આજકાલ આપણે ઉપવાસ કરવાની અત્યંત જરૂર છે, એ ઉપવાસ એટલે કે ડિજિટલ ઉપવાસ. આ માટે ગ્લોબલી ફોન-ફ્રી ફેબ્રુઆરી નામની મૂવમેન્ટ શરૂ થઈ છે. આ અભિયાન હેઠળ લોકો સ્માર્ટફોનનું વળગણ થોડા દિવસ માટે છોડવાની ભીષ્મ પ્રતિજ્ઞા લે છે. ફોન અને ઇન્ટરનેટ આપણો સમય જ નહીં, આપણી બુદ્ધિ પણ ખાઈ રહ્યા છે. અટેન્શન ઓછું થતું જવું, બેઠાડુ જીવનશૈલી, પ્રોડક્ટિવિટીમાં ઘટાડો, ઊંઘ સંબંધિત તકલીફો જેવી અનેક સમસ્યાઓ છે જે આ ડિજિટલ વર્લ્ડમાં રચ્યા-પચ્યા રહેવાને કારણે આપણે સહન કરી રહ્યા છીએ. આ બધું સમજવા છતાં આપણામાંથી કેટલા લોકો છે જે એનાથી પીછો છોડાવવામાં સફળ રહી શક્યા છે? કાયમી પીછો તો ભૂલી જાઓ, કેટલા એવા છે જે એક દિવસ પણ ફોન વગર કે સ્ક્રીન વગર રહી શકે એમ છે? આપણને ખબર છે કે ફોનની આદતમાંથી છુટકારો મેળવવાની જરૂર છે, ઘણા એવા છે જે એવું કરવા માગે પણ છે. એવા પણ ઘણા છે જેણે અમુક પ્રયાસો કર્યા છે, પણ ખાસ સફળતા મળી નથી. ત્યારે મળીએ કેટલાક એવા ખેરખાંઓને જેમણે આ પ્રયત્નો પાર પાડ્યા છે. જાણીએ તેમના અનુભવોને કે કઈ રીતે તેઓ ફોનથી દૂર રહી શકવામાં સમર્થ બન્યા છે.
19 February, 2025 07:09 IST | Mumbai | Jigisha Jain