આ ઘટના ૨૦૨૬ની બાવીસ જૂને સાંજના સમયે ચર્ચગેટથી વિરાર જતી ટ્રેનમાં બની હતી. આરોપીએ ફરિયાદી તથા તેની ૩ ફ્રેન્ડ્સનો તેમને જાણ ન થાય એ રીતે વિડિયો લીધો હતો તથા તસવીરો પણ મોબાઇલમાં ખેંચી હતી.
પ્રતીકાત્મક તસવીર
ચર્ચગેટથી વિરાર જતી લોકલના જનરલ ફર્સ્ટ ક્લાસ ડબ્બામાં પ્રવાસ કરી રહેલી ૧૯ વર્ષની કૉલેજિયન તથા તેની ૩ બહેનપણીઓનો ચોરીછૂપી વિડિયો તથા ફોટો લઈને, એને મૉર્ફ કરીને અશ્લીલ તસવીરો સોશ્યલ મીડિયામાં મૂકનારા વિકૃત આરોપીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસને મૂળ ઉત્તર પ્રદેશના મેરઠના અને વસઈ-ઈસ્ટમાં ટેલરનો ધંધો કરતા આરોપી મોહમ્મદ સાબીર મોહમ્મદ રુસ્તમ (૩૧ વર્ષ)ને પકડવામાં આશરે ૪ મહિના જેટલો સમય લાગ્યો હતો. જોકે આખરે તેની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી હતી.
આ ઘટના ૨૦૨૬ની બાવીસ જૂને સાંજના સમયે ચર્ચગેટથી વિરાર જતી ટ્રેનમાં બની હતી. આરોપીએ ફરિયાદી તથા તેની ૩ ફ્રેન્ડ્સનો તેમને જાણ ન થાય એ રીતે વિડિયો લીધો હતો તથા તસવીરો પણ મોબાઇલમાં ખેંચી હતી. ત્યાર પછી ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૉર્ફ કરીને તેમના અશ્લીલ ફોટો મૂક્યા હતા. આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરીને મોહમ્મદ રુસ્તમે ૨૭ જૂને તેમના નગ્ન-અર્ધનગ્ન અવસ્થામાં ફોટો તથા વિડિયો મૂક્યા હતા, જેને ૧,૧૧,૦૦૦ કરતાં વધુ વ્યુ મળ્યા હતા.
ADVERTISEMENT
અનેક મહિલાઓની તસવીરો-વિડિયો મળ્યાં, પોલીસે સ્ત્રીઓને કરી અપીલ
આરોપીની ધરપકડ બાદ તેનો મોબાઇલ ચેક કરવામાં આવતાં એમાંથી અનેક મહિલાઓનાં આ જ રીતે લીધેલા વિડિયો તથા ફોટો મળ્યા હતા. પોલીસે મહિલાઓ-યુવતીઓને ટ્રેનમાં, બસમાં કે જાહેરમાં કોઈ તેમની પરવાનગી કે મરજી લીધા વિના વિડિયો કે ફોટો પાડતું હોય તો એનું ધ્યાન રાખવાની તથા આ બાબતે તરત પોલીસને જાણ કરવાની અપીલ કરી છે. 1930 નંબર પર સાઇબર પોલીસને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે.
છોકરીનું પ્રોફાઇલ પિક્ચર મૂકીને Playboyના નામે અકાઉન્ટ બનાવ્યું
આ વાત ધ્યાનમાં આવતાં જ ટીનેજરે સાઉથ ઝોનમાં સાઇબર ડિપાર્ટમેન્ટમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની શોધ શરૂ કરી હતી. તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આરોપી મોહમ્મદે કોઈ છોકરીનું પ્રોફાઇલ પિક્ચર મૂકીને, Playboyના નામે ફેક અકાઉન્ટ બનાવીને આ તસવીરો-વિડિયો મૂક્યાં હતાં.
આવી પરિસ્થિતિમાં શું કરવું?
112 નંબર પર રેલવે પોલીસને જાણ કરવી.
1930 નંબર પર સાઇબર હેલ્પલાઇન પર ફોન કરીને જાણ કરવી.
www.cybercrime.gov.in વેબસાઇટ પર ફરિયાદ નોંધાવવી.
નજીકના પોલીસ-સ્ટેશનમાં જઈને, પોલીસને જાણ કરીને ફરિયાદ કરવી.
