વરસ્યા અને મોટાં ગણેશમંડળો પોતાના બાપ્પાનાં આભૂષણો બનાવડાવવા મારો સંપર્ક કરવા લાગ્યાં. બાપ્પાની કૃપાથી મહાલક્ષ્મી મંદિર, શિર્ડીના સાંઈબાબા સંસ્થાન અને સમગ્ર આગ્રી-કોળી સમાજની આસ્થાના કેન્દ્રસમાન કાર્લાસ્થિત આઈ એકવીરા માતાનાં આભૂષણો બનાવવાની પાવન તક મળી. અનેક સંસ્થાઓએ સાર્વજનિક મંચ પર સન્માન આપ્યું. દેવી-દેવતાનાં આભૂષણો બનાવવાની કળા જોઈને હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેએ મને ‘દેવાચા સોનાર’નું બિરુદ આપ્યું. લોકો મને દેવી-દેવતાના સોની તરીકે સંબોધે છે એ મારા માટે અવૉર્ડ કરતાં પણ ઉપર છે.’ 
નાના વેદકની વિનમ્રતા અને બાપ્પા પ્રત્યેની આસ્થા બતાવે છે કે તેઓ સાચા અર્થમાં ભગવાનના સોની છે. ગણેશોત્સવ પૂરો થયા પછી નવરાત્રિમાં પણ તેમનું કારખાનું ધમધમતું રહે છે. મુંબઈના મહાલક્ષ્મી મંદિર અને અન્ય દેવીમંદિરોનાં માતાજીનાં મુગટ, નથણી, હાર અને પોશાક પરના નકશીકામના ઑર્ડર તેઓ શ્રદ્ધાપૂર્વક પૂરા કરે છે. આમ બાપ્પાના શણગારથી શરૂ થતી સુવર્ણ યાત્રા નવરાત્રિમાં શક્તિસ્વરૂપા માતાજીના ચરણો સુધી પહોંચે છે. 

Whatsapp-channel Whatsapp-channel

22 September, 2026 02:35 PM IST | Mumbai | Varsha Chitaliya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK